Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના અપરાધીને આખરે ભારત લવાશે

મુંબઈના અપરાધીને આખરે ભારત લવાશે

19 May, 2023 11:28 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓના કાવતરાખોર તહવ્વુર રાણાને ભારતને સોંપવા માટે અમેરિકામાં ફેડરલ કોર્ટ સંમત

તહવ્વુર રાણા

તહવ્વુર રાણા


પાકિસ્તાન મૂળના કૅનેડિયન બિઝનેસમૅન તહવ્વુર રાણાને ભારતને સોંપવા માટે અમેરિકામાં ફેડરલ કોર્ટ સંમત થઈ છે. ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં સંડોવણી બદલ રાણા ભારતમાં વૉન્ટેડ છે.  

અમેરિકન મૅજિસ્ટ્રેટ જજ જેક્લિન કૂલજિન દ્વારા આપવામાં આવેલા આ આદેશ અનુસાર ભારત અને અમેરિકા વચ્ચેના અપરાધીઓને સોંપવા માટેના એક કરાર હેઠળ રાણા ભારતને સોંપવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની વિઝિટના એક મહિના પહેલાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.



મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવામાં અને એના અમલમાં તહવ્વુરની સંડોવણી હોવાનો ભારતે આરોપ મૂક્યો છે. તહવ્વુરે એમાં તેના બાળપણના મિત્ર ડેવિડ કોલેમન હેડલીને સાથ આપ્યો હતો. તહવ્વુરને મુંબઈમાં થયેલા આ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનારા પાકિસ્તાની આતંકવાદી ગ્રુપ લશ્કર-એ-તય્યબાને સપોર્ટ પૂરો પાડવા બદલ ૨૦૧૧માં શિકાગોમાં દોષી ગણાવવામાં આવ્યો હતો.


તેણે ડેવિડ કોલેમન હેડલીને રેકી કરવાના બદઇરાદાને પાર પાડવા માટે મુંબઈમાં તેના શિકોગા સ્થિત ઇમિગ્રેશન લૉ બિઝનેસની એક બ્રાન્ચ શરૂ કરવામાં અને ડેન્માર્કમાં આ કંપનીના પ્રતિનિધિ તરીકે ટ્રાવેલિંગ કરવામાં મદદ કરી હતી.

ભારતે શરૂઆતમાં ૧૦ જૂન, ૨૦૨૦ના રોજ રાણાની ધરપકડ માટે એક ફરિયાદ દાખલ કરી હતી. બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશને આ વિનંતીને સપોર્ટ આપ્યો હતો અને મંજૂરી આપી હતી.


તહવ્વુર હુમલો કરનારાઓનું સન્માન ઇચ્છતો હતો

મુંબઈમાં હુમલાઓ બાદ તહવ્વુર રાણા ખૂબ રિલેક્સ હતો અને તે આ હુમલાઓ કરનારા લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓને પાકિસ્તાનનું સર્વોચ્ચ મિલિટરી સન્માન આપવામાં આવે એમ ઇચ્છતો હતો. એક ઈ-મેઇલમાં હેડલીને સવાલ કરવામાં આવ્યો હતો કે ‘આ જે કંઈ થઈ રહ્યું છે એ મામલે રાણાનું રીઍક્શન કેવું છે? શું એ ખૂબ ડરી ગયો છે કે રિલેક્સ છે?’ હેડલીએ બીજા દિવસે જવાબ આપ્યો હતો કે રાણા ખૂબ રિલેક્સ છે. સાતમી સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ વાતચીતમાં રાણાએ હેડલીને જણાવ્યું હતું કે મુંબઈ હુમલાઓમાં માર્યા ગયેલા લશ્કર-એ-તય્યબાના નવ આતંકવાદીઓને પાકિસ્તાનનું સર્વોચ્ચ મિલિટરી સન્માન નિશાન-એ-હૈદર આપવું જોઈએ. 

ભારત માટે ખૂબ મોટી સફળતા : ઉજ્જ્વલ નિકમ 

મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના કેસમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર સિનિયર લૉયર ઉજ્જ્વલ નિકમે ગઈ કાલે કહ્યું હતું કે ‘તહવ્વુર રાણા ભારતને સોંપવા માટે અમેરિકન અદાલતે મંજૂરી આપી છે એ દેશ માટે ખૂબ મોટી સફળતા છે. લશ્કર-એ-તય્યબાના ઑપરેટિવ ડેવિડ હેડલી દ્વારા તેની ભૂમિકા સ્પષ્ટ રીતે જણાવવામાં આવી હતી. (મુંબઈમાં સ્પેશ્યલ કોર્ટ સમક્ષ) તેની જુબાની દરમ્યાન મેં તેને સવાલ પૂછ્યા હતા. લૉજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવાથી લઈને પાકિસ્તાનની આર્મીના અધિકારીઓ સાથે સંપર્ક સુધી હેડલીએ તમામ માહિતી આપી હતી.’
હેડલી સરકારી સાક્ષી બન્યો હતો અને તેણે આ કેસની સુનાવણી દરમ્યાન અમેરિકાથી વિડિયો લિન્ક દ્વારા મુંબઈની સેશન્સ કોર્ટ સમક્ષ જુબાની આપી હતી.

ફાંસીની સજા થવી જોઈએ

મુંબઈમાં આ આતંકવાદી હુમલામાં ઇન્જર્ડ થનાર બે મહિલાઓએ અમેરિકન કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તહવ્વુર રાણાને ફાંસીની સજા કે પછી કડકમાં કડક સજા થવી જોઈએ. આ હુમલામાં શહીદ થયેલા એક પોલીસમૅનના ​ફાધરે જણાવ્યું હતું કે તેમને આશા છે કે રાણાની જુબાનીથી આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીનો પર્દાફાશ થશે. રાણા અત્યારે લૉસ ઍન્જલસમાં ફેડરલ લૉકઅપમાં છે. 

નવેમ્બર ૨૦૦૮માં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે થયેલા હુમલાની સૌથી નાની વયની સાક્ષી હોવાનો દાવો કરનાર દેવિકા નટવરલાલે જણાવ્યું કે ‘આ આતંકવાદી હુમલામાં મને જમણા પગમાં ગોળી વાગી હતી. મારી આંખ સામે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા.’

૨૪ વર્ષની આ યુવતીએ વધુમાં કહ્યું હતું કે ‘રાણાને ભારત લાવવામાં આવશે એનાથી હું ખુશ છું. જોકે તેને ફાંસીની સજા આપવામાં આવે કે કોઈ કડક સજા આપવામાં આવે તો મને વધારે ખુશી થશે.’

આ હુમલામાં શહીદ થનારા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના કૉન્સ્ટેબલ રાહુલ શિંદેના પિતા સુભાષ શિંદેએ કહ્યું કે આ હુમલા પાકિસ્તાને કરાવ્યા હોવાની વાત તો જગજાહેર છે, પરંતુ રાણા અને તેની જુબાનીથી વધુ એક વખત પાકિસ્તાનનો પર્દાફાશ થશે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2023 11:28 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK