વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસ ફરી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે
જો બાઇડન
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને ૨૦૨૪માં ફરીથી પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની ગઈ કાલે સત્તાવાર જાહેરાત કરી હતી. હવે સવાલ એ છે કે અમેરિકન્સ ૮૦ વર્ષના ડેમોક્રેટના હાથમાં બીજા ચાર વર્ષ સત્તાનું સુકાન સોંપવા માટે તૈયાર છે કે નહીં. તેઓ પહેલાં જ અત્યાર સુધીમાં અમેરિકાના સૌથી વૃદ્ધ પ્રેસિડન્ટ છે. બાઇડને ગઈ કાલે સવારે રિલીઝ કરવામાં આવેલા એક વિડિયોમાં જાહેર કર્યું હતું કે તેઓ અને વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસ ફરી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. ઉંમર સિવાય બાઇડન માટે બે નેગેટિવ બાબત એ છે કે તેમને ભૂલવાની સમસ્યા છે અને અવારનવાર તેઓ તેમની સ્પીચમાં ભૂલ કરી બેસે છે. વળી તેમના ખરાબ આરોગ્યના પણ ન્યુઝ આવતા રહે છે.
બાઇડને આ વિડિયોમાં જાહેર કર્યું હતું કે અમેરિકન લોકશાહીનું રક્ષણ કરવાની તેમની જવાબદારી છે. આ વિડિયોની શરૂઆત ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજની ઇમેજિસથી થાય છે, જ્યારે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના સપોર્ટર્સે અમેરિકન કૅપિટલ પર હુમલો કર્યો હતો.
ADVERTISEMENT
બાઇડને કહ્યું હતું કે ‘ચાર વર્ષ પહેલાં હું જ્યારે પ્રેસિડન્ટની ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે આપણે અમેરિકાનો આત્મા બચાવવા માટેની લડાઈ લડી રહ્યા છીએ અને હજી આપણે એ લડાઈ લડી જ રહ્યા છીએ. આ આત્મસંતુષ્ટિનો સમય નથી. એટલા માટે જ હું ફરીથી ચૂંટણી લડી રહ્યો છું. ચાલો આ મિશન પૂરું કરીએ. હું જાણું છું કે આપણે એ કરી શકીએ છીએ.’
બાઇડને રિપબ્લિકન પ્લૅટફૉર્મ્સને અમેરિકન ફ્રીડમ માટે ખતરો ગણાવ્યાં હતાં. બાઇડને ‘MAGA’ ઉગ્રવાદીઓની આકરી ઝાટકણી કાઢી હતી. MAGA એ ટ્રમ્પનું પૉલિટિકલ સ્લોગન ‘મેક અમેરિકન ગ્રેટ અગેઇન’નું શૉર્ટ ફૉર્મ છે. નવેમ્બર ૨૦૨૪માં યોજાનારી ચૂંટણીમાં ટ્રમ્પ બાઇડનના રિપબ્લિકન હરીફ હોય શકે છે.
ટ્રમ્પ પાસેથી બાઇડને અમેરિકાનું સુકાન પોતાના હાથમાં લીધું ત્યારથી અમેરિકામાં બેરોજગારીનો દર ૧૯૬૯થી સૌથી નિમ્ન સ્તરે છે. જોકે મોંઘવારી દર ૪૦ વર્ષની ઊંચાઈને સ્પર્શી ગયો છે.


