બાઇક પર આવેલા બે હુમલાખોરોએ ગોળી ચલાવી : નસીબજોગે ગોળી પગમાં વાગતાં ઘાયલ થઈ, પણ જીવનું જોખમ ટળ્યું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
નવી મુંબઈના બિલ્ડર સવજી મંજેરી ઉર્ફે પટેલની નેરુળમાં ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના હજી તાજી જ છે ત્યારે મંગળવારે સાંજે પનવેલના બંબાવીપાડા ખાતે ૩૦ વર્ષની મહિલા ડેવલપર સુપ્રિયા પાટીલ પર બાઇક પર આવેલા બે માણસોએ ફાયરિંગ કર્યું હતું.
ઉરણના કોપ્રોલીમાં રહેતી સુપ્રિયા પાટીલ તેના માસીના દીકરા સાથે તેની ઑફિસથી ઘરે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. બાઇક પર આવેલા બે માણસોએ તેની કારને ગવાણફાટા પાસે રોકી હતી અને ગાડીની લેફ્ટમાં જઈને બહુ નજીકથી ગોળીબાર કર્યો હતો. એમાં સુપ્રિયા પાટીલને પગમાં ગોળી વાગી હતી. ગોળીબાર કરીને હુમલાખોરો નાસી ગયા હતા.
સુપ્રિયા પાટીલને તેમનો ભાઈ સારવાર માટે બેલાપુરની અપોલો હૉસ્પિટલમાં લઈ ગયો હતો. ડૉક્ટરોએ સર્જરી કરીને ગોળી બહાર કાઢી હતી અને તેની તબયિત સુધારા પર હોવાનું જણાવ્યું હતું.
પનવેલ સિટી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય કડબનેએ આ બાબતે કહ્યું હતું કે આ ઘટનાની નોંધ લઈને અમે અને ક્રાઇમ બ્રાન્ચે આ કેસના આરોપીઓને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે.