સલામતીનાં કોઈ પણ સાધનો વગર ખડક ચડવાની કોશિશમાં ૧૨૦ મીટર ઊંડા જ્વાળામુખીના ખાડામાં પડી ગયો ૩૦ વર્ષનો કન્ટેન્ટ-ક્રીએટર
અલ કાકા બિન અંતાર ઉર્ફે અંતાર અલ અબ્સી
યમનના સ્પાઇડરમૅન તરીકે જાણીતા સાહસિક અને સોશ્યલ મીડિયા પર્સનાલિટી ૩૦ વર્ષના અલ કાકા બિન અંતાર ઉર્ફે અંતાર અલ અબ્સીનું સલામતીનાં સાધનો વિના લગભગ ઊભા ખડક પર ચડવાનો પ્રયાસ કરતી વખતે જ્વાળામુખીના ખાડામાં પડી જવાથી શુક્રવારે મૃત્યુ થયું હતું. શુક્રવારે યમનના સાઉથ અલ ધાલે પ્રાંતમાં હરધત દામત જ્વાળામુખીના ખાડાની ઢાળવાળી દીવાલો પર સલામતીનાં સાધનો વિના ચડી રહ્યો હતો ત્યારે તે પોતાની પકડ ગુમાવી બેઠો હતો અને ૧૨૦ મીટર ઊંડા ખાડામાં પડી ગયો હતો. આ જીવલેણ પતનનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે અને એ જોઈને લોકો ચોંકી ઊઠ્યા છે.
યમનની સિવિલ ડિફેન્સ ઑથોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલા એક ટૂંકા વિડિયોમાં અંતાર સુરક્ષાનાં કોઈ પણ સાધનો વિના ખડકાળ ખડક પર ચડતો દેખાય છે. ફુટેજમાં તે અચાનક પોતાની પકડ ગુમાવતા અને ખાડામાં પડી જતા પહેલાં ખડકની દીવાલ સાથે ચોંટી રહેલો જોઈ શકાય છે.
ADVERTISEMENT
ડાઇવર્સ અને વિશેષ બચાવટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં હતાં. ખાડાના ઢાળવાળા અને ખડકાળ ભૂપ્રદેશને કારણે બચાવકર્તાઓને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. લગભગ ૪ કલાક ચાલેલા સર્ચ-ઑપરેશન બાદ ડાઇવર્સે પાણીની સપાટીથી આશરે ૩૦ મીટર નીચેથી અંતારનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
