પાછા ફરેલા નાગરિકોએ સરકારનો આભાર માન્યો, હજી ૯૦૦૦ ભારતીયો ઈરાનમાં છે
ગઈ કાલે દિલ્હી ઍરપોર્ટ પર ઈરાનથી આવેલો ભારતીય.
ખામેનેઈ શાસન વિરુદ્ધ હિંસક વિરોધ-પ્રદર્શનો ફાટી નીકળ્યા બાદ ઈરાનથી ભારતીયોને લઈને પહેલી બે કમર્શિયલ ફ્લાઇટ્સ શુક્રવારે મોડી રાત્રે દિલ્હી પહોંચી હતી. આ નિયમિત ફ્લાઇટ્સ હતી અને કોઈ પણ સ્થળાંતર પ્રયાસનો ભાગ નહોતી. જોકે ભારત સરકાર કોઈ પણ સંભવિત પરિસ્થિતિ માટે તૈયાર છે. એણે અગાઉ એના નાગરિકોને ઈરાનની બિનઆવશ્યક મુસાફરી ન કરવાની ચેતવણી આપી હતી. ભારત ઈરાનની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને એનું નિરીક્ષણ કરી રહ્યું છે, કારણ કે ત્યાં ૯૦૦૦થી વધુ ભારતીય નાગરિકો રહે છે.
ભારતમાં પાછા ફરેલા નાગરિકોએ કટોકટી દરમ્યાન સરકારની સહાય બદલ આભાર માન્યો હતો. તેહરાનમાં ભારતીય દૂતાવાસે સલાહ જાહેર કરી હતી અને ઈરાનથી બહાર કાઢવા માટે ભારતીય યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સંપર્કમાં હતું.
ADVERTISEMENT
૧૫ જાન્યુઆરીએ વધતા તનાવ વચ્ચે ઈરાની હવાઈક્ષેત્ર થોડા સમય માટે બંધ થવાને કારણે ભારતથી આવતી કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. પરિસ્થિતિ હવે સામાન્ય થઈ રહી હોય એવું લાગે છે. જોકે ઈરાન પર હવાઈ ટ્રાફિક ફરી શરૂ થતાં ઘણા ભારતીયોએ પાછા ફરવાનું પસંદ કર્યું.
ઈરાનથી પાછી ફરેલી એક મેડિકલ સ્ટુડન્ટે કહ્યું હતું કે ‘મેં વિરોધ-પ્રદર્શનો વિશે સાંભળ્યું હતું, પરંતુ ક્યારેય આવું કોઈ આંદોલન જોયું નહોતું. ઈરાનમાં ઇન્ટરનેટ પણ બંધ હતું.’
એક મહિનાથી ઈરાનમાં રહેલા અન્ય એક ભારતીય નાગરિકે કહ્યું હતું કે ‘મને છેલ્લાં બે અઠવાડિયાંથી જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. અમે જ્યારે બહાર જતા ત્યારે પ્રદર્શનકારીઓ અમારી કારની સામે આવી જતા. તેઓ થોડી મુશ્કેલી ઊભી કરતા. ત્યાં ઇન્ટરનેટ નહોતું તેથી અમે અમારા પરિવારોને જાણ કરી શક્યા નહીં અને અમે થોડા ચિંતિત હતા. અમે દૂતાવાસનો સંપર્ક પણ કરી શક્યા નહીં.’
કામ માટે ઈરાન ગયેલા એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરે કહ્યું હતું કે ‘પરિસ્થિતિ હવે સુધરી છે. જોકે હવે નેટવર્ક એકમાત્ર સમસ્યા છે. લોકો ચિંતિત હતા, પરંતુ હવે તેહરાનમાં પરિસ્થિતિ સામાન્ય છે. આગચંપી થતી હતી, વિરોધ ખતરનાક હતો. જોકે શાસનને ટેકો આપનારાઓની તુલનામાં વિરોધીઓ ઓછા હતા.’
ડિસેમ્બરના અંતમાં ઈરાનમાં હિંસક કાર્યવાહીમાં લગભગ ૩૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઇસ્લામિક રિપબ્લિક સામે પોતાનું આક્રમક વલણ છોડી દેતાં હવે પરિસ્થિતિમાં સુધારો થયો હોય એવું લાગે છે.


