ઇન્ટરનૅશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે વર્ષમાં એક જ વખત નહીં, કાયમ બીચ સાફ રાખવા બાબતે ઝુંબેશ હાથ ધરવામાં આવી
ઉત્તન બીચ પર સફાઈ કરી રહેલા સ્વયંસેવકો અને સ્કૂલના વિદ્યાર્થીઓ
લોકો બીચ પર કચરો ન નાખે એ માટે જાગૃતિ લાવવા માટે ૧૬ સપ્ટેમ્બરે દુનિયાભરમાં ઇન્ટરનૅશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે મનાવવામાં આવે છે. આ દિવસે વિવિધ સંગઠનોના સ્વયંસેવકો બીચ પર જઈને કચરાની સફાઈ કરે છે. આ નિમિત્તે ગઈ કાલે પવઈ લેક અને ભાઈંદરમાં આવેલા ઉત્તન બીચની નૅશનલ સર્વિસ સ્કીમ (એનએસએસ)ના સહિત ૭૦૦૦થી વધુ સ્વયંસેવકોએ સફાઈ કરીને ૪૭ ટન કચરો સાફ કર્યો હતો. દરિયાકિનારા પરથી એકત્રિત કરવામાં આવેલા પ્લાસ્ટિકને રીસાઇકલ કરીને એમાંથી કીચેઇન બનાવવામાં આવી હતી. ભારતમાં પહેલી વખત બીચ પર ૫૦૦ કિલો જેટલા પ્લાસ્ટિકને રીસાઇકલ કરીને ૧૦૦૦થી વધુ કીચેઇન બનાવીને લોકોને વહેંચવામાં આવી હતી.
ઇન્ટરનૅશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે ગઈ કાલે પવઈ લેક અને ભાઈંદર (વેસ્ટ)માં આવેલા ઉત્તન બીચ પર ગોશૂન્ય કંપનીના સીઈઓ ગોપાલ રાયઠઠ્ઠાની આગેવાનીમાં એનએસએસ સહિત સ્થાનિક સ્કૂલ અને બીએમસી સહિતના ૭૧૦૦ સ્વયંસેવકો દ્વારા સવારના સાત વાગ્યાથી બપોરના ૧૨.૩૦ વાગ્યા સુધી સફાઈ કરવામાં આવી હતી. પવઈ લેક પાસેથી એક ટન તો ઉત્તન બીચ પરથી ૪૬ ટન કચરાને એકત્રિત કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પહેલી વખત લાઇવ રીસાઇક્લિંગ
એકત્રિત કરવામાં આવેલા પ્લાસ્ટિક વેસ્ટમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. એવી જ રીતે ઉત્તન બીચ પર ગઈ કાલે બીચની સફાઈ દરમ્યાન ૪૬ ટન કચરો સ્વયંસેવકોએ એકત્રિત કર્યો હતો. એમાંથી ૫૦૦ કિલો પ્લાસ્ટિક રીસાઇકલ કરવામાં આવ્યું હતું. આ વિશે ગોશૂન્ય કંપનીના સીઈઓ ગોપાલ રાયઠઠ્ઠાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીચ પર મોટી સંખ્યામાં લોકો ફરવા જાય છે અને તેઓ જાય છે ત્યારે પ્લાસ્ટિકની બૉટલ સહિતનો કચરો નાખતા જાય છે. આને કારણે પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે. દરિયાકિનારા જેવાં કુદરતી સ્થળો આપણને રિફ્રેશ કરે છે એટલે આપણે પણ પર્યાવરણનું ધ્યાન રાખવું જોઈએ. આ બાબતે જાગૃતિ માટે અમે પવઈ લેક અને ઉત્તન બીચ પર આજે સફાઈઝુંબેશ હાથ ધરી હતી. પહેલી વખત ઉત્તન બીચ પર અમે પ્લાસ્ટિકમાંથી લાઇવ કીચેઇન બનાવી હતી. અંદાજે ૫૦૦ કિલો પ્લાસ્ટિકમાંથી ૧૦૦૦થી વધુ કીચેઇન બનાવીને લોકોને વહેંચી હતી.’