૨૬ વર્ષનો મૅનેજર સોમવારે સવારે ખારઘરમાં તેના ઘરેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાં એક પેઇંગ ગેસ્ટ હૉસ્ટેલના મૅનેજરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ૨૬ વર્ષનો મૅનેજર સોમવારે સવારે ખારઘરમાં તેના ઘરેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ઉલવે વિસ્તારમાં ખાનગી હૉસ્ટેલ ચલાવતા ૩૨ વર્ષના યુવકની પીડિતના અપહરણ અને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવા બદલ ધરપકડ કરી હતી. એનઆરઆઇ સાગરી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સુભાષ શેલારે જણાવ્યું હતું કે ‘આરોપીને શંકા હતી કે પીડિતે હૉસ્ટેલના ફન્ડમાંથી ૬૦,૦૦૦ રૂપિયાની ઉચાપત કરી હતી, જે બાદમાં તેની પાસેથી મળી આવ્યા હતા. તેણે કસ્ટમર પાસેથી વધારાના ૫૫૦૦ રૂપિયા પણ વસૂલ્યા હતા.’
રવિવારે આરોપીએ તેના સાથીઓ સાથે મળીને ઉલવેથી પીડિતનું અપહરણ કર્યું હતું અને તેને દિવાલે ગામમાં એક ફ્લૅટમાં લઈ ગયા હતા. અહીં તેને લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. મૃતકની માતાએ કહ્યું હતું કે આ ઘટના બાદ તેમનો પુત્ર હતાશ થઈ ગયો હતો એટલે તેણે આત્યંતિક પગલું ભર્યું હતું. પોલીસે મંગળવારે વહેલી સવારે આરોપીની ધરપકડ કરીને આઇપીસી કલમ ૩૦૬, ૩૬૩ અને ૩૪ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા અન્યોની શોધખોળ ચાલુ છે.