નવાઝ શરીફે જીતનો દાવો કર્યો : ઇમરાન ખાનના પક્ષનો આક્ષેપ છે કે મતગણતરીમાં ગરબડ થઈ છે
નવાઝ શરીફ
પાકિસ્તાનની ચૂંટણીમાં કોનો વિજય થયો એ વિશે જ ગઈ કાલે મોડી રાત સુધી કન્ફ્યુઝન હતું. છેક બપોર સુધી ઇમરાન ખાનનો પાકિસ્તાન તહેરીક - એ- ઇન્સાફ સહેલાઈથી ચૂંટણી જીતી જશે એવું લાગતું હતું પણ સાંજ પછી મતગણઝવરતરીમાં ભારે ગોલમાલના આક્ષેપો વચ્ચે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે ચૂંટણીમાં વિજયની જાહેરાત કરીને કહ્યું હતું કે, પોતાનો પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝ (પીએમએલ-એન) ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ તરીકે બહાર આવ્યો છે અને પાકિસ્તાનના પુન: નિર્માણ માટે અન્ય પક્ષોએ તેની સાથે હાથ મીલાવવા જોઈએ.
પાકિસ્તાનના લશ્કરે નવાઝ શરીફને જીતાડવા અને ઇમરાન ખાનને હરાવવા માટે પૂરું જોર લગાડી દીધું હોવા છતાં ચૂંટણી પંચના આંકડાઓ મુજબ મોટા ભાગની બેઠકો પર શરીફના ઉમેદવારો ઇમરાન ખાનના પક્ષના ઉમેદવારોથી મતગણતરીમાં પાછળ હતા. જોકે લાહોરમાં નવાઝ શરીફ જીતી ગયા હતા.
ADVERTISEMENT
જેલમાં રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના પક્ષે પણ ચૂંટણીમાં વિજયનો દાવો કર્યો હતો અને સાથોસાથ એવો આક્ષેપ કર્યો હતો કે પરિણામમાં ગોલમાલ થયાં છે એ માટે જ પરિણામો જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પક્ષે પીએમએલ-એનના વડા નવાઝ શરીફને પરાજય સ્વીકારવા માટે પણ જણાવ્યું હતું. શક્તિશાળી લશ્કરનો ટેકો ધરાવતા શરીફ ચૂંટણી જીતવા માટે ફેવરિટ છે.
પીએમએલ-એને જોકે આ માગણી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે ગુરુવારની ચૂંટણીમાં પોતાનો વિજય થયો છે.
ગુરુવારની સામાન્ય ચૂંટણી બાદ પાકિસ્તાનમાં મતગણતરી ચાલી રહી છે. ચૂંટણીમાં ગોલમાલના આક્ષેપ કરવામાં આવ્યા હતા. હિંસાના છૂટાછવાયા બનાવ બન્યા હતા અને દેશભરમાં મોબાઇલ ફોન બંધ કરવામાં આવ્યા હતા.
ચૂંટણી જંગમાં બારેક પક્ષો છે, પરંતુ મુખ્ય સ્પર્ધા તહરીક-એ-ઇન્સાફ, શરીફના મુસ્લિમ લીગ અને બિલાવલ ઝરદારી ભુત્તોના પકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે છે. તહરીક-એ-ઇન્સાફ પક્ષે જણાવ્યું હતું કે પોતે ટેકો આપેલા ઉમેદવાર ભારે બહુમતીથી વિજયી થઈ રહ્યા છે. સ્વતંત્ર રિપોર્ટ અનુસાર તહરીક-એ-ઇન્સાફ પક્ષ નૅશનલ ઍસેમ્બલીની ૧૫૦ બેઠકો પર વિજયી થશે.