બન્ને મુખ્ય પાર્ટીઓના એજન્ડામાં, મધ્યાહ્ન ભોજન, કૌશલ્ય વિકાસ, માતૃવંદના અને કિસાન કાર્ડ જેવી વિવિધ યોજનાઓનાં વચન અપાયાં
પ્રતીકાત્મક તસવીર
બંગલાદેશમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. જોકે આ વખતે ચર્ચાનું કેન્દ્ર ફક્ત શાસક પક્ષ અને વિપક્ષ જ નથી, લોકોને આપવામાં આવતાં વચનોના મૅનિફેસ્ટોમાં પણ કૉપી-પેસ્ટની નીતિ જોવા મળી રહી છે. બંગલાદેશના મુખ્ય રાજકીય પક્ષોના ચૂંટણીઢંઢેરાઓ વાંચ્યા પછી એવું લાગે કે તમે બંગલાદેશની પાર્ટીઓના નહીં પણ ભારત સરકારના ઘોષણાપત્રને વાંચી રહ્યા છો. આનું કારણ એ છે કે આ ચૂંટણીઢંઢેરાઓ સંપૂર્ણપણે ચોરી કરેલા છે. બંગલાદેશ નૅશનલ પાર્ટી (BNP)થી લઈને જમાત અને અન્ય પક્ષોના ઢંઢેરામાં આ સ્પષ્ટ દેખાય છે.
બંગલાદેશની ઘણી પાર્ટીઓએ તેમના ચૂંટણીઢંઢેરામાં જે વચનો આપ્યાં છે એ યોજનાઓ ભારતમાં પહેલેથી જ અમલમાં મુકાયેલી અને લોકપ્રિય યોજનાઓની બરાબર નકલ દેખાય છે. આમાં બાળકો માટે મધ્યાહન ભોજન યોજના, ખેડૂતો માટે કિસાન કાર્ડને અનુરૂપ સબસિડી અને ક્રેડિટ યોજના, યુવાનો માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને મહિલાઓ માટે માતૃવંદના જેવી માતૃત્વ સહાય યોજનાઓનો સમાવેશ થાય છે. આ બધાં વચનો સીધાં ભારતીય મૉડલથી પ્રેરિત હોય એવું લાગે છે.
ADVERTISEMENT
આપણાથી પ્રેમ, આપણી સાથે લડાઈ?
રાજકીય નિષ્ણાતો કહે છે કે આ કોઈ સંયોગ નથી. છેલ્લા એક દાયકામાં ભારતની સમાજ-કલ્યાણ યોજનાઓએ માત્ર સ્થાનિક રાજકારણને પ્રભાવિત કર્યું નથી, પાડોશી દેશોના નીતિ-નિર્માતાઓનું ધ્યાન પણ આકર્ષિત કર્યું છે. બંગલાદેશના ચૂંટણી રાજકારણમાં એમને ડિલિવરી મૉડલ તરીકે રજૂ કરવામાં આવ્યા છે અને આ સ્પષ્ટપણે દેખાય છે. બંગલાદેશી પક્ષો આ યોજનાઓને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ મૉડલ તરીકે વર્ણવે છે; પરંતુ એનાં નામ, ઉદ્દેશ અને માળખાં એટલાં સમાન છે કે એને ભારત સરકારની યોજનાઓથી અલગ પાડવી મુશ્કેલ છે. જો આ યોજનાઓનાં નામ બદલવામાં આવે તો આ મૅનિફેસ્ટો નવી દિલ્હીથી જાહેર કરાયેલા ચૂંટણી-દસ્તાવેજ જેવો લાગશે.
કઈ યોજનાઓ ભારતીય યોજનાઓ જેવી જ છે?
૧. બંગલાદેશની સૌથી મજબૂત પાર્ટી BNPએ એના મૅનિફેસ્ટોમાં ફૅમિલી કાર્ડ યોજનાનો સમાવેશ કર્યો છે. ભારત સરકારની યોજનાઓની જેમ BNP સત્તામાં આવે તો ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ૨૫૦૦ ટાકા રોકડા અથવા આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવાનું વચન આપે છે.
૨. વધુમાં કિસાન કાર્ડના વચનની સાથે તેમને સબસિડી, સરળ લોન, પાક વીમો અને વાજબી ભાવ જેવા લાભો પૂરા પાડવાનું વચન આપે છે. એવી જ રીતે ભારત સરકારની માતૃવંદના યોજના જેવી યોજનાની નકલ કરવામાં આવી છે અને એ માતા અને બાળસ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
૩. ભારતની કૌશલ્ય વિકાસ યોજનાની જેમ BNPએ મફત કૌશલ્ય-આધારિત પોસ્ટ-ગ્રૅજ્યુએશન શિક્ષણનું વચન આપ્યું છે. તે એક કરોડ નોકરીઓ, સ્ટાર્ટઅપ સપોર્ટ અને મેરિટ-આધારિત રોજગારનું પણ વચન આપે છે.
૪. બાળકો માટે મધ્યાહન ભોજન યોજનાનું વચન આપવામાં આવ્યું છે અને એના મૅનિફેસ્ટોમાં બંગલાદેશની પ્રથમ નીતિનો દાવો કરવામાં આવ્યો છે.
૫. કટ્ટરપંથી જમાત-એ-ઇસ્લામીએ એના મૅનિફેસ્ટોમાં કહ્યું છે કે એ એના પાડોશી દેશો સાથે આદરપૂર્ણ સંબંધો જાળવવા માગે છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.


