કળંબોલીની લોખંડ અને સ્ટીલ બજારના વેપારીઓ સાથે થયેલી ૫૪+ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપી હજી ફરાર
પ્રતીકાત્મક તસવીર
કળંબોલીની ધ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન આયર્ન ઍન્ડ સ્ટીલ માર્કેટ કમિટી સાથે ૫૪,૨૮,૩૭,૪૦૦ રૂપિયાની સુમન શર્મા નામના યુવાને છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તાત્કાલિક એની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આરોપીની ધરપકડ કર્યા બાદ તરત પૈસા પાછા મેળવી આપશે એવી અપેક્ષા કમિટીએ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી રાખી હતી. જોકે ફરિયાદ નોંધ્યાના ત્રણ દિવસ પછી પણ આરોપી સુમન શર્મા પોલીસની પકડની બહાર છે. ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે અમે પહેલાં પૈસાની ચેઇન શોધીશું અને એને ફ્રીઝ કરીશું, ત્યાર બાદ આરોપી તો હાથમાં આવી જ જશે.
આરોપી સુમન શર્માએ ધ મુંબઈ મેટ્રોપોલિટન રીજન આયર્ન ઍન્ડ સ્ટીલ માર્કેટ કમિટી પાસેથી આશરે દોઢથી બે વર્ષમાં પૈસા યુકો બૅન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટના નામે લીધા છે એમ જણાવતાં પનવેલ ક્રાઇમ બ્રાન્ચ યુનિટના સિનિયર ઇન્સ્પેક્ટર ઉમેશ ગવળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવે જ્યારે હમણાં ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે આરોપીને શોધવો અમારા માટે મુશ્કેલ નથી, મુશ્કેલ એ છે કે આરોપીએ પૈસા કઈ રીતે અને ક્યાં ફેરવ્યા છે એ શોધવાનું. તેણે યુકો બૅન્કના જે ખાતામાં પૈસા લીધા છે એ ખાતામાંથી ક્યાં અને કોને પૈસા મોકલ્યા એની માહિતી
બૅન્ક-સ્ટેટમેન્ટ દ્વારા કાઢવામાં આવી રહી છે એટલું જ નહીં, જરૂરી જગ્યાએ પૈસા ફ્રીઝ કરવાની કામગીરી પણ તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહી છે જે માટે બૅન્કના અધિકારીઓ અમારી સાથે સતત સંપર્કમાં છે.’

