સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે સજાતીય લગ્નો માટે કાયદાકીય માન્યતાની માગણી કરતી ૨૧ અરજીઓ પર ચુકાદો આપ્યો
નવી દિલ્હીમાં ગઈ કાલે સુપ્રીમ કોર્ટ કૉમ્પ્લેક્સની બહાર સજાતીય મૅરેજના મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાની સુનાવણી દરમ્યાન એલજીબીટીક્યુ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વીર) કમ્યુનિટીનો એક મેમ્બર રેઇનબો ફ્લૅગ સાથે.
નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે ગઈ કાલે સજાતીય લગ્નોને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. સજાતીય લગ્નો માટે કાયદાકીય માન્યતાની માગણી કરતી ૨૧ અરજીઓ પર ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચન્દ્રચૂડની વડપણ હેઠળની બેન્ચે ચુકાદો આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે ‘અદાલતો કાયદા ન બનાવી શકે, પરંતુ માત્ર એનું અર્થઘટન કરી શકે અને સ્પેશ્યલ મૅરેજ ઍક્ટમાં ફેરફાર કરવાનું કામ પાર્લમેન્ટનું છે.’
જેની સાથે જ સુપ્રીમ કોર્ટે એલજીબીટીક્યુ કપલ્સને બાળકને દત્તક લેવાના અધિકારને પણ ૩:૨ની બહુમતીથી ફગાવી દીધો હતો.
શરૂઆતમાં જ જસ્ટિસ ચન્દ્રચૂડે કહ્યું હતું કે આ મામલે ચાર જજમેન્ટ્સ છે; તેમનું પોતાનું, જસ્ટિસિસ સંજય કિશન કૌલ, એસ, રવીન્દ્ર ભટ અને પી. એસ. નરસિંહાનું. જસ્ટિસ હિમા કોહલી પણ પાંચ જજોની આ બેન્ચમાં સામેલ હતાં.
જસ્ટિસ ભટે જણાવ્યું હતું કે તેઓ કેટલાક મુદ્દે ચીફ જસ્ટિસની સાથે સંમત છે તો કેટલાક મુદ્દે સંમત નથી.
આ મહત્ત્વના મુદ્દે પોતાનો ચુકાદો જાહેર કરતી વખતે ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે હવે સંસદે નક્કી કરવાનું છે કે સ્પેશ્યલ મૅરેજ એક્ટમાં ફેરફાર કરવાની જરૂર છે કે નહીં.
લાઇફ પાર્ટનર પસંદ કરવાનો અધિકાર
જસ્ટિસ ચન્દ્રચૂડે સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું કે મૅરેજ સ્થિર અને બદલી ન શકાય એવી સંસ્થા હોવાનું જણાવવું અયોગ્ય છે. લાઇફ પાર્ટનર પસંદ કરવાની એબિલિટી બંધારણની કલમ ૨૧ હેઠળ જીવન જીવવાના અધિકાર અને આઝાદીનાં મૂળિયાં સુધી જાય છે. લગ્ન કરવાના અધિકારમાં પાર્ટનરની પસંદગીના અધિકાર અને એની માન્યતા સામેલ છે. આવા કોઈ સંબંધને માન્યતા ન આપવામાં આવે એ ગેરબંધારણીય રહે.
ADVERTISEMENT
એલજીબીટીક્યુ કપલ્સ માટે સરકારોને આપવામાં આવ્યા આદેશ
૧) અદાલતે કેન્દ્ર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે એલજીબીટીક્યુ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વીર)ની સાથે કોઈ રીતે ભેદભાવ ન થાય, કેમ કે આ જેન્ડર આઇડેન્ટિટીઝ યુગોથી છે અને એ શહેરો કે એલિટ વર્ગ સુધી મર્યાદિત નથી.
૨) જસ્ટિસ ચન્દ્રચૂડે જણાવ્યું હતું કે અદાલતે સૉલિસિટર જનરલ તુષાર મહેતાના એ સ્ટેટમેન્ટને રેકૉર્ડ કર્યું છે કે કેન્દ્ર સરકાર એલજીબીટીક્યુ કપલ્સના અધિકારો નક્કી કરવા માટે એક કમિટીની રચના કરશે.
૩) પોતાનો ચુકાદો વાંચતાં તેમણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલજીબીટીક્યુ વિશે લોકોને સંવેદનશીલ બનાવવા માટે પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.
૪) મેલ કે ફીમલ બૉડીની ટિપિકલ વ્યાખ્યામાં ફિટ ન બેસતાં બાળકોને ત્યાં સુધી સેક્સ-ચેન્જ ઑપરેશન્સ માટે મંજૂરી ન આપી શકાય કે જ્યાં સુધી તેઓ એની અસરો સંપૂર્ણપણે સમજી ન શકે.
૫) ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાએ પોલીસને એલજીબીટીક્યુ કપલની વિરુદ્ધ તેમની રિલેશનશિપના મામલે એફઆઇઆર દાખલ કરતાં પહેલાં પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.


