દીપ્તિ લોડાયાએ જો ઘર ખાલી ન કરવાની જીદ કરી ન હોત તો આજે પતિ જીવતા હોત
સુનીલ લોડાયા
દીપ્તિ લોડાયાએ જો ઘર ખાલી ન કરવાની જીદ કરી ન હોત તો આજે પતિ જીવતા હોત : મકાનમાં તિરાડો પડતાં સુધરાઈના અધિકારીઓ એને ખાલી કરાવવા ગયા ત્યારે દીપ્તિબહેન માન્યાં નહીં અને પતિને પણ બહારથી બોલાવીને અંદરથી રૂમની કડી લગાવી દીધી : સુધરાઈના અધિકારી અને સ્ટાફ મકાનની બહાર આવ્યા એની ૧૫થી ૨૦ જ સેકન્ડમાં તૂટી પડ્યું
ડોમ્બિવલી-ઈસ્ટના આયરે રોડ પરના દત્તનગરમાં આવેલું આદિનારાયણ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું હોવાથી કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (કેડીએમસી)ના અધિકારીઓએ ગુરુવારે જ એના રહેવાસીઓને મકાન તાત્કાલિક ખાલી કરવાની નોટિસ આપી હતી. એટલું જ નહીં, શુક્રવારે એમાં તિરાડો પડી રહી હોવાની જાણ થતાં વહેલી તકે મકાન ખાલી કરાવવા અધિકારીઓ પહોંચી ગયા હતા અને મકાન ખાલી કરાવી રહ્યા હતા. મોટા ભાગના પરિવારો તો પહેલાં જ નીકળી ગયા હતા, પણ જે બાકી રહી ગયા હતા તેઓ તેમની ઘરવખરી અને જરૂરી સામાન લઈને ઘર ખાલી કરી રહ્યા હતા. જોકે દીપ્તિ લોડાયાએ જીદ કરી હતી. તેમને ઘર ખાલી કરવું જ નહોતું. તેમને રિકવેસ્ટ કરવા છતાં તેઓ ન માન્યાં. એટલું જ નહીં, તેમણે તેમના પતિ સુનીલભાઈને પણ બહારથી બોલાવી લીધા અને ઘરમાં જઈને અંદરથી કડી મારી દીધી. તેઓ બહાર ન નીકળ્યાં તે ન જ નીકળ્યાં. મકાન તૂટી પડ્યા બાદ પણ દીપ્તિબહેન તો બચી ગયાં હતાં, પણ સુનીલભાઈનું મૃત્યુ થયું હતું. જો તેમણે જીદ ન કરી હોત તો બન્ને જણ આજે સુખરૂપ હોત. દીપ્તિબહેનને પાંચ કલાક બાદ કાટમાળ હેઠળથી બહાર કાઢવામાં ફાયર બ્રિગેડ, થાણે ડિઝૅસ્ટર રેસ્ક્યુ ફોર્સ અને અન્ય બચાવકર્તાઓને સફળતા મળી હતી. તેમને હાલ ડોમ્બિવલી-ઈસ્ટની મમતા હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ગઈ કાલની ઘટનામાં માર્યા ગયેલા ૭૦ વર્ષના અરવિંદ ભાટકર બીમાર હોવાથી પથારીવશ હતા. તેમનો દીકરો સિદ્ધેશ અને પત્ની બન્ને ઘરનો સામાન બહાર કાઢવામાં વ્યસ્ત હતાં એથી તેઓ બચી ગયાં હતાં, પણ અરવિંદભાઈનું ઇમારત તૂટી પડતાં કાટમાળ હેઠળ દબાઈને મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
આ ઘટનામાં માર્યા ગયેલા સુનીલ લોડાયાના સાળા શરદ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળ કચ્છના કોઠારા ગામના કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિના સુનીલભાઈ પ્રાઇવેટ પ્રકાશનમાં નોકરી કરતા હતા અને બહુ જ નિયમિત હતા. દીપ્તિબહેન હાઉસવાઇફ હતાં. તેમને કોઈ સંતાનો નહોતાં. તેઓ લગભગ ૧૦-૧૫ વર્ષથી બીજા માળે રહેતાં હતાં. ગઈ કાલે સુનીલભાઈ કામ પર ગયા નહોતા અને સાંજે આ ઘટના બની હતી. તેમનું તો મૃત્યુ થયું છે, જ્યારે દીપ્તિબહેનને હાલ સારવાર અપાઈ રહી છે. ડૉક્ટરોના કહેવા મુજબ તેમને મૂઢ માર લાગ્યો છે. જોકે તેઓ હોશમાં છે અને દર થોડી-થોડી વારે સુનીલભાઈ વિશે પૂછે છે. તેમને અમે કહ્યું નથી કે સુનીલભાઈનું મૃત્યુ થયું છે. નહીં તો તેમને આઘાત લાગે એમ છે. ડૉક્ટરે પણ કહ્યું છે કે અત્યારે તેમને જણાવતા નહીં, નહીં તો બ્રેઇન-સ્ટ્રોક આવી શકે એમ છે. એથી અમે તેમને એમ કહ્યું છે કે સુનીલભાઈ પણ ઘાયલ છે, પણ તે બેહોશ છે અને તેમની સારવાર ચાલી રહી છે. અમે શનિવારે સવારે સુનીલભાઈના મૃતદેહનો તાબો લીધો હતો અને બપોરે તેમના અંતિમ સંસ્કાર કર્યા છે. હવે દીપ્તિબહેનને સંભાળવા એ જ અમારું લક્ષ્ય છે.’
આ ઘટના વિશે સવિસ્તર માહિતી આપતાં કેડીએમસીના કમિશનર ભાઉસાહેબ દાંગડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ બિલ્ડિંગ જૂનું હતું એથી એના રહેવાસીઓને પહેલાં પણ મકાન ખાલી કરવાની નોટિસ આપી જ હતી. જોકે શુક્રવારે બપોરે ૧.૩૦ વાગ્યે અમારા વૉર્ડ-ઑફિસર સોનલ દેશમુખને ફોન આવ્યો કે મકાનમાંથી રેતી ખરી રહી છે અને જોખમી હાલત છે તો રહેવાસીઓને ખાલી કરાવો. એથી તે અમારા અન્ય સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયાં હતાં અને બધા રહેવાસીઓને જેમ બને એમ વહેલી તકે મકાન ખાલી કરવા રિક્વેસ્ટ કરી હતી. જોકે ત્યાર પછી પણ બાઈ (દીપ્તિ લોડાયા) સાંભળવા તૈયાર નહોતી. તેમને શિફ્ટ નહોતું થવું. તેમના મિસ્ટર બહાર હતા તો તેમને પણ તેણે બોલાવી લીધા અને તે બન્ને જણ તેમની રૂમમાં જતાં રહ્યાં અને બાઈએ અંદરથી રૂમની કડી લગાવી દીધી. અમારા સ્ટાફર સોનલ મૅડમે તેમને બહુ રિક્વેસ્ટ કરી, પણ તેમણે એ ગણકારી નહોતી. આખરે એ બાબતે પંચનામું કરવું પડશે એવું લાગતાં એના દસ્તાવેજ ડૉક્યુમેન્ટ્સ બનાવવા સોનલ દેશમુખ અને સ્ટાફ મકાનની બહાર આવ્યાં અને ૧૫થી ૨૦ જ સેકન્ડમાં મકાન તૂટી પડ્યું. આમ અમારો સ્ટાફ જરાક માટે બચી ગયો, પણ તે ભાઈનું મોત થયું.’
ભાઉસાહેબ દાંગડેએ વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈમાં જે રીતે ટ્રાન્ઝિટ કૅમ્પ હોય છે એવી વ્યવસ્થા અમારે ત્યાં નથી. અમે હાલ એ મકાનના રહેવાસીઓને આયરે ગામની કેડીએમસીની સ્કૂલમાં આશરો આપ્યો છે. શનિ-રવિ તો વાંધો નહીં આવે, પણ એ પછી એક જિમ્નેશ્યમનો મોટો હૉલ છે એમાં તેમની જ્યાં સુધી બીજી સગવડ ન થાય ત્યાં સુધી રહેવા-ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે. ભાડાવાળાં મકાનોમાં આવા પ્રૉબ્લેમ આવતા હોય છે અને લોકો ઇમારત જોખમી થઈ જવા છતાં એમાં જાનના જોખમે રહે છે. તેમને એવો ડર હોય છે કે જો અહીંથી નીકળી જઈશું તો આપણને ફરીથી અહીં જગ્યા નહીં મળે. જોકે તેમણે એવો ડર રાખવાની જરૂર નથી. અમે એવા રહેવાસીઓને ભોગવટા પ્રમાણપત્ર આપીએ છીએ.