Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિયાળા અને ચોમાસાએ ગઠબંધન કરી ઉનાળાની સરકારને પાડી દીધી

શિયાળા અને ચોમાસાએ ગઠબંધન કરી ઉનાળાની સરકારને પાડી દીધી

22 March, 2023 10:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રમાં તો ઋતુઓ પણ હવે રાજકારણી જેવી થઈ ગઈ

તસવીર : નિમેશ દવે, પ્રદીપ ધિવાર અને અતુલ કાંબળે

તસવીર : નિમેશ દવે, પ્રદીપ ધિવાર અને અતુલ કાંબળે


૧૦૫ વર્ષ પછી મુંબઈમાં માર્ચમાં આવો ધોધમાર વરસાદ પડ્યો : કમોસમી વરસાદે ખેતીના પાકને નુકસાન કરવાની સાથે મુંબઈગરાને પણ હેરાન કર્યા : અચાનક વરસાદ પડતાં હાઇવે જૅમ થયો અને સેન્ટ્રલ-વેસ્ટર્નની લોકલ પર અસર થતાં એ પીક-અવર્સમાં મોડી દોડી

મુંબઈગરા ગઈ કાલે ખરેખર ઊંઘતા ઝડપાયા હતા. એટલું જ નહીં, વેધશાળા પણ ઊંઘતી ઝડપાઈ હતી. મુંબઈમાં ગઈ કાલે સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. એક સૈકા બાદ મુંબઈમાં માર્ચ મહિનામાં ગઈ કાલે આટલો વરસાદ પડ્યો હતો. નવાઈની વાત એ હતી કે વેધાશાળાને પણ આ બાબતનો કોઈ જ અંદેશો નહોતો. ૧૯૧૮માં માર્ચ મહિનામાં ઑલટાઇમ હાઈ ૩૭.૧ એમએમ વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ ગઈ કાલે સાંતાક્રુઝમાં ૨૫.૪ એમએમ વરસાદ પડ્યો હતો, જ્યારે સાંતાક્રુઝમાં ૧૬.૯ એમએમ વરસાદ પડ્યો હતો. આમ ૧૦૫ વર્ષે મુંબઈગરાઓએ માર્ચ મહિનામાં આવો ધોધમાર વરસાદ જોયો હતો. જોકે આ પહેલાં ૨૦૦૬માં માર્ચ મહિનામાં એક જ દિવસમાં ૧૧.૯ એમએમ વરસાદ અને આખા માર્ચ મહિનામાં ૧૩.૧ એમએમ વરસાદ નોંધાયો હતો.ગઈ કાલના વરસાદ બાબતે આઇએમડીનાં ડિરેક્ટર સુષમા નાયરે કહ્યું હતું કે હાલ પશ્ચિમમાં અરબી સમુદ્ર પરથી આવી રહેલા પવનો પોતાની સાથે ભેજ લાવે છે જેને કારણે હાલ મુંબઈ અને પરાંમાં વરસાદ પડી રહ્યો છે.


જોકે આવું ભાગ્યે જ બનતું હોય છે એમ જણાવતાં વેગારિઝ ઑફ વેધર્સના નામે બ્લૉગિંગ કરતા રાજેશ કાપડિયાએ ફોડ પાડતાં જણાવ્યું હતું કે ‘મંગળવારે સવારે જે બન્યું એ એકદમ અણધાર્યું હતું. માર્ચ મહિનામાં સામાન્યપણે આવો ધોધમાર વરસાદ પડતો નથી. સોમવારે રાતે નૉર્થ કોંકણમાં લો પ્રેશરને કારણે પશ્ચિમ દિશામાંથી પવનો ઉપરથી વાઈ રહ્યા હતા જે વાદળોને ખેંચી લાવ્યાં હતાં. વળી એ રાતે ભેજ ઘટીને ૪૭ ટકા થઈ ગયો હતો, જેને કારણે વરસાદ પડ્યો. આવું ભાગ્યે જ બનતું હોય છે.’

સ્કાયમેટ દ્વારા કહેવાયું છે કે ‘આખા દેશમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ગરમીનો પારો ઘટી રહ્યો છે. જોકે થોડા જ દિવસોમાં ગુજરાત અને મહારાષ્ટ્રમા ફરી એક વાર પારો ઊંચો ચડતો જોવા મળશે.’


આઇએમડીએ જે આગાહી કરી છે એ પણ હાલ તો ચિંતા કરાવે છે. મુંબઈ સહિત કોંકણ, થાણે, રાયગડ અને સિંધુદુર્ગ, મરાઠવાડામાં હજી બેથી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે. વિદર્ભ એટલે કે નાગપુર, આકોલા, અમરાવતી, ચંદ્રપુર જ્યાં સામાન્યપણે દુકાળની પરિસ્થિતિ જ હોય છે ત્યાં આ ચાર-પાંચ દિવસમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હવે એક આડ વાત એ છે કે આ વરસાદને કારણે અનાજના પાકને તથા ફ્રૂટ્સ અને શાકભાજીને માઠી અસર થવાની શક્યતા છે.  

ઉત્તર મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડામાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવે આ કમોસમી વરસાદે મુંબઈમાં પ્રવેશ કર્યો છે. મુંબઈ, થાણે અને કલ્યાણ, ડોમ્બિવલી, મુલુંડ, વિક્રોલી, અંધેરી સહિતનાં ઉપનગરોમાં વાદળછાયું વાતાવરણ હતું. એ પછી મુંબઈમાં ગઈ કાલે સવારે સાડાપાંચ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. મુંબઈ સહિત ઉપનગરોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. દક્ષિણ મુંબઈ સહિત મુંબઈનાં પશ્ચિમ અને પૂર્વનાં ઉપનગરોમાં સારોએવો વરસાદ જોવા મળ્યો હતો. વહેલી સવારે બોરીવલી, ગોરેગામ, જોગેશ્વરી, અંધેરી, બાંદરા અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજા સારા વરસ્યા હતા. જોકે સવારે લગભગ સાડાઅગિયાર વાગ્યા પછી આકાશ થોડુંક સ્વચ્છ જોવા મળ્યું હતું.

મુંબઈ સહિત થાણે અને પાલઘર જિલ્લામાં પણ વરસાદ હતો. અંધેરી, જોગેશ્વરી, ગોરેગામ, મલાડ, કાંદિવલી, બોરીવલી અને દહિસરના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. દિવા, ડોમ્બિવલી, કલ્યાણ, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર અને ગ્રામીણ વિસ્તારોમાં મધરાતથી વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે સવારે કામે ગયેલા લોકો લોકલ મોડી દોડી રહી હોવાથી હેરાન થયા હતા. થોડા દિવસ પહેલાં રાજ્યના ઘણા ભાગોમાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન થયું હતું.

મુંબઈમાં કમોસમી વરસાદને કારણે ત્રણેય લાઇનો પર ટ્રેનસેવાઓ ખોરવાઈ જતાં ટ્રેનવ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. લોકલ ધીમી દોડતી હોવાથી સેન્ટ્રલ રેલવેમાં અપ અને ડાઉન બન્ને રૂટ પર અસર જોવા મળી હતી અને ટ્રેનો ૧૫થી ૧૦ મિનિટ મોડી દોડી રહી હતી. સેન્ટ્રલ રેલવે પર કલ્યાણ અને હાર્બર લાઇન પર રે રોડ, સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પર ટેક્નિકલ ખામી સર્જાતાં લોકલ પર અસર થઈ હોવાથી સ્ટેશનો પર પ્રવાસીનો ધસારો જોવા મળી રહ્યો હતો. સેન્ટ્રલ રેલવેથી મળેલી માહિતી પ્રમાણે મેઇન લાઇન, હાર્બર રૂટ પર વરસાદ હોવા છતાં તમામ રૂટ પર ટ્રેનો દોડી રહી હતી. સીએસએમટીથી થાણે અને દિવા, ડોમ્બિવલી, કલ્યાણ સેક્શનમાં લોકલ ટ્રેનો મોડી દોડી હતી. મેઇન લાઇન પર લોકલ ૧૫થી ૧૦ મિનિટ મોડી ચાલી રહી છે, જ્યારે હાર્બર લાઇન પર ૨૦ મિનિટ મોડી ચાલી રહી હતી. વેસ્ટર્ન રેલવેમાં પણ લોકલ ૧૦થી ૧૫ મિનિટ મોડી દોડી હોવાથી પ્રવાસીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પાલઘરમાં હવામાનની આગાહી

ભારતીય હવામાન વિભાગ તરફથી મળેલી આગાહી મુજબ પાલઘર જિલ્લામાં ૨૨થી ૨૪ માર્ચ દરમિયાન કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે. ૨૧ માર્ચે અચાનક પડેલા વરસાદને કારણે જેમનાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે તેમણે એ પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. કેરી અને કેરીના બગીચામાં સડેલાં ફળો ઉપાડીને નાશ કરો. શાકભાજીના પાક પર કરપા રોગનો ઉપદ્રવ વધવાની સંભાવના છે તેથી નિષ્ણાતની સલાહ લઈને દવાનો છંટકાવ કરવો જોઈએ એવી સલાહ જિલ્લા પાલઘરના કૃષિ હવામાન કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે. આ વિસ્તારમાં ઈંટની ભઠ્ઠીનો વ્યવસાય કરનારાઓને નુકસાન થવાની સંભાવના હોવાથી તેઓ પણ ચિંતિત છે.

કમોસમી વરસાદનું કારણ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઓછા દબાણના પટ્ટાને કારણે વરસાદ માટે પૂરક વાતાવરણ સર્જાયું હતું. અરબી સમુદ્રમાંથી ફૂંકાતા પશ્ચિમી પવનોને કારણે મુંબઈ અને ઉપનગરોમાં વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે રાજ્યમાં લણાયેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એમાં લગભગ ૨૫ જિલ્લા પ્રભાવિત થયા છે અને આશરે ૩૯,૦૦૦ હેક્ટર જમીનને નુકસાન થયું હોવાનું જણાયું છે. આગામી દિવસોમાં પણ પવન સાથે મેઘરાજ વરસે એવી શક્યતા છે.

હાઇવે જૅમ થયો

નવી મુંબઈ તરફ જતા થાણેમાં ભારે ટ્રાફિક હતો અને થાણેના સાકેતથી ઐરોલી સુધી આખો હાઇવે જૅમ જોવા મળ્યો હતો. આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ હાઇવે પર વાહનોની અવરજવર ધીમી ગતિએ થઈ રહી હતી. ફોર-વ્હીલરમાં પ્રવાસ કરીને કોપરખૈરણે જઈ રહેલા પ્રવાસી પ્રદીપ ભાટિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભાઈંદરથી કોપરખૈરણે જવા માટે મને બેથી અઢી કલાક લાગે છે, પરંતુ ગઈ કાલે વરસાદને કારણે વાહનોની મૂવમેન્ટ ધીમી હોવાથી સાડાત્રણ કલાક કરતાં વધુ સમયે હું પહોંચી શક્યો હતો. આ ઉપરાંત રસ્તા પર કીચડ પણ ખૂબ જોવા મળ્યો હતો.’

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2023 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK