જેસિંડા અર્ડર્ને રાજીનામાની જાહેરાત કરીને આ દેશના લોકોને ચોંકાવી દીધા, ભારતમાં નૈતિકતાના આધારે રાજીનામું આપનારા પ્રથમ નેતા શાસ્ત્રીજી હતા

ન્યુ ઝીલૅન્ડનાં વડા પ્રધાન જેસિંડા અર્ડર્ન
વેલિંગ્ટનઃ ન્યુ ઝીલૅન્ડનાં વડા પ્રધાન જેસિંડા અર્ડર્ને ગઈ કાલે રાજીનામાની જાહેરાત કરીને આ દેશના લોકોને ચોંકાવી દીધા હતા. ૪૨ વર્ષનાં આ નેતાએ કુદરતી હોનારતો, કોરોનાની મહામારી અને આ દેશમાં સૌથી ભયાનક આતંકવાદી હુમલા જેવી કટોકટીના સમયે દેશનું સુકાન સંભાળ્યું હતું. જોકે તેમણે જણાવ્યું છે કે તેમની પાસે હવે નેતૃત્વ કરવા માટે પૂરતી એનર્જી રહી નથી.
લેબર પાર્ટીના મેમ્બર્સને એક મીટિંગમાં તેમણે કહ્યું હતું કે ‘હું એક માણસ છું. આપણે શક્ય એટલા સમયગાળા સુધી શક્ય હોય એ બધું જ કરીએ છીએ. મારા માટે હવે સમય આવી ગયો છે.’
તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ ઑક્ટોબરમાં યોજાનારી સામાન્ય ચૂંટણી નહીં લડે. સત્તાની લાલચથી ભરપૂર માહોલમાં આ પ્રકારનો નિર્ણય લેવો અસામાન્ય છે. એટલા માટે જ જેસિંડાની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.
અર્ડર્ને કહ્યું હતું કે તેઓ મોડામાં મોડા સાતમી ફેબ્રુઆરી સુધી રાજીનામું આપી દેશે. તેમની બીજી મુદ્દત માટે ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યાને ત્રણ વર્ષ કરતાં ઓછા સમયમાં તેઓ રાજીનામું આપવા જઈ રહ્યાં છે. અર્ડર્ને કહ્યું હતું કે ‘હું માનું છું કે દેશનું સુકાન સંભાળવું એ સૌથી સૌભાગ્યશાળી કામગીરી છે, પરંતુ સાથે જ એ ખૂબ જ પડકારજનક પણ છે. જો તમારામાં પૂરેપૂરી એનર્જી હોય અને એટલું જ નહીં, અણધાર્યા પડકારોનો સામનો કરવા માટે થોડી રિઝર્વ એનર્જી હોય તો જ તમારે આ પદે રહેવું જોઈએ.’
આ પણ વાંચો : ન્યુઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડર્ન આવતા મહિને આપશે રાજીનામું, આપ્યું આ કારણ
રેલ અકસ્માતો બાદ લાલ બહાદુર શાસ્ત્રીએ રાજીનામું ધરી દીધું હતું
ભારતમાં નૈતિકતાના આધારે રાજીનામું આપનારા સૌપ્રથમ નેતા લાલ બહાદુર શાસ્ત્રી હતા. વાત ૧૯૫૬ની છે. એ સમયે મહબૂબનગરમાં રેલવે અકસ્માતમાં ૧૧૨ જણનાં મોત નીપજ્યાં હતાં. એ સમયે રેલવેપ્રધાન શાસ્ત્રી હતા. તેમણે કોઈ જાતના પ્રેશર વિના રાજીનામાની જાહેરાત કરી હતી. જોકે એ સમયના પીએમ જવાહરલાલ નેહરુએ તેમના રાજીનામાને સ્વીકાર્યું નહોતું. ત્રણ મહિના પછી વધુ એક ઘટના બની. અરિયાલુરમાં રેલવે અકસ્માતમાં ૧૪૪ જણ મૃત્યુ પામ્યા હતા. શાસ્ત્રીએ અનુભવ્યું કે રેલવેપ્રધાન તરીકે હવે નૈતિક રીતે તેમણે આ પદ પર ન રહેવું જોઈએ એટલે તેમણે ફરી રાજીનામું આપ્યું હતું. એ સમયે નેહરુએ કહ્યું હતું કે તેઓ આ વખતે લાલબહાદુર શાસ્ત્રીનું રાજીનામું એટલા માટે સ્વીકારી રહ્યા છે કે દેશમાં એક ઉદાહરણ સ્થાપી શકાય. શાસ્ત્રી કોઈ પણ રીતે આ અકસ્માત માટે જવાબદાર નથી.