તામિલનાડુ, દિલ્હી અને હરિયાણા જઈને છ આરોપીઓને પકડવામાં આવ્યા : ૧૬ ગુનામાં ૧.૨૦ કરોડ રૂપિયા તેમણે પડાવ્યા હતા : છેતરપિંડીના રૂપિયામાંથી તનિષ્કમાંથી ગોલ્ડ કૉઇન અને ઑનલાઇન આઇફોન ખરીદી ગ્રે માર્કેટમાં વેચી નાખતા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : આઇઆઇટી ડ્રૉપઆઉટ અને હાઇલી ક્વૉલિફાઇડ એવા અમદાવાદમાં રહેતા આશિષ રવીન્દ્રનાથને સાઇબરની આંટીઘૂંટી સમજી એના લૂપહૉલ્સનો ઉપયોગ કરી પોતાના જેવા જ હાઇલી ક્વૉલિફાઇડ એવા અય્યપન મુરુગનનો સાથ લઈ અન્ય સાગરીતોની ગૅન્ગ બનાવી અલગ-અલગ રાજ્યોમાંથી મદદ મેળવી લોકોને છેતરવાનો ધંધો જ ચાલુ કર્યો હતો અને અનેક લોકોને છેતર્યા હતા. જોકે મુંબઈની સાઇબર પોલીસે તેની ગૅન્ગના છ જણને ઝડપી લીધા છે, પણ આશિષ હજી નાસતો ફરી રહ્યો છે.
આશિષની આગેવાની હેઠળ આ ગૅન્ગ મુંબઈ અને નવી મુંબઈના જે શ્રીમંતોએ મર્સિડીઝ કે પછી બીએમડબ્લ્યુ જેવી વૈભવી કાર ખરીદી હોય તેમની માહિતી મેળવી તેમને સિટી બૅન્કનું પ્રતિષ્ઠિત એવું ડાયનર્સ ક્લબ કાર્ડ આપવાની ઑફર કરી એ અંતર્ગત મહાલક્ષ્મીની વર્ષો જૂની અને વેલિન્ગ્ટન ક્લબની મેમ્બરશિપ આપવાની લાલચ આપી તેમની પાસેથી માહિતી મેળવી તેમને છેતરતી હતી. આ ઇન્ટરસ્ટેટ ગૅન્ગનો વેસ્ટર્ન ઝોનના સાઇબર પોલીસ સ્ટેશન, બાંદરાએ પર્દાફાશ કર્યો છે. એટલું જ નહીં, કુલ ૧૬ ગુનામાં સંડોવાયેલા આ ગૅન્ગના છ આરોપીઓને તામિલનાડુ, દિલ્હી અને હરિયાણાથી ઝડપી લેવાયા છે. આ ગૅન્ગના સૂત્રધાર આશિષ રવીન્દ્રનાથનની શોધ ચાલી રહી છે. હાલની માહિતી મુજબ આ ગૅન્ગે ૧.૨૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જણાઈ આવ્યું છે.
ADVERTISEMENT
આ કેસના ફરિયાદી મુંબઈમાં કન્સ્ટ્રકશનના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમની સાથે ૨૪ ડિસેમ્બરથી લઈને બીજી જાન્યુઆરી સુધી આ છેતરપિંડી થઈ હતી જેમાં તેમણે ૯.૮૧ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. એ પછી તેમણે ૩૧ જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી. એ પછી તપાસ ચાલુ કરાઈ હતી. ફરિયાદીને પહેલાં મોબાઇલ પર મેસેજ ગયો હતો કે તેમને ડાયનર્સ ક્લબ કાર્ડ ઑફર કરવામાં આવે છે. ત્યાર બાદ ફોન કરવામાં આવતો કે અમે સિટી બૅન્ક ડાયનર્સ ક્લબમાંથી બોલી રહ્યા છીએ અને ડાયનર્સ ક્લબ કાર્ડ ઑફર કરી રહ્યા છીએ, જે લીધા બાદ તમને વેલિન્ગ્ટન ક્લબની મેમ્બરશિપ મળી શકશે. એ પછી તેમને એક લિન્ક મોકલાતી અને એમાંનું ફૉર્મ ભરી આપવાનું કહેવાતું. એ ફૉર્મ ભરાયા બોદ ગૅન્ગના હાથમાં ફરિયાદીનું નામ, ઍડ્રેસ, આધાર કાર્ડ, પૅન કાર્ડની પર્સનલ ડીટેલ આવી જતી. ત્યાર બાદ ગઠિયાઓ દ્વારા મોટા ભાગના કસ્ટમરો આઇફોન વાપરતા હોવાથી તેમને ‘રિયલ મી’નો ઍન્ડ્રૉઇડ ફોન ફ્રીમાં મોકલાવતા હતા. એમાં પહેલેથી DOT Secure અને SecurEnvoy Authenticaior ઍપ ઇન્સ્ટૉલ કરેલી રહેતી હતી. ત્યાર બાદ ઑથેન્ટિકેશન પ્રોસેસના બહાને કસ્ટમરને તેનું સિમ કાર્ડ એમાં ઇન્સર્ટ કરવાનું કહીને તેમની બીજી ડીટેલ મેળવી લેતા હતા. એ પછી કસ્ટમરના ચાલુ એવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી તનિશ્ક અને આઇફોન પર ઑર્ડર કરી આ ગૅન્ગ ગોલ્ડકૉઇન અને આઇફોન મગાવતી. આ ઉપરાંત રિલાયન્સ ડિજિટલમાંથી પણ વિવિધ ઇલેક્ટ્રૉનિક્સ ગૅઝેટની ખરીદી કરવામાં આવતી. એ ગોલ્ડકૉઇન, આઇફોન અને અન્ય વસ્તુઓની ડિલિવરી લઈને એ પાછી ગ્રે માર્કેટમાં વેચી નાખવામાં આવતી. એના જે પૈસા આવે એમાંથી ૧૦-૧૦ ટકા રાખીને ઉપરની એ રકમ આશિષને મોકલી આપવામાં આવતી. આમ બહુ જ પ્લાનપૂર્વક અને ચાલાકીથી આખું ઑપરેશન પાર પાડવામા આવતું હતું. તનિશ્ક દ્વારા પણ આ સંદર્ભે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
જ્યારે ઝીણવટભરી તપાસ કરાઈ ત્યારે જાણવા મળ્યું કે આ ગૅન્ગે વિવિધ ભારતીય કંપનીઓ અને વિદેશી કંપનીઓનાં ૧,૨૦૦ સિમ કાર્ડ મેળવ્યાં હતાં અને એના દ્વારા કૉલ કરાતા હતા અને ઇન્ફો શૅર કરાતી. આમાંના મોટા ભાગનાં સિમ કાર્ડ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ઇશ્યુ કરાયા હતા. એથી સાઇબર પોલીસની ટીમે ત્યાં જઈને આ કાર્ડ ઇશ્યુ કરનાર પ્રેમસાગર રામસ્વરૂપને પણ ઝડપી લીધો હતો.
આશિષની ગૅન્ગના પકડાયેલી સભ્યોમાં જૉન ડેવિડે હોટેલ મૅનેજમેન્ટ કર્યું છે, જ્યારે નંદકુમાર એન. ચંદ્રશેખરે માસ્ટર્સ ઇન કમ્પ્યુટર ઍપ્લિકેશન કર્યું છે. વપથરાણી રમ્કી પાર્થસારથિ એમબીએનો સ્ટુડન્ટ રહી ચૂક્યો છે, જ્યારે અય્યપન મુરગાસેન મેકૅનિકલ એન્જિનિયિર છે. તેમને સિમ કાર્ડ આપનારો ઉત્તર પ્રદેશનો પ્રેમસાગર માત્ર દસમા ધોરણ સુધી ભણેલો છે. આશિષ અને અય્યપન મુરગાસેન રીઢા ગુનેગાર છે. આ પહેલાં અમેરિકન એક્સપ્રેસ કાર્ડના આધારે ફ્રૉડ કરવાના ગુના તેમની સામે નોંધાયેલા છે.


