અમેરિકાના રાષ્ટ્રપતિની સલાહકાર સબ-કમિટીએ કહ્યું કે દેશને કુશળ કર્મચારીઓની જરૂર છે, જે આર્થિક વિકાસ માટે જરૂરી છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
વૉશિંગ્ટન (પી.ટી.આઇ.) : રાષ્ટ્રપતિની સલાહકાર સબ-કમિટીએ ભલામણ કરી છે કે એચ-૧બી વર્કરો માટેનો ગ્રેસ પિરિયડ જે હાલ ૬૦ દિવસનો છે એને વધારીને ૧૮૦ દિવસનો કરવામાં આવે, જેથી કુશળ કર્મચારીઓને નવી નોકરી શોધવાની પૂરતી તક મળે. ગૂગલ, માઇક્રોસૉફ્ટ અને ઍમેઝૉન જેવી કંપનીઓએ તાજેતરમાં મંદીને કારણે મોટા પ્રમાણમાં છટણી કરતાં અમેરિકામાં ભારતીય સહિત અનેક વિદેશી મૂળના કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. ઇમિગ્રેશનની સબ-કમિટીએ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી ઍન્ડ ધ યુએસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ (યુએસસીઆઇએસ)ને એચ-૧બી વર્કરો જેમણે એમની નોકરી ગુમાવી છે એમનો ગ્રેસ પિરિયડ ૬૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ કરવાની ભલામણ કરી છે.
આ પણ વાંચો: કમિટીએ ભારતમાં અમેરિકન ઍમ્બૅસૅડર તરીકે ગાર્સેટીના નૉમિનેશનની તરફેણમાં વોટિંગ
પ્રેસિડન્ટ ઍડ્વાઇઝરી કમિશન ઑન એશિયન અમેરિકન, નેટીવ હવાઇવન અને પૅસિફિક ટાપુવાસીઓની સમિતિના સભ્ય અજય જૈન ભુટોરિયા દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી હતી. અજય જૈન ભુટોરિયાએ કહ્યું હતું કે આ કર્મચારીઓને છૂટા કરવામાં આવતાં એમણે ઘણા પડકારનો સામનો કરવો પડ્યો છે. હાલનો ૬૦ દિવસનો સમય નવી નોકરી શોધવા, એચ-૧બી સ્ટેટસમાં ટ્રાન્સફર કરવા માટે ઓછો પડે છે. પરિણામે ઘણા કર્મચારીઓને દેશ છોડવાની ફરજ પડી છે. પરિણામે અમેરિકામાં કુશળ માણસોની ખોટ પડી શકે છે. આવા કર્મચારીઓનો અમેરિકાના આર્થિક વિકાસ માટે જરૂરી છે. ટેક કંપનીઓ ઇન્ટરવ્યુના ચારથી પાંચ રાઉન્ડનું આયોજન કરે છે એમાં સફળ થનારને નોકરીની ઑફર આપવામાં આવે છે. વળી જો કોઈ કર્મચારી ૬૦ દિવસની અંદર નોકરી શોધી પણ લે તો પણ એમના એચ-૧બી સ્ટેટસમાં ફેરફાર કરવાની પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. જ્યાં સુધી નવો એચ-૧બી વિઝા ન મળે ત્યાં સુધી તે પાછો ફરી શકે નહીં. ટેક કંપનીની મંદી થોડા દિવસમાં તેજીમાં પણ પરિવર્તિત થઈ શકે. એ સમયે કુશળ કર્મચારીઓ જરૂરી છે.