ISIS કનેક્શન હોવાની પણ આશંકા, પોલીસે ઠાર મારેલા સાજિત અકરમ પાસે શસ્ત્ર રાખવાનું લાઇસન્સ હતું: કુલ મરણાંક ૧૬
સાજિદ અકરમ, નવીદ અકરમ
સિડનીના બૉન્ડી બીચ પર યહૂદીઓના ધાર્મિક કાર્યક્રમમાં ગોળીબાર કરનારા બે બંદૂકધારી આતંકવાદી પાકિસ્તાનના પિતા અને પુત્ર હતા એમ જાણવા મળ્યું છે. ઑસ્ટ્રેલિયન અધિકારીઓ દ્વારા પિતાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ મીડિયામાં તેનું નામ ૫૦ વર્ષના સાજિદ અકરમ અને તેના પુત્રનું નામ ૨૪ વર્ષના નવીદ અકરમ તરીકે જણાવવામાં આવ્યું છે. તેમનું ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) સાથે જોડાણ હોવાના પુરાવા પણ બહાર આવી રહ્યા છે. આતંકવાદીઓની એક કારમાંથી ISISનો ધ્વજ પણ મળી આવ્યો છે. સાજિદ અકરમને પોલીસે ઘટનાસ્થળે મારી નાખ્યો હતો અને તેના ઘાયલ પુત્રને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર છે.
પોલીસે જણાવ્યું હતું કે આ હુમલામાં અન્ય કોઈ હુમલાખોરો સંડોવાયેલા નથી. આ ગોળીબારને આતંકવાદી હુમલા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. પોલીસે પુષ્ટિ આપી કે ઘટનાસ્થળે ૧૦ વર્ષથી લઈને ૮૭ વર્ષના કુલ ૧૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો જેમાં એક હુમલાખોરનો પણ સમાવેશ થાય છે, જ્યારે બીજા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસ-અધિકારીઓએ વેસ્ટર્ન સિડનીનાં ઉપનગરો બોનીરિગ અને કેમ્પસીમાં આવેલી હુમલાખોરોની મિલકતો પર રાતોરાત તપાસ હાથ ધરી હતી. ૫૦ વર્ષના હુમલાખોર પાસે શસ્ત્ર રાખવાનું લાઇસન્સ હતું અને તેના નામે છ ફાયરઆર્મ્સ નોંધાયેલાં હતાં. તેની પાસે છેલ્લાં ૧૦ વર્ષથી આ લાઇસન્સ હતું. બૉન્ડી બીચ પરના ગુનાઓમાં પણ એ ૬ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે પોલીસ હુમલાખોરોએ હથિયારો કેવી રીતે મેળવ્યાં અને એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો એની વિગતવાર તપાસ કરશે.
આ હુમલો શા માટે કરવામાં આવ્યો હતો એની જાણકારી હજી સુધી પોલીસને મળી નથી. પોલીસે જણાવ્યું હતું કે હવે તમામ તપાસ એ મુદ્દે થઈ રહી છે.
૨૦૧૯માં નવીદ અકરમ શંકાના ઘેરામાં આવ્યો હતો
નવીદ અકરમ ૧૯૯૮માં સ્ટુડન્ટ-વીઝા પર ઑસ્ટ્રેલિયા આવ્યો હતો અને ૨૦૦૧માં તેને પર્મનન્ટ વીઝા મળી ગયા હતા. તે ૩ વાર વિદેશની યાત્રા કરી ચૂક્યો છે. ૨૦૧૯માં તેના પર આતંકવાદીઓ સાથે સંપર્ક હોવાની શંકા ઊભી થઈ હતી. ઑસ્ટ્રેલિયાની તપાસ-એજન્સી ઑસ્ટ્રેલિયન સિક્યૉરિટી ઇન્ટેલિજન્સ ઑર્ગેનાઇઝેશન (ASIO)એ ૨૦૧૯માં તેની ISIS લિન્ક વિશે તપાસ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે અસાક અલ મતારી જેવા આતંકવાદીઓના સંપર્કમાં હતો. મતારી ૭ વર્ષની જેલ કાપી ચૂક્યો છે.
ઈરાની લિન્ક
ઑસ્ટ્રેલિયાના અધિકારીઓનું માનવું છે કે આ હુમલામાં ઈરાનની લિન્ક પણ હોઈ શકે છે. હાલમાં જ ઑસ્ટ્રેલિયાએ ઈરાનના રાજદૂતને દેશનિકાલ કર્યા હતા. ઈરાનનાં કટ્ટરપંથી સંગઠનો ઇઝરાયલીને અને યહૂદીઓને નિશાન બનાવતાં અચકાતાં નથી. ઑસ્ટ્રેલિયાએ ઈરાનના રેવલ્યુશનરી ગાર્ડ્સને પણ આતંકવાદી જાહેર કર્યા છે.
મુસ્લિમ આતંકવાદીની બંદૂક ઝૂંટવી લેનારો હીરો પણ મુસ્લિમ નીકળ્યો, મળી ૬+ કરોડ રૂપિયાની મદદ
અહમદ અલ અહમદ ગંભીર રીતે ઘાયલ: તેણે ભાઈને કહેલું કે મને કંઈ થાય તો પરિવારને કહેજે કે લોકોનો જીવ બચાવતાં મર્યો છું
સિડનીના બૉન્ડી બીચ પર બે આતંકવાદીઓએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં કુલ ૧૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક બંદૂકધારીને પાછળથી પકડી લેનારો ફળ વેચનારો અહમદ અલ અહમદ ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. રવિવાર હોવાથી તેની દુકાન બંધ હતી. તે પિતરાઈ ભાઈ સાથે બીચ પર ફરવા અને કૉફી પીવા નીકળ્યો હતો. હુમલાખોરો ફાયરિંગ કરી રહ્યા હતા ત્યારે અહમદ તેમને રોકવા દોડ્યો ત્યારે તેના ભાઈએ રોક્યો હતો. જોકે અહમદે કહેલું, ‘જો મને કંઈ થઈ જાય તો પરિવારને કહેજે કે લોકોનો જીવ બચાવવા જતાં હું મર્યો છું.’ અહમદે ૫૦ વર્ષના સાજિદ અકરમ પાસેથી બંદૂક ઝૂંટવીને તેની સામે જ તાકી દીધી હતી. જોકે બીજા આતંકવાદી નવીદની ગોળીથી અહમદ ઘાયલ થઈ ગયો હતો. હવે લોકો તેને ઑસ્ટ્રેલિયાનો નવો હીરો ગણાવી રહ્યા છે. કેટલાક પરગજુ લોકો અને મુસ્લિમ સંગઠનો દ્વારા અહમદ પર દાનનો વરસાદ થવા લાગ્યો છે. અત્યાર સુધીમાં ૧૧ લાખ ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે કે લગભગ ૬.૭૪ કરોડ રૂપિયાનું દાન તેને મળ્યું છે.


