નરેન્દ્ર મોદીનું ઇથિયોપિયામાં ભવ્ય સ્વાગત, આપવામાં આવ્યું દેશનું સર્વોચ્ચ સન્માન ગ્રેટ આૅનર નિશાન આૅફ ઇથિયોપિયા
નરેન્દ્ર મોદીએ સંસદમાં ભાષણ કર્યા પછી તેમને વધાવતા સભ્યો.
ઇથિયોપિયન ગાયકોએ વન્દે માતરમ્ ગાયું ત્યારે વડા પ્રધાન બન્ને હાથ ઉપર કરીને તાળી વગાડવા માંડ્યા
૩ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં નરેન્દ્ર મોદી મંગળવારે ઇથિયોપિયા પહોંચ્યા ત્યારે ઇથિયોપિયાના વડા પ્રધાને અદીસ અબાબા ઍરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદી જૉર્ડનની મુલાકાત પૂર્ણ કર્યા પછી ઇથિયોપિયા પહોંચ્યા હતા. અબી અહમદ અલીએ તેમનું ઔપચારિક સ્વાગત નૅશનલ પૅલેસમાં કર્યું હતું. બન્ને નેતાઓએ નૅશનલ પૅલેસમાં દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. ઇથિયોપિયાના વડા પ્રધાન અબી અહમદ અલીએ મોદીના વિઝનની પ્રશંસા કરીને કહ્યું હતું કે વડા પ્રધાન મોદી હંમેશાં કહે છે કે આફ્રિકા સાથે ભાગીદારી તેમની જરૂરિયાતો પર આધારિત હોવી જોઈએ.
ADVERTISEMENT

ગઈ કાલે નરેન્દ્ર મોદીને ઇથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન આપતા ત્યાંના વડા પ્રધાન અબી અહમદ અલી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ત્યારે તેમની સમક્ષ ઐસા દેશ હૈ મેરા ગીતની રજૂઆત કરવામાં આવી.
ઐસા દેશ હૈ મેરાથી સ્વાગત
નરેન્દ્ર મોદી મંગળવારે ઇથિયોપિયા પહોંચ્યા ત્યારે ભારતીયોએ તેમનું સ્વાગત બૉલીવુડના ગીત ‘ધરતી સુનહરી અંબર નીલા, હર મૌસમ રંગીલા, ઐસા દેશ હૈ મેરા’ ગાઈને કર્યું હતું. એ સમયે ઇથિયોપિયાના વડા પ્રધાન અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અબી અહમદ અલી પણ નૃત્ય કરવા લાગ્યા હતા.
ઇથિયોપિયાનો સર્વોચ્ચ પુરસ્કાર
ઇથિયોપિયાના વડા પ્રધાન અબી અહમદ અલીએ ભારતના નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ પુરસ્કાર ‘ગ્રેટ ઑનર નિશાન ઑફ ઇથિયોપિયા’થી સન્માનિત કર્યા હતા. આનાથી નરેન્દ્ર મોદી આ પુરસ્કાર મેળવનારા કોઈ સરકારના પ્રથમ વૈશ્વિક વડા બન્યા છે. આ એવૉર્ડ મુદ્દે બોલતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વની ખૂબ જ પ્રાચીન અને સમૃદ્ધ સભ્યતા દ્વારા સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.
નરેન્દ્ર મોદીએ ઇથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન ‘ગ્રેટ ઑનર નિશાન ઑફ ઇથિયોપિયા’ ભારતના લોકો વતી નમ્રતાપૂર્વક સ્વીકારીને કહ્યું હતું કે ‘હું તમારી સંસદ, તમારા લોકો અને તમારી લોકશાહીયાત્રા માટે ખૂબ આદર સાથે તમારી પાસે આવું છું. હું ૧.૪ અબજ ભારતીયો તરફથી મિત્રતા, સદ્ભાવના અને ભાઈચારાની શુભેચ્છાઓ પાઠવું છું.’

ઓમાન જવા નીકળેલા નરેન્દ્ર મોદીને ઇથિયોપિયાના વડા પ્રધાન પોતે કાર ચલાવીને મૂકવા આવ્યા હતા.
તાળીઓનો ગડગડાટ
ઇથિયોપિયન સંસદમાં નરેન્દ્ર મોદીના ભાષણ દરમ્યાન એક ઐતિહાસિક દૃશ્ય સર્જાયું હતું. તેમના ભાષણ વખતે પચાસથી વધુ રાઉન્ડ તાળીઓ પાડવામાં આવી હતી અને સૌથી લાંબા સ્ટૅન્ડિંગ ઓવેશનથી સંસદભવન તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું હતું. આ સ્વાગતને ભારત-ઇથિયોપિયા સંબંધોની મજબૂતાઈના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યું છે. સિંહોની ભૂમિ હોવાથી ઘર જેવું લાગે છે
નરેન્દ્ર મોદીએ ઇથિયોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. આ વિશ્વની ૧૮મી સંસદ હશે જ્યાં નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યું હતું. સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે ‘મને ઇથિયોપિયામાં આવીને ખૂબ આનંદ થયો છે. આ સિંહોની ભૂમિ છે. મને અહીં ઘર જેવું લાગે છે, કારણ કે મારું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ છે.’
જ્યારે કરોળિયાનાં જાળાં એક થાય છે ત્યારે એ સિંહને પણ બાંધી શકે છે : ઇથિયોપિયન સંસદમાં નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ બુધવારે અદીસ અબાબામાં ઇથિયોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું જેમાં તેમણે ભારત અને ઇથિયોપિયા વચ્ચેના સ્થાયી સંબંધો અને એકતાની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો. એક સ્થાનિક કહેવતનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે ‘મને કહેવામાં આવ્યું છે કે ઇથિયોપિયામાં એક કહેવત છે કે જ્યારે કરોળિયાનાં જાળાં એક થાય છે ત્યારે તેઓ સિંહને બાંધી શકે છે. ભારતમાં અમે માનીએ છીએ કે જ્યારે હૃદય એક થાય છે ત્યારે પર્વતો પણ રસ્તો આપી દે છે. ખરેખર એકતા એ તાકાત છે અને સહયોગ એ શક્તિ છે. આજે ગ્લોબલ સાઉથનાં રાષ્ટ્રો તરીકે, પ્રાચીન સભ્યતાઓ તરીકે અને મિત્રો તરીકે ભારત અને ઇથિયોપિયા એક સાથે ઊભાં છે.’
ઇથિયોપિયાના વડા પ્રધાને નરેન્દ્ર મોદી માટે આયોજિત કરેલી કૉફી-સેરેમની શું છે?
ઇથિયોપિયાના વડા પ્રધાન અબી અહમદ અલીએ ઍરપોર્ટ પર પરંપરાગત ઇથિયોપિયન કૉફી-સેરેમની સાથે નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. ઇથિયોપિયામાં કૉફી વડીલોનું સન્માન કરે છે અને મહેમાનોને આદરણીય દરજ્જો આપે છે. એકથી બે કલાકની આ પરંપરાગત વિધિમાં કૉફી રોસ્ટ કરવી, ઉકાળવી અને પીરસવી એમ ત્રણ તબક્કાનો સમાવેશ થાય છે અને સામાન્ય રીતે હબેશા કેમિસ તરીકે ઓળખાતા પરંપરાગત સફેદ પોશાક પહેરેલી મહિલાઓ દ્વારા આયોજિત કરવામાં આવે છે.
ઇથિયોપિયન ગાયકોએ વન્દે માતરમ્ રજૂ કર્યું
નરેન્દ્ર મોદીને ઇથિયોપિયાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાના કાર્યક્રમમાં ઇથિયોપિયનોના એક જૂથે નરેન્દ્ર મોદીની હાજરીમાં વન્દે માતરમ્ રજૂ કર્યું હતું. ઇથિયોપિયાની ધરતી પર વન્દે માતરમ્ ગુંજવા લાગ્યું એથી નરેન્દ્ર મોદીએ બન્ને હાથ ઊંચા કરીને તાળીઓ પાડવાનું શરૂ કર્યું હતું અને લોકોના ઉત્સાહને વધાવી લીધો હતો. આ ઘટનાનો એક વિડિયો શૅર કરતાં નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી, એ પણ એવા સમયે જ્યારે આપણે વન્દે માતરમ્નાં ૧૫૦ વર્ષ ઊજવી રહ્યા છીએ.
ઇથિયોપિયા પછી નરેન્દ્ર મોદી ઓમાન પહોંચ્યા: આજે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇથિયોપિયા પછી ગઈ કાલે બે દિવસની મુલાકાતે ઓમાન પહોંચ્યા હતા. ઍરપોર્ટ પર તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડા પ્રધાને ઓમાનના સંરક્ષણ બાબતોના નાયબ વડા પ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સૈદ સાથે મુલાકાત કરી હતી. નરેન્દ્ર મોદી આજે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ બેઠક દરમ્યાન બન્ને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરારથી ભારતનાં કાપડ, ફુટવેઅર, ઑટોમોબાઇલ, જેમ્સ ઍન્ડ જ્વેલરી, રિન્યુએબલ ઊર્જા અને ઑટો કમ્પોનન્ટ્સ જેવાં ક્ષેત્રોને સીધો ફાયદો થશે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે આ કરાર ભારત માટે ઘણાં ક્ષેત્રોમાં નોંધપાત્ર તકો લાવશે. નરેન્દ્ર મોદીની મુલાકાત ભારત અને ઓમાન વચ્ચેના રાજદ્વારી સંબંધોની ૭૦મી વર્ષગાંઠના અવસરે થઈ રહી છે. તેઓ ઓમાનમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.


