Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગેરકાયદે બોરવેલના પાપે પાણીકાપ

ગેરકાયદે બોરવેલના પાપે પાણીકાપ

31 March, 2023 09:31 AM IST | Mumbai
Sameer Surve | sameer.surve@mid-day.com

થાણેના સૂચિત આઇટી પાર્કમાં બિલ્ડર દ્વારા બોરવેલના ગેરકાયદે ખોદકામમાં ૭૦ મીટર નીચે આવેલી પાણીની ટનલને નુકસાન થતાં મુંબઈમાં પાણીકાપ : વાગળે ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર નો-બોરવેલ ઝોન હોવા છતાં ઑથોરિટી બિલ્ડર સામે કોઈ કાર્યવાહી કરતી ન હોવાનો ઍક્ટિવિસ્ટનો આરોપ

થાણેના આઇટી પાર્કમાં નાળાનું ચાલી રહેલું કામ (તસવીર : સૈયદ સમીર અબેદી)

થાણેના આઇટી પાર્કમાં નાળાનું ચાલી રહેલું કામ (તસવીર : સૈયદ સમીર અબેદી)


થાણેનો પ્રસ્તાવિત પ્રાઇવેટ આઇટી પાર્ક મુંબઈ અને થાણે શહેરમાં પાણીકાપનું કારણ બન્યો છે. પ્રસ્તાવિત આઇટી પાર્કમાં ગેરકાયદે રીતે બોરવેલ ખોદતી વખતે બિલ્ડરે જમીનની અંદર ૭૦ મીટર નીચે આવેલી પાણીની ટનલને નુકસાન પહોંચાડ્યું હતું. બીએમસીએ બિલ્ડર પાસેથી જ ટનલના રિપરિંગ માટેનો ૧૩ કરોડ રૂપિયાનો ખર્ચ વસૂલ કરવાનું નક્કી કર્યું છે. થાણેની શ્રીનગર પોલીસે પણ બિલ્ડર સામે આઇપીસીની કલમ ૪૩૦ હેઠળ ફરિયાદ નોંધી છે.

મુંબઈ બીએમસીના દસ્તાવેજ મુજબ ૨૦૨૨ની આઠમી નવેમ્બરે વાગળે ઇન્ડસ્ટ્રિયલ એરિયાના પ્લૉટ-નંબર સી-૩૦માં બોરવેલ ખોદતી વખતે સુધરાઈની વૉટર ટનલને નુકસાન પહોંચાડાયું હતું. આ વૉટર ટનલ બાલ્કમથી ભાંડુપના શુદ્ધીકરણ પ્લાન્ટ સુધી પાણીને લઈ જાય છે. સુધરાઈની ટીમે સ્થળની મુલાકાત બાદ નુકસાન થયું હોવાની વાતને સ્વીકારી હતી. થાણેના સિવિક ઍક્ટિવિસ્ટ ભરત પિસાટે આરટીઆઇ ઍક્ટ અંતર્ગત માહિતી મેળવવાનું નક્કી કર્યું હતું. એ મુજબ એમએસ સ્ક્વેરફીટ રિયલ એસ્ટેટ પ્રસ્તાવિત આઇટી પાર્ક માટે પ્લૉટ વિકસાવી રહી છે. એમને મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆઇડીસી) પાસેથી બાંધકામ માટે મંજૂરી મળી હતી, જે આ વિસ્તાર માટેની પ્લાનિંગ ઑથોરિટી છે. બીએમસીએ એમઆઇડીસીનો સંપર્ક કર્યો ત્યારે સત્તાવાળાઓએ એવો દાવો કર્યો હતો કે બિલ્ડરે પ્લૉટ પર બોરવેલ માટે કોઈ પરવાનગી લીધી નહોતી.



ભરત પિસાટે કહ્યું હતું કે ‘બોરવેલ ગેરકાયદે હતો છતાં કોઈ પગલાં ઑથોરિટી લેતી નહોતી. શ્રીનગર પોલીસ સાથે સતત સંપર્ક કર્યા બાદ ૨૮ માર્ચે પોલીસે ફરિયાદ નોંધી હતી.’ 
કૉન્ગ્રેસ નેતા રાહુલ પિંગલેએ પણ કાર્યવાહીમાં વિલંબનો મામલો ઉઠાવ્યો હતો. બીએમસી આવતા મહિને ટનલનું રિપેરિંગ કરશે. દરમ્યાન પાણીને વૈતરણા મેઇન, અપર વૈતરણા અને તાનસા રિપ્લેસમેન્ટ મેઇન તરફ વાળવામાં આવશે. રિપેરિંગ ૩૧ માર્ચથી શરૂ થઈને ૩૦ દિવસ ચાલશે. સુધરાઈએ મુંબઈ અને થાણેમાં ૧૫ ટકા પાણીકાપ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે આ જ ટનલમાંથી થાણે શહેરને પણ પાણી મળી રહ્યું છે. જ્યાંથી વૉટર ટનલ પસાર થાય છે ત્યાં મુંબઈ અને થાણે સુધરાઈએ નો બોરવેલ માર્ક પણ આપ્યો છે. વાગલે ઇન્ડસ્ટ્રિયલ એરિયાને પણ નો બોરવેલ માર્ક થાણે સુધરાઈએ આપ્યો હતો. 


પાણીનો બગાડ
સુધરાઈના અધિકારીએ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. તેમણે આપેલા રિપોર્ટ મુજબ દરરોજ ૩૦ લાખ લિટર પાણીનો બગાડ થયો હતો. ટનલ ૧૪૩ દિવસ સુધી આવી જ હાલતમાં રહી તેથી ૪૨.૯ કરોડ લિટર પાણીનો બગાડ થયો હતો, જે શહેરને પૂરા પાડવામાં આવતા રોજના પાણીપુરવઠાના ૧૧ ટકા જેટલો છે. 

ટનલની લંબાઈ
૫,૫૦૦ મિલિમીટરના ડાયાની વૉટર ટનલ ૧૬ કિલોમીટર લાંબી છે તેમ જ પાણીને થાણેની કાપુરબાવડીથી ભાંડુપના પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ અને ત્યાર બાદ ગુંદવલી સુધી લઈ જાય છે. આ ટનલ જમીનની અંદર ૧૦૦ મીટર નીચે છે. આ ટનલ દરરોજ થાણેથી ભાંડુપ ૧.૭ અબજ લિટર પાણી પહોંચાડે છે. 


ભૂતકાળના બનાવો
ઑક્ટોબર ૨૦૧૧ : જોગેશ્વરીની એક હાઉસિંગ સોસાયટીએ ગેરકાયદે રીતે બોરવેલના ખોદકામ દરમ્યાન વૉટર ટનલને નુકસાન પહોંચાડ્યુ હતું. આ ટનલ શુદ્ધ કરવામાં આવેલા પાણીને યારી રોડથી વેરાવલી ટનલ સુધી લઈ જાય છે. 
નવેમ્બર ૨૦૧૩ : મલાડમાં એક ગેરકાયદે બોરવેલના ખોદકામ દરમ્યાન વૉટર ટનલને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

31 March, 2023 09:31 AM IST | Mumbai | Sameer Surve

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK