નેસ્લેએ જાહેર કરેલી નોટિસમાં કહ્યું હતું કે આ એમનું સ્વૈચ્છિક પ્રોડક્ટ રીકૉલ છે.
પ્રતીકાત્મક તસવીર
વિશ્વની સૌથી મોટી ફૂડ-કંપની નેસ્લેએ લગભગ ૧૧ દેશોમાંથી બેબી ફૉર્મ્યુલા પ્રોડક્ટ્સના આખા બૅચને રીકૉલ કરવાની જાહેરાત કરી છે. આ પગલું સેરેઉલાઇડ નામના એક સંભવિત ઝેરીલા પદાર્થની હાજરીની આશંકાને કારણે લેવામાં આવ્યું છે. આ પદાર્થ બૅક્ટેરિયાના કેટલાક અંશો દ્વારા પેદા થાય છે. નેસ્લેની પ્રોડક્ટ્સ બ્રિટન, આયરલૅન્ડ, ફ્રાન્સ, જર્મની, ઑસ્ટ્રિયા, ઇટલી, ડેન્માર્ક, ફિનલૅન્ડ, નૉર્વે અને સ્વિટ્ઝરલૅન્ડ જેવા દેશોમાંથી પાછી મગાવવામાં આવી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે સેરેઉલાઇડ નામનું દ્રવ્ય બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ પેદા કરી શકે છે. એના સેવનથી ઝાડા-ઊલટી અને પેટમાં મરોડ જેવાં લક્ષણો દેખાઈ શકે છે. આ પદાર્થ ઊંચા તાપમાને પણ નાશ નથી પામતો એટલે બાળકોનું દૂધ વાપરતી વખતે ગરમ પાણીમાં નાખવાથી કે ઉકાળવાની પ્રક્રિયાથી પણ નષ્ટ નથી થતો. નેસ્લેએ જાહેર કરેલી નોટિસમાં કહ્યું હતું કે આ એમનું સ્વૈચ્છિક પ્રોડક્ટ રીકૉલ છે.


