Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મક્કી ગ્લોબલ ટેરરિસ્ટ જાહેરઃ મુંબઈ હુમલા સહિત ભારતમાં સાત હુમલાનો છે માસ્ટરમાઇન્ડ

મક્કી ગ્લોબલ ટેરરિસ્ટ જાહેરઃ મુંબઈ હુમલા સહિત ભારતમાં સાત હુમલાનો છે માસ્ટરમાઇન્ડ

18 January, 2023 12:45 PM IST | Geneva
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે આતંકવાદીઓની વિરુદ્ધ કડક પગલાં લેવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંગઠનો પર દબાણ કરતા રહીશું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)


નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે પાકિસ્તાનસ્થિત આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો છે, જેના લીધે હવે તેની મિલકતો જપ્ત થશે, તેના ટ્રાવેલિંગ પર પ્રતિબંધ મુકાશે અને તેને શસ્ત્રોનું વેચાણ નહીં કરી શકાય. મક્કી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાનો ડેપ્યુટી ચીફ છે. સુરક્ષા પરિષદના આ લેટેસ્ટ નિર્ણયનું ભારતે સ્વાગત કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે આતંકવાદીઓની વિરુદ્ધ કડક પગલાં લેવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંગઠનો પર દબાણ કરતા રહીશું. 
 


સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની ૧૨૬૭ અલ-કાયદા પ્રતિબંધ કમિટીએ સોમવારે મક્કીને એના આતંકવાદીઓના લિસ્ટમાં સામેલ કર્યો હતો. ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રસ્તાવ પર આખરે ચીને સહકાર આપ્યો હતો.

 
આ પ્રતિબંધ કમિટીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘મક્કી ભારતમાં, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં હુમલાનાં કાવતરાં ઘડવામાં, હિંસા આચરવા યુવાનોને કટ્ટર  બનાવવામાં, આતંકવાદી ગતિવિધિ માટે ભંડોળ એકત્ર કરવામાં અને આતંકવાદી સંગઠનોમાં ભરતીમાં સંડોવાયેલો હતો.’

 
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહવાલપુરમાં જન્મેલો મક્કી લશ્કર-એ-તય્યબાના વડા હાફિઝ મુહમ્મદ સઈદનો રિલેટિવ છે.

ગયા વર્ષે જૂનમાં મક્કીને ૧૨૬૭ અલ-કાયદા પ્રતિબંધો કમિટીના લિસ્ટમાં સામેલ કરવાના ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રસ્તાવને ચીને પસાર થતા રોકી લીધો હતો.

આ પણ વાંચો : Dawood Ibrahimએ પાકિસ્તાની મહિલા સાથે કર્યા લગ્ન! અહીં છે આખા પરિવારની કુંડળી

ભારતમાં થયેલા આ સાત આતંકવાદી હુમલામાં મક્કીની સંડોવણી

(૧) લાલ કિલ્લા પર હુમલો: ૨૦૦૦ની ૨૨ ડિસેમ્બરે લશ્કર-એ-તય્યબાના છ આતંકવાદીઓએ લાલ કિલ્લામાં ઘૂસીને સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. આ અટૅકમાં આર્મીના બે જવાન સહિત ત્રણ જણનાં મોત થયાં હતાં.

(૨) રામપુર હુમલો : લશ્કર-એ-તય્યબાના પાંચ આતંકવાદીઓએ ૨૦૦૮ની પહેલી જાન્યુઆરીએ સીઆરપીએફના એક કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના સાત જવાન અને એક રિક્ષાચાલકનું મોત થયું હતું.

(૩) મુંબઈ અટૅક : લશ્કર-એ-તય્યબાએ ૨૬/૧૧ના મુંબઈ હુમલા કરાવ્યા હતા. અનેક જગ્યાએ થયેલા આ હુમલામાં ૧૭૫ લોકોનાં મોત થયાં હતાં.

(૪) શ્રીનગર અટૅક : ૨૦૧૮ની ૧૨-૧૩ ફેબ્રુઆરીએ શ્રીનગરના કરણનગરમાં સીઆરપીએફ કૅમ્પમાં લશ્કર-એ-તય્યબાનો સુસાઇડ બૉમ્બર ઘૂસી ગયો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો.

(૫) બારામુલ્લા અટૅક: ૨૦૧૮ની ૩૦ મેએ બારામુલ્લામાં લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓએ ત્રણ નાગરિકોની હત્યા કરી હતી.

(૬) શ્રીનગર હુમલો : લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓએ ૨૦૧૮ની ૧૪ જૂને રાઇઝિંગ કાશ્મીરના એડિટર સુજાત બુખારી અને બે સિક્યૉરિટી ગાર્ડની ગોળી મારીને હત્યા કરી હતી.

(૭) બાંદીપોરા હુમલો : જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી, જે દરમ્યાન ઇન્ડિયન આર્મીના જવાનોએ તેમની કોશિશને નિષ્ફળ બનાવી હતી. આ હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2023 12:45 PM IST | Geneva | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK