Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: લાહોરમાં બંધાઈ રહેલા બિલ્ડિંગમાં ટ્યુશન સેન્ટરની છત પડી, ૧૪ બાળકોએ જીવ ગુમાવ્યો

ન્યૂઝ શોર્ટમાં: લાહોરમાં બંધાઈ રહેલા બિલ્ડિંગમાં ટ્યુશન સેન્ટરની છત પડી, ૧૪ બાળકોએ જીવ ગુમાવ્યો

Published : 02 July, 2026 06:47 AM | Modified : 02 July, 2026 10:12 AM | IST | Lahore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાતથી ૧૩ વર્ષની વયનાં ત્રીસથી વધુ બાળકો ક્લાસમાં ભણી રહ્યાં હતાં ત્યારે છત અચાનક તૂટી પડી અને બાળકો કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં.

દુર્ઘટના જ્યાં બની હતી એ સ્થળનું દૃશ્ય

દુર્ઘટના જ્યાં બની હતી એ સ્થળનું દૃશ્ય


પાકિસ્તાનના લાહોરમાં ગઈ કાલે એક બંધાઈ રહેલા બિલ્ડિંગમાં કાર્યરત ખાનગી ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થતાં ઓછામાં ઓછા ૧૪ બાળકોએ જીવ ગુમાવ્યા હતા અને ૨૦ અન્ય ઘાયલ થયા હતા. લાહોર પોલીસે જણાવ્યું હતું કે ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલી ઍકૅડેમીમાં સાતથી ૧૩ વર્ષની વયનાં ત્રીસથી વધુ બાળકો ક્લાસમાં ભણી રહ્યાં હતાં ત્યારે છત અચાનક તૂટી પડી અને બાળકો કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં.

નેરુળ રેલવે-સ્ટેશન નજીક ઓવરહેડ વાયર તૂટી પડ્યો, એક કલાક ટ્રેનો ખોરવાઈ



હાર્બર લાઇન પર નેરુળ રેલવે-સ્ટેશન નજીક બુધવારે વહેલી સવારે ઓવરહેડ વાયર તૂટી પડતાં હાર્બર રેલવે લગભગ એક કલાક સુધી ઠપ રહી હતી. વહેલી સવારે ૪.૫૨ વાગ્યે તૂટેલા ઓવરહેડ વાયરને એકાદ કલાક બાદ ૫.૪૫ વાગ્યે રિપેર કરી દેવાયો હતો. જોકે એટલા સમય સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ જતી બધી જ ટ્રેનો સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. ઓવરહેડ વાયર રિપેર થયા બાદ ફરીથી હાર્બર લાઇન પરનો ટ્રેન-વ્યવહાર સરળ રીતે ચાલુ હતો. આ ઘટના વહેલી સવારે બની હોવાથી પીક અવર્સ દરમ્યાન પ્રવાસીઓને વધુ સમસ્યાનો સામનો કરવો પડ્યો નહોતો.


મુંબ્રામાં બિલ્ડિંગની બાલ્કની તૂટી પડી, ચાર કુટુંબને ઉગારી લેવાયાં

મુંબ્રામાં મંગળવારે રાતે એક બિલ્ડિંગની બાલ્કની તૂટી પડવાની ઘટના બની હતી. હીના કૉટેજમાં બનેલી આ ઘટનામાં ચાર કુટુંબને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં તથા ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નહોતી. થાણેના ​રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગના પહેલા માળની બાલ્કનીનો સ્લૅબ તૂટી પડ્યો હતો. આ બિલ્ડિંગને અનસેફ જાહેર કરીને અહીં રહેતા ચારેય પરિવારને તાત્પૂરતા તેમના સંબંધીઓના ઘરે રહેવાની સલાહ અપાઈ છે. આ ઉપરાંત થાણેમાં એક રીટેનિંગ વૉલ તૂટી પડવાની અને જમીનમાં ગાબડું પડવાની અન્ય બે ઘટના પણ બની હતી, જેમાં કોઈને ઈજા પહોંચી નહોતી.


પાલઘરમાં MIDCમાં જોરદાર બ્લાસ્ટ, બે કિલોમીટર દૂર સુધી સંભળાયો ધડાકો

પાલઘરના બોઇસરમાં આવેલી તારાપુર મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)ની ફૅક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે એનો અવાજ બે કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. કેમિકલને કારણે આગ વિકરાળ બની હતી. ધડાકાભેર લાગેલી આગ અને ધુમાડાને કારણે આખા વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
આ બ્લાસ્ટ કેમેટ ઇન્ડસ્ટ્રીઝની કેમિકલ ફૅક્ટરીના રીએક્ટરમાં થયો હતો, જેને કારણે બે કામદાર ગંભીર રીતે જખમી થયા હતા. 

ઘોડબંદર રોડ પર ચાલતા ટેમ્પોમાં આગ લાગી, ડ્રાઇવર સમયસર કૂદીને બચ્યો

થાણે (વેસ્ટ)માં ઘોડબંદર રોડ પર બુધવારે વહેલી સવારે નટ અને બોલ્ટ લઈ જતો ટેમ્પો વાઘબીળ પુલ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ ટેમ્પોના ડ્રાઇવર ફિરોઝ શાહે તરત જ ટેમ્પો ઊભો રાખીને એમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલને આ ઘટનાની જાણ સવારે ૬.૪૦ વાગ્યે થઈ હતી, ત્યાર બાદ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનાના કારણે થોડા કલાકો સુધી ટ્રાફિક થોભાવી દેવાયો હતો. 

માનસિક તાણમાં પુણેથી મુંબઈ પહોંચેલી ટીનેજરને પોલીસે ૯૦ મિનિટમાં શોધી કાઢી

પુણેની સાંગવી પોલીસે ટેક્નિકલ તપાસ અને ત્વરિત સંકલનના જોરે ગુમ થયેલી ૧૭ વર્ષની ટીનેજરને ફરિયાદ મળ્યાના માત્ર ૯૦ મિનિટમાં મુંબઈના દાદર વિસ્તારમાંથી હેમખેમ શોધી કાઢીને પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. આ ટીનેજર માનસિક તાણના કારણે સોમવારે સાંજે કોઈને કહ્યા વગર મુંબઈ જતી રહી હતી. પરિવારે શોધખોળ બાદ રાત્રે ૯.૩૦ વાગ્યે સાંગવી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેનું મોબાઇલ લોકેશન દાદર વિસ્તારનું મળતાં જ મુંબઈની ભોઈવાડા પોલીસને અલર્ટ કરવામાં આવી હતી, જેણે રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં ટીનેજરને સુરક્ષિત તાબામાં લઈ લીધી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને સાંગવી પોલીસની ટીમ તેને પુણે પરત લાવી હતી અને પરિવારજનોએ પોલીસની આ પ્રશંસનીય અને ત્વરિત કામગીરી બદલ આભાર માન્યો હતો.

જેટ ફ્યુઅલના ભાવમાં પણ ઘટાડો: હવાઈ મુસાફરી હવે સસ્તી થઈ શકે

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઑઇલના ભાવમાં ગઈ કાલે ઘટાડો થયા બાદ જેટ ફ્યુઅલ અથવા તો એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં આશરે પાંચ રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કરવામાં આવ્યો છે, આનાથી હવે દિલ્હીમાં એની કિંમત લગભગ ૧૧૦ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. બલ્કમાં જેટ ફ્યુઅલની કિંમત ૧.૧૫ લાખ રૂપિયા પ્રતિ કિલોલીટરથી ઘટાડીને ૧.૧૦ લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર કરવામાં આવી છે. આ બદલાવથી વિમાની કંપનીઓના ખર્ચમાં ઘટાડો થશે અને તેથી ભાડાં પણ ઘટી શકે છે.

મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર ક્રાઇમ બ્રાન્ચે નષ્ટ કર્યું ૩૨૬ કિલો ડ્રગ્સ

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઇમ બ્રાન્ચે નશાના કારોબારીઓ વિરુદ્ધ એક મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ દરોડા અને ગુનાઓમાં જપ્ત કરેલા અંદાજે ૨૩૮.૧૮ કરોડનાં ભારે માત્રામાં ડ્રગ્સ અને કેમિકલના જથ્થાને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો છે. પોલીસ પ્રશાસન દ્વારા લેવાયેલા આ કડક પગલાથી ડ્રગ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ આખી કાર્યવાહી વસઈ-વિરારના પોલીસ કમિશનર નિકેત કૌશિકના માર્ગદર્શન હેઠળ તળોજા ખાતે આવેલા એક સ્પેશ્યલ પ્લાન્ટમાં રાખવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે કુલ ૬૭ જેટલા કેસોમાં જપ્ત કરાયેલું ૩૨૬.૫૫૯ કિલોગ્રામ તૈયાર ડ્રગ્સ અને આશરે ૧૫૪૧.૩૫૬ કિલોગ્રામ જેટલો નશીલા પદાર્થો બનાવવાનો કાચો માલ (રો મટિરિયલ) સળગાવીને ખાખ કરી દીધો છે. આ કાર્યવાહી દરમ્યાન કાયદાકીય માપદંડો અને પર્યાવરણ સુરક્ષાના નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

અફઘાનિસ્તાનનો પાકિસ્તાનમાં ISISનાં ઠેકાણાંઓ પર હુમલો

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે તેમની ઍરફોર્સે પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં કથિત ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક ઍન્ડ સિરિયા (ISIS)નાં ઠેકાણાંઓ પર હવાઈ હુમલા કર્યા હતા અને દાવો કર્યો હતો કે આ સ્થળોનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં નાગરિકો સામે હુમલાઓની યોજના બનાવવા માટે થઈ રહ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે એ પણ ભાર મૂક્યો હતો કે અફઘાનિસ્તાનની સુરક્ષાને નબળી પાડવા માટે ઉપયોગમાં લેવાતા કોઈ પણ સ્થાનને નિશાન બનાવવામાં આવશે, અમે એ દરેક સ્થાનને નિશાન બનાવીશું જે અમારી સુરક્ષા માટે ખતરો ઊભો કરે છે.

વલસાડમાં નૅશનલ હાઇવે પર કન્ટેનર ટ્રકમાં ભીષણ આગ

નૅશનલ હાઇવે-48 પર બુધવારે વલસાડ નજીક સોનવાડા ગામ પાસે એક કન્ટેનર ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ટીમે તુરંત ઘટનાસ્થળે દોડીને કન્ટેનર પર સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. ભયાનક ઘટનાને પગલે હાઇવેના આ રૂટ પર થોડો સમય માટે ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાઈ હતી.

વારાણસીમાં રોડ પહોળો કરવા માટે પાંચ મસ્જિદનું ડિમોલિશન 

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દાલ મંડી વિસ્તારમાં રસ્તો પહોળો કરવામાં અવરોધરૂપ થતાં બાંધકામોને તોડવામાં આવી રહ્યાં છે અને ગઈ કાલે સવારે જાહેર બાંધકામ વિભાગ, સુધરાઈ અને વારાણસી ડેવલપમેન્ટ ઑથોરિટીની દેખરેખ હેઠળ પાંચ મસ્જિદોને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દાલ મંડી પહોળાઈ પ્રોજેક્ટ હેઠળ ૧૮૧ ઘરો અને ૬ મસ્જિદો તોડી પાડવામાં આવનાર છે. અત્યાર સુધીમાં ૧૬૨ ઘરો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને એમાંથી ૮૦ ઘરો સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યાં છે.

૧૦૧ વર્ષના સ્વાતંયસેનાની કૉક્રૉચ જનતા પાર્ટીનાં ધરણાંમાં જોડાયા

જંતરમંતર ખાતે કૉક્રોચ જનતા પાર્ટી (CJP)નો વિરોધ ગઈ કાલે બારમા દિવસમાં પ્રવેશ્યો હતો અને ગઈ કાલે ૧૦૧ વર્ષના સ્વાતંયસેનાની પંડિત રામ કિશને વિરોધ-પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને સ્થળ પર ભાગ લેનારાઓ સાથે વાતચીત કરી હતી. તેમણે આ વિરોધ-પ્રદર્શનને પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો અને પોતાના વિચારો માંડ્યા હતા. આ સમયે પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓ ૨૦ જૂનથી કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી માટે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. આ મુદ્દે CJPના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારી સાથે પ્રશાંત ભૂષણ અને ૧૦૧ વર્ષના સ્વાતંયસેનાની, ભૂતપૂર્વ વિધાનસભ્ય અને સંસદસભ્ય પંડિત રામ કિશન જોડાયા છે. ન્યાય માટેની આ લડાઈમાં તેમના સમર્થન બદલ અમે તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ અને ટ્રક વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગમાં ૮ જણનાં મોત

રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બુધવારે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ-અકસ્માત સર્જાયો હતો. ઉત્તરાખંડના હૃષીકેશથી મધ્ય પ્રદેશના ઇન્દોર જઈ રહેલી હંસ ટ્રાવેલ્સની એક લક્ઝરી બસ આગળ ચાલી રહેલા એક ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ નિયંત્રણ ગુમાવીને રોડકિનારે આવેલા ખાડામાં ખાબકી હતી અને જોતજોતાંમાં બસના પાછળના ભાગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક દુર્ઘટનામાં ૮ મુસાફરોનાં કરુણ મોત થયાં હતાં, જેમાંથી પાંચ લોકો આગની જ્વાળાઓમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 10:12 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK