આતંકવાદીની ભાષા બોલવા લાગ્યા પાકિસ્તાની સૈન્ય અધિકારી
પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરી
પાકિસ્તાનની સેના પર સતત આતંકવાદી સંગઠનોને પોષવાનો આરોપ મૂકવામાં આવે છે. હવે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાના વડા હાફિઝ સઈદની ભાષા બોલતા જોવા મળે છે.
પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ પાકિસ્તાનની એક યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમ્યાન તેમણે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું અને કહ્યું, ‘જો તમે અમારું પાણી રોકશો તો અમે તમારા શ્વાસ રોકીશું.’ આ નિવેદનને ભારત દ્વારા સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આ કડક પગલું ભર્યું હતું. પાકિસ્તાની સૈન્ય અધિકારીનું આ નિવેદન બિલકુલ આતંકવાદી હાફિઝ સઈદના જૂના નિવેદન જેવું છે જેણે કહ્યું હતું કે ‘જો તમે પાણી બંધ કરશો તો ઇન્શાઅલ્લાહ, અમે તમારા શ્વાસ બંધ કરી દઈશું અને પછી આ નદીઓમાં લોહી વહેશે.’


