Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મૈં દેશ કૈસે ચલાએગી, મૈં પૈસા કહાં સે લાએગી? : સીતારમણ

મૈં દેશ કૈસે ચલાએગી, મૈં પૈસા કહાં સે લાએગી? : સીતારમણ

29 August, 2022 08:48 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

કંપનીઓ તરફથી મળેલી ભેટ હવે કરપાત્ર હશે એવી સરકારની જાહેરાત બાદ એની સીધી અસર ગિફ્ટ ઇન્ડસ્ટ્રી પર થતી હોવાથી એના અસોસિએશને આપેલા આવેદનપત્ર બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આવું કહ્યું હતું

નાણાપ્રધાનને આવેદનપત્ર આપી રહેલા કૉર્પોરેટ ગિફ્ટ્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના પદાધિકારીઓ

નાણાપ્રધાનને આવેદનપત્ર આપી રહેલા કૉર્પોરેટ ગિફ્ટ્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના પદાધિકારીઓ


કંપનીઓ તરફથી મળેલી ભેટ પણ આવકવેરા કાયદાની નવી કલમ ૧૯૪-આર હેઠળ કરપાત્ર હશે એવી સરકારની જાહેરાત બાદ આ કાયદાની સીધી અસર ગિફ્ટ ઇન્ડસ્ટ્રી પર થઈ છે. આ ઇન્ડસ્ટ્રી વર્ષે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની આવક પેદા કરી રહી છે, જેના પર નભી રહેલા ૩,૦૦,૦૦૦થી વધુ લોકોની રોજગારી અને આજીવિકા જોખમમાં આવી ગઈ છે. આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો કહે છે કે સરકાર જ્યારે કોઈ પણ કાયદો બનાવે ત્યારે પહેલાં સામાન્ય રીતે આ કાયદા સાથે સંકળાયેલી બધી જ વ્યક્તિઓની સાથે મીટિંગ કરીને તેમનાં મંતવ્યો લીધા બાદ કાયદો બનાવતી હોય છે. જોકે તાજેતરમાં સરકારે કંપનીઓ તરફથી મળેલી ભેટ પણ આવકવેરા કાયદાની નવી કલમ ૧૯૪-આર હેઠળ કરપાત્ર હશે એ કાયદો બનાવતાં પહેલાં ગિફ્ટ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ પણ ચર્ચાવિચારણા કરી નહોતી અને નવા કાયદાથી થનારી નકારાત્મક અસરો પર વિચારણા કર્યા વગર જ કાયદાનો અમલ કરતાં ગિફ્ટિંગ અને પ્રમોશન ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર થઈ છે. એને કારણે ભારતમાં એકમાત્ર નોંધાયેલું સક્રિય સંગઠન જે કૉર્પોરેટ ગિફ્ટિંગ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરે છે એ કૉર્પોરેટ ગિફ્ટ્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા સરકારની આ કલમનો વિરોધ કરવા માટે સક્રિય બન્યું છે.

ઇન્કમ-ટૅક્સની કલમ ૧૯૪-આર મુજબ ૨૦,૦૦૦ રૂપિયાથી વધુની ભેટ, પ્રમોશનલ મટીરિયલ સ્પૉન્સરશિપ અથવા ગિફ્ટ-વાઉચર આપતી વ્યક્તિ અથવા કૉર્પોરેટે પ્રાપ્તકર્તાના પૅન કાર્ડ સામે ૧૦ ટકા ટૅક્સ ડિડક્શન ઍટ સોર્સ કાપવાનો રહેશે. વધુમાં એ પ્રાપ્તકર્તાના હાથમાં આવક તરીકે ગણવામાં આવશે અને એ મુજબ કર લાદવામાં આવશે. આ કલમને પરિણામે કૉર્પોરેટોએ તેમના આંતરિક કર્મચારીઓ, બાહ્ય ગ્રાહકોને તમામ પ્રમોશનલ ગિફ્ટિંગ અને ડીલરોને વેપાર પ્રોત્સાહનો બંધ કરી દીધાં છે. સીજીએઆઈએ આ કાયદાની તેમની ઇન્ડસ્ટ્રી પર પડનારી અવળી અસરની જાણકારી આપવા માટે કૅબિનેટ પ્રધાનો સાથે પીએમઓ ઑફિસનો સંપર્ક કર્યો છે. તેમણે આ બાબતનો વિરોધ કરતું અને તેમને આ કાયદા પર પુનઃ વિચાર કરવા માટેનું આવેદનપત્ર વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ, ભારતના કાયદા અને ન્યાયપ્રધાન કિરણ રિજિજુ અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણને આપ્યા બાદ પણ તેમને આશ્વાસનથી વધુ કંઈ હાથમાં આવ્યું નથી. આથી આ અસોસિએશન તરફથી ગોરેગામના નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં શનિવારે વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું.



અમારી પાસે આવકનો વૈકલ્પિક સ્રોત ન હોવાથી અમારું અસ્તિત્વ જોખમમાં છે એમ જણાવતાં અસોસિએશનનાં ચૅરપર્સન શીતલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બધા જ માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝમાં આવીએ છીએ. અમે છેલ્લાં થોડાં વર્ષોમાં નરેન્દ્ર મોદીના મેક ઇન્ડિયાના નારાને સાર્થક કરવા માટે ચાઇનાથી ઇમ્પોર્ટ બંધ કરી દીધી છે અને આપણા દેશમાં જ ગિફ્ટ-આઇટમોનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. અમારી સાથે અનેક સ્ટાર્ટ-અપ યુવાનો પણ જોડાયા છે જેઓ મોદીના સબકા સાથ, સબકા વિકાસ અને મેક ઇન ઇન્ડિયાના સૂત્રને દેશભરમાં પ્રભાવિત કરવા માટે હાર્ડ વર્ક કરી રહ્યા છે. જોકે નવા કાયદાએ અમારાં બધાં સપનાંઓને એકસાથે જ ભસ્મ કરી દીધાં છે.’


અમે નિર્મલા સીતારમણ સાથે મીટિંગ કરી ત્યારે તેમનો એક જ સૂર હતો કે મૈં દેશ કૈસે ચલાએગી, મૈં પૈસા કહાં સે લાએગી? આ સંદર્ભમાં શીતલ શાહે કહ્યું હતું કે ‘અમારી પણ એ જ ચિંતા છે કે અમે નવા કાયદાથી ઊભા થનારા બેરોજગારોને કેવી રીતે સ્થાયી કરીશું? અમે ઇન્ડસ્ટ્રી બંધ થશે તો આવક ક્યાંથી અને કેવી રીતે પેદા કરીશું અને અમારી ઇન્ડસ્ટ્રીને કેવી રીતે ચલાવીશું? અત્યારે અમારી ઇન્ડસ્ટ્રી સાથે ૫૦,૦૦૦ લોકો સીધા સંકળાયેલા છે. લેબર કૉન્ટ્રૅક્ટરો, પ્રિન્ટર્સ, એમ્બ્રૉઇડરીઝ, પૅકર્સ, કુરિયર અને લૉજિસ્ટિક કંપનીઓ સાથે ૩,૦૦,૦૦૦ લોકોના અસ્તિત્વને અમે સ્મૉલ પ્લેયરો કેવી રીતે બચાવી શકીશું?’

બેરોજગારીની સીધી અસર દેશને થશે અને દેશની આવકને પણ થશે એમ જણાવતાં શીતલ શાહે કહ્યું હતું કે ‘ગઈ કાલ સુધી જે કંપનીઓ ૧૦૦ કરોડ રૂપિયા પ્રૉફિટ કરતી હતી એ કંપનીઓ એમાંથી ૧૦ કરોડ રૂપિયા ગિફ્ટમાં ખર્ચ કરતી હતી જેના પર તેમને આવકવેરો લાગતો નહોતો. આ કંપનીઓ ૯૦ કરોડ રૂપિયા પર આવકવેરો ભરતી હતી. આ કંપનીઓ પર કાયદાનું નિયંત્રણ આવવાથી તેમણે હવે ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો બંધ કરી દેતાં અમારી ઇન્ડસ્ટ્રીને મળતો ૧૦ કરોડનો બિઝનેસ બંધ થઈ ગયો છે. ગિફ્ટ આઇટમોમાં આવશે અને આવકવેરો રોકડાથી ભરવો પડશે. આ તે કેવો ન્યાય? સરકારના કાયદાની અસર ગિફ્ટ દેનાર અને લેનાર બને પર થશે, પરંતુ ધંધાનું મારણ અમને થશે તથા બેરોજગારી વધશે. આવા સંજોગોમાં સરકારે આ બાબતમાં પુનઃ વિચાર કરવાની જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2022 08:48 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK