પોલીસે ત્રણને શોધી કાઢ્યા, એકના સગડ મળ્યા અને બાકીના બેને શોધવાના પ્રયાસ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે
શોધી કઢાયેલા ટીનેજર સાથે ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ અને અધિકારીઓ.
નવી મુંબઈમાં રવિવાર અને સોમવાર દરમ્યાન ૨૪ કલાકમાં ૧૨થી લઈને ૧૫ વર્ષના છ ટીનેજર ગુમ થઈ ગયા હતા. એમાં ચાર તો છોકરીઓ હતી. વળી આ ટીનેજરો અલગ-અલગ જગ્યાએથી ગુમ થયા હતા. તેમના પરિવાર દ્વારા તેમના મિસિંગની ફરિયાદ સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. નવી મુંબઈ પોલીસના ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લઈને તપાસ કરી હતી અને છમાંથી ત્રણ ટીનેજર મળી આવ્યા હતા, જ્યારે ચોથી ટીનેજરનો ફોન ટ્રેસ થયો હતો અને તેની પણ શોધ ચલાવાઈ હતી. તેમની સાથે જ અન્ય બે ટીનેજરને પણ શોધી કાઢવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.
કોપરખૈરણેથી ૧૨ વર્ષનો એક છોકરો રવિવારે મિસિંગ થઈ ગયો હતો. તેના પરિવારે કોપરખૈરણે પોલીસ સ્ટેશનમાં એ બદલ ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતાં તે ટીનેજર આખરે થાણે સ્ટેશનથી મળી આવ્યો હતો. કળંબોલીની ૧૩ વર્ષની એક ટીનેજર ઘરેથી એમ કહીને નીકળી હતી કે તે તેની ફ્રેન્ડના બર્થ-ડેમાં જાય છે, પણ ત્યાર પછી તે પાછી ફરી નહોતી. પનવેલની ૧૪ વર્ષની એક ટીનેજર ફ્રેન્ડને કૉન્ગ્રેચ્યુલેશન કહેવા નીકળી હતી અને તે પણ ઘરે પાછી ફરી નહોતી. એ જ પ્રમાણે કામોઠેની ૧૨ વર્ષની એક છોકરી ઘરેથી કોઈ કામસર નીકળ્યા બાદ પાછી ફરી નહોતી. રબાળેની ૧૩ વર્ષની એક ટીનેજર પણ પાછી ફરી નહોતી અને રબાળેનો ૧૩ વર્ષનો એક ટીનેજર પબ્લિક ટૉઇલેટમાં જવા માટે નીકળ્યો હતો અને તે મોડે સુધી ઘરે પાછો ફર્યો નહોતો. આમ ૨૪ કલાકમાં ૬ ટીનેજરો મિસિંગ થઈ જતાં હાહાકાર મચી ગયો હતો અને તેમના પરિવારો દ્વારા તેમના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ કરાઈ હતી. પોલીસે કિડનૅપિંગના કેસ હેઠળ ગુનો નોંધીને એ ટીનેજરોને શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા.
ADVERTISEMENT
નવી મુંબઈ પોલીસના ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ આયરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને આ બાબતે માહિતી મળી હતી એથી અમે અમારી અલગ-અલગ ટીમ બનાવીને તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. એક છોકરો જે કોપરખૈરણેથી મિસિંગ હતો તે થાણે સ્ટેશનથી મળી આવ્યો હતો. એક છોકરી તેની માસીને ત્યાં ક્હ્યા વગર ચાલી ગઈ હતી તે પણ મળી આવી હતી. રબાળેનો પબ્લિક ટૉઇલેટમાં જવા માટે નીકળેલો છોકરો પણ મળી આવ્યો હતો. આમ છમાંથી ત્રણ ટીનેજર મળી આવ્યા હતા. અન્ય એક છોકરીનો મોબાઇલ ટ્રેસ થયો હતો એટલે તેની પણ એના આધારે શોધ ચાલુ છે. બાકીની બે છોકરીઓને શોધવા માટે અમારી અલગ-અલગ ટીમ આકાશ-પાતાળ એક કરી રહી છે. અમને આશા છે કે એ બંને ટીનેજર છોકરીઓને પણ અમે જલદી શોધી લઈશું. તેમને શોધવા અમે યુદ્ધના ધોરણે તપાસ કામગીરી ચલાવી રહ્યા છીએ.’