વજન ૧૦૧ કિલો, બ્લડ પ્રેશર ૧૨૮/૭૪, હાર્ટ-બીટ ૬૨ પ્રતિ મિનિટ અને કૉલેસ્ટરોલ ૧૪૦, મોતિયાનું ઑપરેશન કરાવ્યું છે : અમેરિકાના પ્રેસિડન્ટનો મેડિકલ રિપોર્ટ આવી ગયો
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ પદે બિરાજમાન થયા બાદ ડોનલ્ડ ટ્રમ્પે જે રીતે વીઝા-નિયમો, ગેરકાયદે વસાહતીઓના દેશનિકાલ અને અનેક દેશો પર ટૅરિફ નાખવાના વિવાદાસ્પદ નિર્ણયો લીધા હતા એના પરથી તેમની મેડિકલ ફિટનેસ વિશે સવાલો ઊભા થયા હતા, પણ આ મુદ્દે વાઇટ હાઉસે શુક્રવારે તેમનાં પર વિવિધ મેડિકલ પરીક્ષણો કર્યાં હતાં અને એનો રિપોર્ટ રવિવારે જાહેર કર્યો છે અને એમાં જણાવવામાં આવ્યું છે કે ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના કમાન્ડર ઇન ચીફ તરીકે અને રાષ્ટ્રના વડા તરીકે કાર્ય કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે.
૭૮ વર્ષના ટ્રમ્પ ૧૪ જૂને ૭૯ વર્ષના થવાના છે અને ટ્રમ્પના ડૉ. કૅપ્ટન સીન બાર્બાબેલાએ કહ્યું હતું કે પ્રેસિડન્ટની ઍક્ટિવ લાઇફસ્ટાઇલ તેમને શારીરિક રૂપે સ્વસ્થ રાખવામાં મોટું યોગદાન આપે છે.
ADVERTISEMENT
વજન ૨૦ પાઉન્ડ ઘટ્યું
૨૦૨૦માં ટ્રમ્પનું વજન ૨૪૪ પાઉન્ડ (આશરે ૧૧૦ કિલો) હતું, પણ હાલમાં તેમનું વજન ૨૨૪ પાઉન્ડ (આશરે ૧૦૧ કિલો) છે. આમ તેમનું ૨૦ પાઉન્ડ (આશરે ૯ કિલો) વજન ઘટ્યું છે. તેમનો બૉડી માસ ઇન્ડેક્સ (BMI) ૨૮.૦ છે જે પહેલાં સ્થૂળતાની શ્રેણીમાં હતો.
કૉલેસ્ટરોલ ઘટ્યો
ટ્રમ્પનો લિપિડ પ્રોફાઇલ પણ સામાન્ય છે. તેમનો કૉલેસ્ટરોલ પણ ઘટ્યો છે. ૨૦૧૮માં કૉલેસ્ટરોલ ૨૨૩ હતો પણ હવે ઘટીને ૧૪૦ થયો છે. તેમનું બ્લડપ્રેશર ૧૨૮/૭૪ છે જે નૉર્મલ છે. તેમની હાર્ટ-બીટ પણ ૬૨ પ્રતિ મિનિટ છે જે નૉર્મલ છે.
બે ઑપરેશન
૧૧ વર્ષની ઉંમરે ટ્રમ્પ પર એપેન્ડોક્ટોમીનું ઑપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મોતિયાનું ઑપરેશન કરવામાં આવ્યું છે. એની તારીખો જણાવવામાં આવી નથી. ચૂંટણીપ્રચાર વખતે તેમના પર ગોળી છોડવામાં આવી હતી એનો ડાઘ હજી દેખાય છે. જુલાઈ ૨૦૨૪માં તેમણે કોલોનોસ્કોપી કરાવી હતી. વધતી જતી ઉંમરે આંતરડાંની દીવાલો નબળી પડે છે અને એમાં સોજો આવે છે. જોકે આ પરિસ્થિતિ તમામ લોકોમાં જોવા મળે છે અને એનાથી કોઈ સમસ્યા થતી નથી. ટ્રમ્પના સ્નાયુ અને સાંધાઓમાં પૂર્ણ ગતિશીલતા છે અને માનસિક સ્થિતિમાં કોઈ અસમાન્યતા જોવા મળી નથી. સૂર્યપ્રકાશના કારણે તેમની ચામડી પર થોડું નુકસાન થયું છે અને નાના જખમો છે. આ માટે તેઓ એક ટ્યુબ લગાવે છે.
નિયમિત ગૉલ્ફ રમે છે
ડોનલ્ડ ટ્રમ્પની સક્રિય જીવનશૈલી તેમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેઓ નિયમિત રીતે ગૉલ્ફ રમે છે, ઘણી ટુર્નામેન્ટમાં ભાગ લે છે. દિવસભર મીટિંગોની વચ્ચે પણ તેઓ પોતાને ઊર્જાવાન બનાવી રાખે છે.
ડિજિટલ ઍસેટ્સની એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ્સમાંથી થયો ૮૦૦ મિલ્યન ડૉલરનો ઉપાડ
ટ્રમ્પની ટૅરિફની અસર
ડિજિટલ ઍસેટ્સની એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ્સમાંથી પાછલા સપ્તાહે આશરે ૮૦૦ મિલ્યન ડૉલરનો ઉપાડ થયો હતો. આમ સતત ત્રીજા સપ્તાહે ઉપાડ વધ્યો હોવાનું ક્રિપ્ટો ઍસેટ મૅનેજર કૉઇનશૅર્સે જણાવ્યું છે.
કૉઇનશૅર્સના અહેવાલ અનુસાર ઉક્ત પ્રોડક્ટ્સમાંથી ગયા અઠવાડિયે ૭૯૫ મિલ્યન ડૉલરનો ઉપાડ થયો હતો. એમાં બિટકૉઇન આધારિત પ્રોડક્ટ્સનું પ્રમાણ ૭૫૧ મિલ્યન ડૉલર અને ઇથેરિયમ આધારિત પ્રોડક્ટ્સનું પ્રમાણ ૩૭.૬ મિલ્યન ડૉલર હતું. નોંધનીય છે કે મુખ્ય કૉઇન આધારિત પ્રોડક્ટ્સમાંથી ઉપાડ થયો હતો, જ્યારે ઑલ્ટરનેટિવ કૉઇન આધારિત પ્રોડક્ટ્સમાં રોકાણ આવ્યું હતું. એક્સઆરપી, ઓન્ડો ફાઇનૅન્સ, અલગોરાન્ડ અને અવાલાંશનો એમાં સમાવેશ થતો હતો.
કૉઇનશૅર્સે જાહેર કર્યું છે કે ગયા ફેબ્રુઆરી બાદ કુલ ૭.૨ અબજ ડૉલર મૂલ્યના રોકાણનો ઉપાડ થયો છે, જે લગભગ આ વર્ષના અત્યાર સુધીની કુલ આવક જેટલું જ પ્રમાણ છે. ઉપાડ થવા પાછળ અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનો ટૅરિફને લગતો નિર્ણય કારણભૂત છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે સાધારણ વધ-ઘટ થઈ હતી. માર્કેટ કૅપિટલાઇઝેશન ૦.૯૦ ટકા વધીને ૨.૬૮ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનમાં ૦.૯૪ ટકા અને ઇથેરિયમમાં ૫.૪૯ ટકા વધારો થઈને ભાવ અનુક્રમે ૮૪,૫૦૬ ડૉલર અને ૧૬૬૨ ડૉલર થયો હતો. એક્સઆરપીમાં ૦.૧૮ ટકા અને ટોનકૉઇનમાં ૧.૩૯ ટકા ઘટાડો તથા અવાલાંશમાં ૩.૨૭ ટકા અને ચેઇનલિન્કમાં ૨.૬૭ ટકાનો વધારો થયો હતો.
ડોનલ્ડ ટ્રમ્પની હત્યા માટેના પૈસા મેળવવા ટીનેજરે મા-બાપની હત્યા કરી નાખી
અમેરિકાના વિસ્કૉન્સિન રાજ્યમાં એક એવો કેસ બહાર આવ્યો છે જેમાં પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મારવાની ઇચ્છા ધરાવતા ૧૭ વર્ષના નિકિતા કૅસપ નામના ટીનેજરે પોતાની ૩૫ વર્ષની મમ્મી અને ૫૧ વર્ષના સાવકા પપ્પાની હત્યા કરી હતી અને ઘરમાંથી ૧૪,૦૦૦ ડૉલર (૧૨ લાખ રૂપિયા) લઈને નાસી છૂટ્યો હતો. જોકે પોલીસના હાથે તે ઝડપાઈ ગયો હતો અને હાલમાં જેલમાં છે. નિકિતા પર ટ્રમ્પની હત્યા કરીને તેમની સરકારને ઉખેડી નાખવાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો છે.
નિકિતાએ ટ્રમ્પને મારવાના તેના પ્લાનની માહિતી બીજા લોકો સાથે શૅર કરી હતી જેમાં રશિયન ભાષા બોલનારી એક વ્યક્તિનો સમાવેશ છે. નિકિતાના ફોનમાંથી ખતરનાક માહિતી મળી છે જેમાં તે ‘ધ ઑર્ડર ઑફ નાઇન ઍન્ગલ્સ’ નામના ગ્રુપ સાથે સંકળાયેલો છે જે જર્મનીની નાઝી પાર્ટી જેવું છે. આ ગ્રુપ એના કટ્ટરવાદી વિચારો માટે કુખ્યાત છે. નિકિતા હિટલરને પોતાનો આદર્શ માનતો હતો.
ફેબ્રુઆરીમાં કરી હત્યા
પોલીસને નિકિતાનાં મમ્મી-પપ્પાના કોહવાઈ ગયેલા મૃતદેહ તેમના ઘરમાંથી ૨૮ ફેબ્રુઆરીએ મળ્યા હતા. નિકિતાનો સાવકો પિતા ડોનલ્ડ મેયર કામ પર જતો ન હોવાથી તેના પરિવારે તપાસ કરી ત્યારે તેની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસનો દાવો છે કે નિકિતાએ આ બન્નેની હત્યા ૧૧ ફેબ્રુઆરીએ કરી હશે. તેમના મૃતદેહ એટલી હદે કોહવાઈ ગયા હતા કે દાંત પરથી તેમની ઓળખ કરવી પડી હતી.
આઝાદી મેળવવી હતી
નિકિતાએ આઝાદી મેળવવા માટે મમ્મી-પપ્પાને મારી નાખ્યાં હતાં અને ટ્રમ્પની હત્યા માટે નાણાં એકઠાં કરવા ઘરમાંથી ૧૪,૦૦૦ ડૉલર લઈ લીધા હતા. એ પછી તે પાસપોર્ટ અને પાળેલા શ્વાન સાથે નાસી છૂટ્યો હતો. નિકિતાને હાલમાં વૉકેસા કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે અને તેના જામીન માટે ૧૦ લાખ ડૉલરના બૉન્ડની શરત રાખવામાં આવી છે. હવે ૭ મેએ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેની સામેના આરોપ ઘડવામાં આવશે.
ડ્રોન અને વિસ્ફોટક ખરીદ્યાં
પોલીસે નિકિતાને કૅન્સસ રાજ્યમાં ટ્રૅફિક-ચેકિંગ વખતે પકડ્યો હતો અને તેની પાસે પિતા ડોનલ્ડ મેયરની મૅગ્નમ રિવૉલ્વર, ૧૪ હજાર ડૉલર, જ્વેલરી, મમ્મી-પપ્પાના પાસપોર્ટ અને અન્ય ચીજો મળી હતી. પોલીસે આરોપ લગાવ્યો છે કે તેણે વિસ્ફોટક સામગ્રી અને ડ્રોન ખરીદ્યાં હતાં.

