વાઇટ હાઉસે H-1B વીઝાનો કઈ રીતે દુરુપયોગ થાય છે એની ફૅક્ટ-શીટ બહાર પાડીને ફીવધારાનો બચાવ કર્યો
વાઇટ હાઉસ
H-1B વીઝાની ફી વધારીને ૧,૦૦,૦૦૦ ડૉલર કરવાના નિર્ણયનો બચાવ કરતાં વાઇટ હાઉસે ગઈ કાલે એક ફૅક્ટ-શીટ બહાર પાડીને જણાવ્યું હતું કે H-1B વીઝા-સિસ્ટમના દુરુપયોગને કારણે ૨૦૦૩માં H1-B વીઝા ધરાવતા IT કર્મચારીઓનો હિસ્સો ૩૨ ટકા હતો એ વધીને તાજેતરમાં ૬૫ ટકા થયો છે. આ પગલું અમેરિકન કામદારોને પ્રાયોરિટી મળે એ માટે લેવામાં આવ્યું હોવાનો દાવો ટ્રમ્પ સરકારે કર્યો છે.
ફૅક્ટ-શીટમાં જણાવવામાં આવ્યું હતું કે કંપનીઓ વિદેશથી સસ્તા પગારે કામદારો લાવીને અમેરિકનોને નોકરીમાંથી કાઢી મૂકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં એક કંપનીને ૫૧૮૯ H-1B કામદારો માટે મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે આ વર્ષે લગભગ ૧૬,૦૦૦ અમેરિકન કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. બીજી કંપનીને નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૧૬૯૮ H-1B કામદારો માટે મંજૂરી આપવામાં આવી હતી અને એણે જુલાઈમાં ઑરેગૉનમાં ૨૪૦૦ અમેરિકન કામદારોને છૂટા કરવાની જાહેરાત કરી હતી. ત્રીજી કંપનીએ ૨૦૨૨થી ૨૫,૦૭૫ H-1B મંજૂરીઓ પ્રાપ્ત કરી હતી અને એના અમેરિકન વર્કફોર્સમાં ૨૭,૦૦૦નો ઘટાડો કર્યો હતો. આવી જ ચોથી કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ૧૧૩૭ H-1B મંજૂરીઓ પ્રાપ્ત કરીને ફેબ્રુઆરીમાં ૧૦૦૦ અમેરિકન નોકરીઓમાં કાપ મૂક્યો હતો. આમ H-1B વીઝાના દુરુપયોગને કારણે અમેરિકન નાગરિકોમાં બેરોજગારી વધી રહી છે એવો ટ્રમ્પ સરકારનો દાવો છે.


