વેનેઝુએલા પછી હવે કોલંબિયાનો નંબર આવશે એવા સંકેતથી અમેરિકા-કોલંબિયા વચ્ચે તનાવ; ટ્રમ્પે ખુલ્લી ધમકી આપી કે કોલંબિયામાં કોકેન બને છે, તેમણે પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે
કોલંબિયાના પ્રેસિડન્ટ ગુસ્તાવો પેટ્રો અને ડોનલ્ડ ટ્રમ્પ
વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને તેમના જ ઘરેથી ઉઠાવી લેવાના અમેરિકાના સફળ મિશન બાદ હવે અમેરિકા અને કોલંબિયા વચ્ચે વાતાવરણ તંગ બન્યું છે. કોલંબિયાના પ્રેસિડન્ટ ગુસ્તાવો પેટ્રો ખુલ્લેઆમ ડોનલ્ડ ટ્રમ્પના વેનેઝુએલા પરના હુમલાઓની ટીકા કરતા આવ્યા છે. એમાં વળી ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ કોલંબિયામાં ડ્રગ્સ બનાવતી પ્રયોગશાળાઓ પર હુમલો કરવામાં પાછા નહીં પડે. ટ્રમ્પ અને ગુસ્તાવો પેટ્રો વચ્ચે મુખ્યત્વે ડ્રગ્સની હેરાફેરી, ટૂરિઝમ અને ક્ષેત્રીય સુરક્ષાના મુદ્દે તનાવ રહ્યો છે. તાજેતરમાં ટ્રમ્પે મીડિયાને કહ્યું હતું કે ‘કોલંબિયા કોકેન બનાવીને અમેરિકામાં મોકલે છે. એણે પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે.’
આ આડકતરી ધમકીના જવાબમાં કોલંબિયાના પ્રેસિડન્ટ ગુસ્તાવો પેટ્રોએ વેનેઝુએલાના માદુરોની જેમ જ પડકારતાં કહ્યું હતું કે ‘આવો, મને પકડો, હું તમારી રાહ જોઈ રહ્યો છું.’
ADVERTISEMENT
પેટ્રોએ ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘જો કોલંબિયાને નિશાન બનાવવામાં આવશે તો ગોરીલા વિદ્રોહ થશે. જો તેઓ બૉમ્બ ફેંકશે તો પહાડોમાં છુપાયેલા હજારો આમ ખેડૂતો ગોરીલા બની જશે. જો તેઓ દેશનો મોટો હિસ્સો જેને ખૂબ પ્રેમ અને સન્માન આપે છે એ પ્રેસિડન્ટને પકડી લેશે તો હજારો લોકો ‘જૅગ્વાર’ની જેમ છૂટશે.’
૧૯૯૦ના દાયકામાં તેઓ ગોરીલા મૂવમેન્ટનો હિસ્સો હતા એ યાદ કરીને ગુસ્તાવોએ કહ્યું હતું કે મેં સોગંદ ખાધા હતા કે હું ફરી કદી હથિયારને હાથ નહીં લગાવું, પણ મારા દેશ માટે જરૂર પડશે તો હું હથિયાર ઉઠાવવા પણ તૈયાર છું.


