ભારતે અમેરિકાની અમુક પ્રોડક્ટ્સ પરની વધારાની ડ્યુટી હટાવી અને વધુ સમાચાર
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનમાં હિન્દુ પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, અનેકને ઇજા
કાશ્મોર: પાકિસ્તાન સિંધ પ્રાંતના કાશ્મોર જિલ્લામાં પોલીસના લાઠીચાર્જ બાદ ઘણા પ્રદર્શનકારીઓને ગંભીર ઈજા થઈ હતી. કાંધકોટના કાછા વિસ્તારમાં ડાકુઓ દ્વારા બંધક બનાવાયેલા લોકોને છોડાવામાં નિષ્ફળ પોલીસ વિરુદ્ધ દેખાવ કરવામાં આવ્યો હતો. બુધવારે થયેલા આ વિરોધમાં મોટા ભાગના હિન્દુ પ્રદર્શનકારી હતા. સોશ્યલ મીડિયામાં શૅર કરાયેલા ફોટોઝ અને વિડિયોમાં પ્રદર્શનકારીઓના માથા અને ગળાના ભાગે થયેલી ઈજામાંથી લોહી નીકળતું જોઈ શકાય છે. કાંધકોટ અને કાશ્મોર જિલ્લામાં પ્રદર્શનકારીનું એક મોટું જૂથ અપહરણનો વિરોધ કરવા જઈ રહ્યું હતું. આ વિસ્તારમાં છેલ્લા પાંચ માસમાં સોથી વધુ લોકોનું અપહરણ થયું છે. એક સ્થાનિક રિપોર્ટરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘આ વિસ્તારમાં છેલ્લા પાંચ માસમાં ૧૦૦ લોકોનું અપહરણ થયું છે. આમાં હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકોને બંધક બનાવાયા હતા. આમાં પઠાણ, સિંધી, પંજાબી અને બલૂચ લોકો પણ હતા જેમનું ખંડણી હેતુ અપહરણ કરાયું હતું. લોકોએ ભયના માર્યા તેમનાં બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે. પોલીસના લાઠીચાર્જ છતાં પ્રદર્શનકારીઓએ વિરોધનો અંત કરવાની ના પાડી હતી. કાશ્મોર જિલ્લામાં રહેતા મોટા પ્રમાણમાં હિન્દુ વેપારીઓ આ ડાકુઓના ઈઝી ટાર્ગેટ બનતા હોય છે. હવે જિલ્લાનાં બજારો પણ બંધ કરી દેવાયાં છે.
ADVERTISEMENT
જપાનમાં એચઆઇઆઇ-એ રૉકેટ લૉન્ચ કરવામાં આવ્યું હતું

તસવીર : પી.ટી.આઇ.
જપાન: જપાનના કાગોશિમાના તાનેગાશિમામાં આવેલા સ્પેસ સેન્ટરના લૉન્ચ પૅડ પરથી ગઈ કાલે એચઆઇઆઇ-એ રૉકેટ લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં એક એક્સ-રે ટેલિસ્કોપ છે જે બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે તપાસ કરશે. આ ઉપરાંત એમાં એક ચંદ્રની સપાટી પર શોધખોળ માટે લૅન્ડર પણ છે.
ભારતે અમેરિકાની અમુક પ્રોડક્ટ્સ પરની વધારાની ડ્યુટી હટાવી
નવી દિલ્હી: ભારતે અમેરિકાની લગભગ ૬ પ્રોડક્ટ્સ પરથી વધારાની ડ્યુટી હટાવી લીધી છે; જેમાં ચણાદાળ, મસૂર અને સફરજન સામેલ છે. ચોક્કસ સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર ટૅરિફ વધારવાના અમેરિકાના નિર્ણયના જવાબમાં આ વધારાની ડ્યુટી ૨૦૧૯માં લાદવામાં આવી હતી. ભારતે અમેરિકાના પગલાના જવાબમાં ૨૦૧૯માં અમેરિકાની ૨૮ પ્રોડક્ટ્સ પર આ ડ્યુટી લાદી હતી. નાણાં મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે ચણાદાળ, મસૂર, સફરજન, અખરોટ અને બદામ પરની ડ્યુટી હટાવવામાં આવી છે.


