ટ્રમ્પની ટીમમાં પડી પહેલી ફાટ, કાઉન્ટરટેરરિઝમ ચીફે રાજીનામું આપીને કહ્યું...
ડોનલ્ડ ટ્રમ્પ સાથે જો કેન્ટ
એક તરફ ઇઝરાયલે ઈરાન પર હુમલા વધુ તીવ્ર કરી દીધા છે તો બીજી તરફ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર આંતરિક સમસ્યાઓ શરૂ થઈ છે. અમેરિકાના નૅશનલ કાઉન્ટરટેરરિઝમ ચીફ જો કેન્ટે આ યુદ્ધ વિરુદ્ધ જઈને પોતાના પદ પરથી રાજીનામું આપીને કહ્યું હતું કે તેમનું દિલ નથી માનતું કે તે ટ્રમ્પ પ્રશાસનના ઈરાન સામેના યુદ્ધનું સમર્થન કરે. જો કેન્ટે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘આપણા દેશને કોઈ તાત્કાલિક ખતરો નહોતો. અને એ સ્પષ્ટ છે કે આપણે યુદ્ધની શરૂઆત ઇઝરાયલ અને એની શક્તિશાળી અમેરિકન લૉબીના દબાવને કારણે કરી હતી.’
તેઓ પૂરા વિવેક સાથે આ યુદ્ધનું સમર્થન નહીં કરી શકે એમ જણાવીને જો કેન્ટે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું હતું કે ‘ઈરાન આપણા દેશ માટે કોઈ તાત્કાલિક ખતરો નહોતો. પ્રશાસને શરૂઆતના દિવસોમાં એક ભ્રામક સૂચના-અભિયાન ચલાવ્યું. એનાથી અમેરિકા ફર્સ્ટની નીતિ નબળી પડી અને યુદ્ધનો માહોલ તૈયાર કરવામાં આવ્યો. ખૂબ વિચાર્યા પછી મેં નૅશનલ કાઉન્ટરટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર પદેથી આજે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. હું મારા અંતરાત્માની અવાજ સાંભળીને ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધનું સમર્થન નથી કરી શકતો. ઈરાનથી આપણા દેશને કોઈ ખતરો નથી અને એ સાફ છે કે આપણે એ યુદ્ધ ઇજરાયલ અને એની શક્તિશાળી અમેરિકન લૉબીના દબાવમાં શરૂ કર્યું હતું. ભગવાન અમેરિકા પર કૃપા કરે.’
ADVERTISEMENT
ઈરાન સાથેના યુદ્ધના મુદ્દે ડોનલ્ડ ટ્રમ્પની ગણતરીઓ ઊંધી પડી રહી છે. અલી ખામેનેઈનો ખાતમો થઈ જશે એટલે જંગ જિતાઈ જશે એવું માનનારા ટ્રમ્પે પોતે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કબૂલ્યું હતું કે તેમને કોઈ અંદાજો નહોતો કે ઈરાન વળતા હુમલા તરીકે સાથી ગલ્ફ દેશો પર હુમલો કરવાની સ્ટ્રૅટેજી અપનાવશે. એ પછી હોર્મુઝ સ્ટ્રેટ બંધ નહીં થવા દઈએ એવી અમેરિકાની ખાતરી પણ સફળ નથી થઈ રહી. આ બાબતે અન્ય દેશો પણ તેમને મદદ કરવા તૈયાર નથી અને હવે અમેરિકામાંથી જ તેમની ટીમમાં ફૂટ પડી રહી છે.
