આતંકવાદીઓએ ૩૦ મિનિટ સુધી સતત ગોળીબાર કરતાં પહેલાં બ્લાસ્ટ કર્યો હતો. આ વિસ્ફોટકથી ગાડીનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.
ખૈબર પખ્તૂનખ્વા
નવી દિલ્હી : પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ વચ્ચે ગઈ કાલે બપોરે એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ખૈબર પખ્તૂનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના કુલાચીમાં પોલીસની મોબાઇલ વૅનને નિશાન બનાવી હતી. આતંકીઓએ પ્રથમ આઇઈડી બ્લાસ્ટ કર્યો હતો અને બાદમાં ભારે ગોળીબાર કર્યો હતો.
મળતી માહિતી મુજબ પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વામાં થયેલા આતંકવાદી હુમલામાં પાંચ પોલીસોનાં મોત થયાં હતાં અને અન્ય બે પોલીસો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ ૩૦ મિનિટ સુધી સતત ગોળીબાર કરતાં પહેલાં બ્લાસ્ટ કર્યો હતો. આ વિસ્ફોટકથી ગાડીનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ચૂંટણીમાં અત્યારે એવું મનાઈ રહ્યું છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પાર્ટી આ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવે એવી શક્યતા છે, કારણ કે એને લશ્કરનું સમર્થન મળ્યું છે.