અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવ હજી પણ ઓછો નથી થયો ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને અસ્થાયીરૂપે અટકાવી દેવાની ફરજ પડી છે.
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવ હજી પણ ઓછો નથી થયો ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને અસ્થાયીરૂપે અટકાવી દેવાની ફરજ પડી છે. આ પ્રોજેક્ટ હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલાં વેપારી જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવવાનાં હતાં. સાઉદી અરેબિયાએ અમેરિકન ઍરક્રાફ્ટને એનાં ઍરબેઝ અને ઍરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યા પછી ટ્રમ્પે આ નિર્ણય લેવો પડ્યો હતો. અમેરિકન નેવી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજોને સુરક્ષા પૂરી પાડવા માટે રિયાધના દક્ષિણ-પૂર્વમાં આવેલા પ્રિન્સ સુલતાન ઍરબેઝનો ઉપયોગ કરવાની હતી. સાઉદી અરેબિયાએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
ડોનલ્ડ ટ્રમ્પે આ મુદ્દે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી હતી, પરંતુ કોઈ સર્વસંમતિ થઈ શકી નહોતી. આ બાબતે પાકિસ્તાનની ભૂમિકા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ટ્રમ્પે પોતે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર જણાવ્યું હતું કે પાકિસ્તાન અને કેટલાક અન્ય દેશોની વિનંતી પર પ્રોજેક્ટ ફ્રીડમને અસ્થાયીરૂપે અટકાવી દેવામાં આવ્યો છે જેથી અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત કરારને અંતિમ સ્વરૂપ આપી શકાય.
ADVERTISEMENT
ઈરાન પણ નરમ પડ્યું
ઈરાને પણ આ મુદ્દે નરમ પડવાના સંકેત આપ્યા છે. ઈરાનનાં બંદર અને દરિયાઈ સંગઠને જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ અને આસપાસના પાણીમાં કાર્યરત તમામ વેપારી જહાજોને ટેકક્નિકલ, તબીબી અને અન્ય દરિયાઈ સહાય સેવાઓ પૂરી પાડવામાં આવશે. ઈરાનનો ઉદ્દેશ આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગમાં સલામત અને સ્થિર દરિયાઈ ટ્રાફિક સુનિશ્ચિત કરવાનો છે.
