વધુ વળતરની લાલચે શૅરબજારના રોકાણકારોને છેતરતા આશિષ શાહના બે સાગરીતો પણ વીશી અને અન્ય સ્પૉન્ઝી સ્કીમ ચલાવતા પકડાયા
પ્રતીકાત્મક તસવીર
રોકાણકારોને શૅરબજારમાં રોકાણ કરવાનું કહી વધુ વળતરની લાલચ આપીને તેમના પૈસા ઓળવી જવાના આરોપસર મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હેઠળની માલમતા શાખાએ પકડેલા આશિષ શાહના બે સાગરીતો ૪૦ વર્ષના માણિક્કમ ઉડૈયાર અને ૩૬ વર્ષના માધવન ઉડૈયારની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે.
માલમતા બ્રાન્ચના જણાવ્યા મુજબ માણિક્કમ અને માધવને આશિષ શાહની મદદથી લોકોને વીશીમાં પૈસા રોકો, તગડું વળતર મળશે એમ કહીને વીશી અને અન્ય પૉન્ઝી સ્કીમમાં રોકાણ કરાવી એ પૈસા ઓળવી લીધા હતા અને રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી. તે બન્ને આશિષ શાહની ધરપકડ બાદ નાસતા ફરી રહ્યા હતા. માલમતા શાખાના ઑફિસરોએ ટેક્નિકલ માહિતી કઢાવી તેમને ટ્રેસ કરીને આખરે ગઈ કાલે ઝડપી લીધા હતા. આ બન્ને આરોપીઓેએ એ પૈસામાંથી ફ્લૅટ અને દુકાનો ખરીદ્યાં હતા. તેમની પાસેથી પોલીસે એક ફૉર્ચ્યુનર કાર, એક એમજી હૅક્ટર કાર એમ પંચાવન લાખની બે કાર અને બે મોબાઇલ જપ્ત કર્યાં હતાં. આ પહેલાં આશિષ શાહ પાસેથી બે કાર, એક મોટરસાઇકલ, બે મોબાઇલ, ૧.૯ કિલોગ્રામના સોનાના દાગીના એમ ૧.૪૨ કરોડ રૂપિયાની મતા અને પચીસ લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યાં હતાં. આ ઉપરાંત તેના ચાર ફ્લૅટ જપ્ત કરી કુલ મળીને નવ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી હસ્તગત કરવામાં આવી છે.