૨૧ કલાકની વાટાઘાટ પછી પરિણામ ઝીરો, અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સ અમેરિકા જવા રવાના, ઈરાને કહ્યું કે અમેરિકાની માગણીઓ ગેરવાજબી હતી
નિષ્ફળ વાટાઘાટો બાદ ગઈ કાલે ઇસ્લામાબાદથી પાછા જઈ રહેલા અમેરિકાના વાઇસ-પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સને વિદાય આપી રહેલા પાકિસ્તાના ઍર ફીલ્ડ માર્શલ આસિમ મુનીર અને ગૃહપ્રધાન મોહસિન નકવી.
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ૨૧ કલાક લાંબી ચાલેલી ઈરાન-અમેરિકાની શાંતિ-વાટાઘાટો કોઈ પણ સમજૂતી વિના સમાપ્ત થઈ હતી. પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ યોજાયેલી મંત્રણા કોઈ નક્કર સમજૂતી વિના સમાપ્ત થયા બાદ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સ અમેરિકા પાછા ફર્યા હતા. મંત્રણા પૂરી થતાં જ બન્ને પક્ષોએ નિષ્ફળતા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા. જ્યારે ઈરાને અમેરિકા પર બિનજરૂરી અને ગેરકાયદે માગણી કરવાનો આરોપ લગાવ્યો હતો તો જે. ડી. વૅન્સે કહ્યું હતું કે વૉશિંગ્ટને એનો છેલ્લો અને શ્રેષ્ઠ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને તેહરાને સ્વીકાર્યો નહોતો.
૨૧ કલાકની વાતચીત
ADVERTISEMENT
૨૧ કલાક સુધી ચાલેલી આ વાટાઘાટોમાં ઘણા મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. એમાં મુખ્યત્વે પરમાણુ કાર્યક્રમ, સ્ટ્રેટ ઑફ હોર્મુઝની સુરક્ષા, યુદ્ધનાં વળતર, આર્થિક પ્રતિબંધો દૂર કરવા અને પ્રાદેશિક સંઘર્ષોનો અંત લાવવાનો સમાવેશ થાય છે. બન્ને પક્ષો વચ્ચે આ મુદ્દાઓ પર વાટાઘાટોના અનેક રાઉન્ડ અને દસ્તાવેજોની આપ-લે થઈ, પરંતુ કોઈ અંતિમ સમજૂતી ન થઈ શકી.
જે. ડી. વૅન્સે શું કહ્યું?
આ વાટાઘાટોના મુદ્દે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સે કહ્યું હતું કે ‘બન્ને દેશો વચ્ચે લાંબી વાતચીત થઈ, પરંતુ કોઈ નક્કર પરિણામ આવી શક્યું નહીં એથી અમેરિકન ટીમ હવે પાછી ફરી રહી છે. અમેરિકાએ એની અંતિમ ઑફર આપી હતી. મંત્રણા દરમ્યાન ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ઈરાને અમેરિકાની શરતો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો, જેને કારણે સમજૂતી ન થઈ શકી. ન્યુક્લિયર પ્રોગ્રામ મુખ્ય વિવાદ હતો જેને કારણે આ વાટાઘાટો સફળ થઈ શકી નહોતી. પાકિસ્તાને બન્ને દેશો વચ્ચેનું અંતર ઓછું કરવા અને મંત્રણાને સફળ બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને એક સારા મધ્યસ્થી તરીકે કામ કર્યું અને બન્ને પક્ષોને નજીક લાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઈરાનનો પલટવાર
ઈરાને અમેરિકા પર ગેરવાજબી માગણીનો આરોપ લગાવ્યો હતો. ઈરાની પક્ષે સ્પષ્ટપણે કહ્યું હતું કે મંત્રણાની નિષ્ફળતાનું મુખ્ય કારણ અમેરિકન વલણ છે. અમેરિકાએ એવી શરત મૂકી જે અવ્યવહારુ અને આંતરરાષ્ટ્રીય માપદંડોની વિરુદ્ધ હતી. કોઈ પણ કરારની સફળતા ગંભીરતા, પ્રામાણિકતા અને સંતુલિત અભિગમ દર્શાવતી બીજી બાજુ પર આધાર રાખે છે. ઈરાને એમ પણ કહ્યું હતું કે તે કોઈ પણ કિંમતે એના કાયદેસરના અધિકારો અને રાષ્ટ્રીય હિતોની સાથે સમાધાન નહીં કરે.
ઈરાનના અધિકારીઓએ તેમના નિવેદનમાં ઐતિહાસિક સંદર્ભનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે તેઓ અમેરિકાના ભૂતકાળના અનુભવોને ભૂલી શક્યા નથી. પ્રાદેશિક સંઘર્ષો અને યુદ્ધો દરમ્યાન થયેલા નુકસાને તેમના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે.
ઈરાને અમેરિકા પર યુદ્ધની જેમ વાટાઘાટોમાં ખોટી ગણતરી કરવાનો આરોપ મૂક્યો હતો અને ચેતવણી આપી કે જ્યાં સુધી અમેરિકા વાજબી સમાધાન માટે સંમત ન થાય ત્યાં સુધી હોર્મુઝમાં કંઈ પણ બદલાશે નહીં, ઈરાનને કોઈ ઉતાવળ નથી.
અમે નહીં ઝૂકીએ ઃ ઈરાન
ઈરાને એના એ વલણનો પુનરુચ્ચાર કર્યો હતો કે તે ડિપ્લોમસીને પ્રાધાન્ય આપે છે, પરંતુ એ ઈરાનનાં હિતોની કિંમત પર ન હોઈ શકે. કોઈ પણ શક્તિ ઈરાનને એના ઐતિહાસિક મિશનથી રોકી શકશે નહીં અને એ ઈરાનનાં હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે.
વાટાઘાટોના પતનનું કારણ અતિશય માગણીઓ, અવિશ્વાસ
પરમાણુ પ્રતિબદ્ધતાઓ, પ્રતિબંધોમાં રાહત અને હોર્મુઝ સ્ટ્રેટના નિયંત્રણ વિશે તીવ્ર મતભેદ વચ્ચે અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટો પડી ભાંગી હતી. તેહરાને વૉશિંગ્ટનને વધુ પડતી માગણીઓ માટે દોષી ઠેરવી હતી, જ્યારે અમેરિકાએ કહ્યું હતું કે ઈરાન એ બાબતે ગૅરન્ટી આપતું નથી કે તેઓ પરમાણુ શસ્ત્રો બનાવશે નહીં. આમ ઊંડા અવિશ્વાસ, વિરોધાભાસી યુદ્ધનાં ધ્યેયો અને કઠોર પરિસ્થિતિએ વાટાઘાટોને પાટા પરથી ઉતારી દીધી હતી.
