પછી જહાજની ટીમ રેસ્ક્યુ બોટ દ્વારા બન્નેને સહીસલામત પાછી લઈ આવી
ક્રૂઝમાંથી પડી ગયેલી પાંચ વર્ષની દીકરીને બચાવી લેવા રિયલ હીરોની જેમ પિતાએ સમુદ્રમાં કૂદકો માર્યો
બહામાસથી સાઉથ ફ્લૉરિડા પાછી ફરી રહેલી ડિઝની ક્રૂઝ શિપમાંથી પાંચ વર્ષની એક છોકરી પડી જતાં તેના પિતાએ રિયલ હીરોની જેમ શિપના ચોથા ડેક પરથી કૂદકો માર્યો હતો અને તેને બચાવી લીધી હતી. આ પિતાને હવે રિયલ હીરો તરીકે બિરદાવવામાં આવી રહ્યા છે. સાથી મુસાફરોએ ઉતારેલો આ ઘટનાનો વિડિયો પણ હવે વાઇરલ થઈ રહ્યો છે. મુસાફરોના જણાવ્યા અનુસાર બાળકી ખૂબ ઊંચાઈથી સમુદ્રમાં પડી જતાં તેના પિતાએ તરત જ ખુલ્લા પાણીમાં કૂદકો લગાવ્યો હતો. જહાજ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું હતું. જહાજમાં ગભરાટ ફેલાતાં કૅપ્ટને વિશાળ જહાજને પાછું વાળ્યું હતું અને એક રેસ્ક્યુ બોટ તહેનાત કરીને આ પિતા-દીકરીને બચાવવા માટે મોકલી હતી. તાલીમ પામેલા બચાવકર્તાઓએ પિતા અને પુત્રીને બચાવી લીધાં હતાં.
વિડિયો-ક્લિપ્સમાં દેખાય છે કે બચાવકર્તા ટીમ પિતા સુધી પહોંચી ત્યારે પિતાએ તેની પુત્રીને પાણીમાં તરતી વખતે મજબૂત રીતે પકડી રાખી હતી. તેણે રેસ્ક્યુ બોટમાં ચડતાં પહેલાં પોતાની પુત્રીને બચાવકર્તાઓને સોંપી દીધી હતી. બન્નેને સુરક્ષિત રીતે પાછાં જહાજ પર લાવવામાં આવતાં મુસાફરોમાં ખુશી ફેલાઈ ગઈ હતી અને તેઓ હર્ષથી રડી પડ્યા હતા.
ADVERTISEMENT
ડિઝની ક્રૂઝલાઇને એના ક્રૂની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘અમે અમારા ક્રૂ-સભ્યોની અસાધારણ કુશળતા અને ત્વરિત કાર્યવાહી માટે પ્રશંસા કરીએ છીએ. તેમના દ્વારા મિનિટોમાં બન્ને મહેમાનોને જહાજમાં સુરક્ષિત રીતે પાછા લાવ્યાં હતાં.’

