જયદેવ ઠાકરેની અદાલતમાં જુબાનીથી ફેલાઈ સનસનાટી
ADVERTISEMENT
કોણ છે પપ્પા? : ઐશ્વર્ય.
વિનય દળવી
મારાં ત્રણ સંતાનોમાંથી ઐશ્વર્ય મારો દીકરો નથી એવી જાહેરાત જયદેવ ઠાકરેએ કરી ત્યારે બૉમ્બે હાઈ કોર્ટમાં જસ્ટિસ ગૌતમ પટેલની બેન્ચના કોર્ટરૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. શિવસેના પ્રમુખ સ્વર્ગસ્થ બાળ ઠાકરેના વસિયતનામાના કેસમાં તેમના વચલા દીકરા જયદેવ ઠાકરેએ જણાવ્યું હતું કે મારી ભૂતપૂર્વ (બીજી) પત્ની સ્મિતાનાં ત્રણ સંતાનો રાહુલ, ઐશ્વર્ય અને અદિતિમાંથી વચલા દીકરાનું નામ ઐશ્વર્ય બાળ ઠાકરેએ પાડ્યું હતું અને વસિયતનામામાં ઐશ્વર્યને મિલકત ફાળવવામાં આવી છે.
બાંદરા (ઈસ્ટ)ના કલાનગરમાં ૧૦,૦૦૦ ચોરસ ફુટની પ્રાઇમ પ્રૉપર્ટી માતોશ્રી બંગલા બાબતે ઉદ્ધવ ઠાકરેના વકીલ રોહિત કાપડિયાએ જયદેવ ઠાકરેને સવાલો પૂછ્યા હતા. વસિયતનામામાં માતોશ્રીમાં પૌત્રો અને દોહિત્રોમાંથી ફક્ત ઐશ્વર્યને ભાગ આપવામાં આવ્યો છે. વસિયતનામાની વિગતો પ્રમાણે માતોશ્રી બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોર શિવસેનાની ઑફિસ માટે, ૨૦૦૦ ચોરસ ફુટનો પહેલો માળ ઐશ્વર્યને, બીજો માળ બાળ ઠાકરેના સૌથી મોટા અને ૧૯૯૬માં મૃત્યુ પામેલા દીકરા બિન્દુ માધવની પત્ની માધવીને અને ત્રીજો માળ નાના દીકરા ઉદ્ધવ, તેની પત્ની રશ્મિ અને બે દીકરા આદિત્ય અને તેજસને ફાળવવામાં આવ્યા છે. ભંડારધરા અને કર્જતની પ્રૉપર્ટી ઉપરાંત ૧૪.૮૫ કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ્સ ઉદ્ધવ ઠાકરેને ફાળવવામાં આવી છે. પહેલા માળના ફ્લૅટમાં ઐશ્વર્યની મધર સ્મિતા કે સ્મિતાના પતિ જયદેવ (જેમને ઉદ્ધવના વકીલ ઐશ્વયના ફાધર ગણતા હતા)ને રહેવાની છૂટ અપાઈ નથી.
માતોશ્રી બંગલાનું ૧૯૯૫માં રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું ત્યારથી તમે ત્યાં શા માટે રહ્યા નથી? એવા સવાલના જવાબમાં જયદેવ ઠાકરેએ જણાવ્યું હતું કે હું અવારનવાર એ બંગલામાં જતો હતો અને રાતે મારા ફાધરની પાસે સૂતો પણ હતો.
નવા માતોશ્રીમાં તમને ફાળવવામાં આવેલા પહેલા માળનું શું થયું? એવા સવાલના જવાબમાં જયદેવ ઠાકરેએ કોર્ટને જણાવ્યું હતું કે ત્યાં કોઈ રહે છે અને મોટે ભાગે એ જગ્યાને તાળું મારેલું હોય છે. ઉદ્ધવના વકીલ રોહિત કાપડિયાના તમને ફાળવવામાં આવેલા પહેલા માળ પર કોણ રહે છે, એ તમે તમારા ફાધરને પૂછ્યું નહોતું? એવા સવાલનો જવાબ જયદેવ ઠાકરેએ એક શબ્દમાં આપ્યો ઐશ્વર્ય. એની સામે ઍડ્વોકેટ રોહિત કાપડિયાએ પૂછ્યું કે તે તમારો દીકરો છે? એના જવાબમાં જયદેવ ઠાકરેએ કહ્યું કે મારે આ હકીકત ક્યારેક જણાવવાની છે અને એ વિગત રેકૉર્ડ પર લાવવાની પણ જરૂર છે. જસ્ટિસ ગૌતમ પટેલે સવાલનો જવાબ પહેલાં આપવા અને પછી સ્પષ્ટતા કરવાનું કહ્યું એ વખતે જયદેવે સ્પષ્ટ કહ્યું કે ના, ઐશ્વર્ય મારો દીકરો નથી.
લંચ અવર પછી બપોરે ત્રણ વાગ્યે જસ્ટિસ ગૌતમ પટેલે કેસની સુનાવણી હવેથી બંધ બારણે કરવાની જાહેરાત કરતાં બધા મીડિયા પર્સન્સને કોર્ટરૂમની બહાર જવાની સૂચના આપી હતી. તેમણે ફ્કત ફૅમિલી-મેમ્બર્સ અને ઉદ્ધવ તથા જયદેવના વકીલોને હાજર રહેવાની છૂટ આપી હતી. કોર્ટે સુનાવણી ગુરુવારે ચાલુ રાખવાની જાહેરાત કરી હતી
સ્મિતા સાથે છૂટા પડી જયદેવ ત્રીજી વખત પરણ્યો
જયદેવ ઠાકરેએ બેન્ચને જણાવ્યું હતું કે ‘માતોશ્રી બંગલાનું રીડેવલપમેન્ટ ચાલતું હતું ત્યારે હું દાદરના ફ્લૅટમાં રહેતો હતો. રીડેવલપમેન્ટ પૂરું થયા પછી હું માતોશ્રીમાં રહેવા ગયો હતો, પરંતુ ફક્ત એક દિવસમાં ત્યાંથી કાલિના રહેવા જતો રહ્યો હતો, કારણ કે બીજી પત્ની સ્મિતા જોડે સંબંધો વણસેલા હતા. એ વખતમાં બાળ ઠાકરેએ બાયપાસ સર્જરી કરાવી હતી. તેમણે જ મને કાલિના રહેવા જવાનું કહ્યું હતું, પરંતુ પત્ની સ્મિતા કલાનગરના માતોશ્રી બંગલામાં રહેતી હતી. મેં ૧૯૯૭માં ત્રીજું લગ્ન અનુરાધા સાથે કર્યું હતું. ત્યાર પછી ૧૯૯૮માં અનુરાધાની કૂખે દીકરીનો જન્મ થયો હતો. ૨૦૦૪માં અમારા છૂટાછેડા થયા ત્યાર સુધી સ્મિતા માતોશ્રીમાં રહેતી હતી અને ત્યાર બાદ તે ત્યાંથી બહાર નીકળી હતી. હું અને મારી ત્રીજી પત્ની અનુરાધા ક્યારેય માતોશ્રીમાં કાયમી ધોરણે રહ્યાં નથી, પરંતુ મારા ફાધરે મને કહ્યું હોવાથી હું અવારનવાર રાતે ત્યાં સૂવા જતો હતો. હું દાદરના ફ્લૅટથી રીડેવલપમન્ટ કરેલા માતોશ્રીમાં રહેવા ગયો હતો, પરંતુ ત્યાં કાયમી ધોરણે રહેતો નહતો. મોટા ભાગે કાલિનાના ફ્લૅટમાં અને પછીથી કલાનગરમાં જ ડલાસ અપાર્ટમેન્ટના ફ્લૅટમાં રહ્યો છું.’
ઍફિડેવિટમાં જયદેવ ઠાકરેએ માતોશ્રીના પહેલે માળે રહેતો હોવાનું જણાવ્યું એ વિગતથી તેની વાત જુદી પડતી હોવાનો ઉલ્લેખ ઍડ્વોકેટ રોહિત કાપડિયાએ કર્યો ત્યારે જયદેવ ઠાકરેએ તરત સ્પષ્ટતા કરી હતી, પરંતુ ક્યારેય માતોશ્રીમાં શિફ્ટ થયા હતા કે નહીં? એવા સવાલ વિશે અસ્પષ્ટતા રહી છે. અગાઉ જયદેવ ઠાકરેએ માતોશ્રી બંગલો છોડ્યા પછી ત્યાં ક્યારેય નહીં ગયાનો દાવો કર્યો હતો, પરંતુ પછીથી ફાધરને જરૂર હોવાથી અવારનવાર રાતે ત્યાં સૂવા માટે જતા હોવાનું જણાવ્યું હતું.

