બે પોલીસ સસ્પેન્ડ, હોટેલ સીલ કરાઈ, અનેકને તાબામાં લેવાયા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પુણેમાં એફ. સી. રોડ પરની એક જાણીતી હોટેલમાં યુવાનો ડ્રગ્સનો નશો કરતો હોવાનો વિડિયો વાઇરલ થવાથી ગઈ કાલે ખળભળાટ મચી ગયો હતો. ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ અને સેવન થવા બદલ સરકાર ગંભીર ન હોવાનો આરોપ થયા બાદ પ્રશાસને કાર્યવાહી શરૂ કરીને પોલીસના બે બીટ-માર્શલને સસ્પેન્ડ કરવાની સાથે હોટેલને સીલ કરવા ઉપરાંત કેટલાક લોકોને તાબામાં લેવામાં આવ્યા હતા. એક્સાઇઝ વિભાગે પણ બાદમાં દરોડો પાડીને પાંચ કર્મચારીની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં એવું પણ જણાઈ આવ્યું હતું કે હોટેલમાં જે જગ્યાએ પરવાનગી નથી ત્યાં પણ દારૂનો સ્ટૉક રાખવામાં આવ્યો હતો. ગઈ કાલે વાઇરલ થયેલા વિડિયો યુવકો હોટેલના વૉશરૂમમાં બેસીને ડ્રગ્સનું સેવન કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. પુણેના ડેપ્યુટી પોલીસ-કમિશનર સંદીપ ગિલે કહ્યું હતું કે ‘શનિવારે રાત્રે પુણેમાં એફ. સી. રોડ પર L3 નામનો બાર છે જે મોડે સુધી ચાલુ હતો. એક ઇવેન્ટ-મૅનેજરે ૪૦થી ૫૦ લોકોને અહીં પાર્ટી કરવા માટેની પરવાનગી આપી હતી. રાત્રે ૧.૩૦ વાગ્યા બાદ બારનો મુખ્ય ગેટ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ પાછળના દરવાજેથી લોકોને અંદર જવા દેવાયા હતા. પોલીસે અહીં કાર્યવાહી કરીને લોકોને તાબામાં લીધા હતા.’

