મલાડમાં રહેતી પચીસ વર્ષની મૉડલ શિવાની સિંહ અને તેનો મિત્ર બાઇક પર ગુરુવારે રાતે ૮.૩૦ વાગ્યે બાંદરા-વેસ્ટના ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે સામેથી પૂરઝડપે આવેલા પાણીના ટૅન્કરે તેમને અડફેટે લીધાં હતાં.
પ્રતીકાત્મક તસવીર
મલાડમાં રહેતી પચીસ વર્ષની મૉડલ શિવાની સિંહ અને તેનો મિત્ર બાઇક પર ગુરુવારે રાતે ૮.૩૦ વાગ્યે બાંદરા-વેસ્ટના ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે સામેથી પૂરઝડપે આવેલા પાણીના ટૅન્કરે તેમને અડફેટે લીધાં હતાં. એથી બાઇક પર પાછળ બેસેલી શિવાની ઊછળીને રોડ પર પટકાઈ હતી અને ટૅન્કરનું પૈડું તેના પરથી ફરી વળ્યું હતું.
અકસ્માત થયા બાદ ટૅન્કરનો ડ્રાઇવર ટૅન્કર છોડીને ભાગી ગયો હતો. શિવાની અને તેના મિત્રને તરત જ નજીકની ભાભા હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં ડૉક્ટરોએ શિવાનીને તપાસીને મૃત જાહેર કરી હતી. તેના મિત્રએ હેલ્મેટ પહેરી હોવાથી તે બચી ગયો હતો, પણ તેને પગમાં ફ્રૅક્ચર આવ્યું હતું, તેની સારવાર ચાલી રહી છે. બાંદરા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધીને કેસની વધુ તપાસ ચાલુ કરી છે. ઘટનાસ્થળનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.


