જેમની સાથે ભારતના વ્યાપક સંબંધો છે એવા ત્રણ દેશોની મુલાકાતે નરેન્દ્ર મોદી
ગઈ કાલે જૉર્ડનની રાજધાની અમ્માનના ઍરપોર્ટ પર નરેન્દ્ર મોદીને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું એ સમયે તેમની સાથે જૉર્ડનના વડા પ્રધાન જાફર હસન. અમ્માનના શાહી હુસૈનિયા મહેલમાં કિંગ અબદુલ્લા સાથે નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે ૩ દેશોની મુલાકાતે જવા નીકળ્યા હતા. આ વખતે તેમની યાદીમાં જૉર્ડન, ઇથિયોપિયા અને ઓમાનનો સમાવેશ છે. ગઈ કાલે દિલ્હીમાં ફૉગને કારણે નરેન્દ્ર મોદીએ પણ તેમનો મૂળ ડિપાર્ચર-ટાઇમ બદલીને સમય થોડોક મોડો કરવો પડ્યો હતો. જતાં પહેલાં તેમણે કહ્યું હતું કે ‘આ વખતે એવા ૩ દેશોની યાત્રાએ નીકળી રહ્યો છું જેમની સાથે ભારતના વ્યાપક સમકાલીન દ્વિપક્ષીય સંબંધો જૂના તો છે જ, સાંસ્કૃતિક પણ છે.’
સૌથી પહેલાં સોમવારે તેઓ જૉર્ડન પહોંચ્યા હતા, જ્યાં જૉર્ડનના વડા પ્રધાન જાફર હસને ઍરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. જૉર્ડનની રાજધાની અમ્માનમાં નરેન્દ્ર મોદીનું ગાર્ડ ઑફ ઑનર સાથે સ્વાગત થયું હતું. હોટેલ પર પહોંચ્યા પછી તેમણે હંમેશ મુજબ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. ભારતનો તિરંગો લઈને આવેલા લોકો સાથે તેમણે અનૌપચારિક વાતચીત કરી હતી. ભારતીય સંસ્કૃતિની ઝલક દેખાડતા પર્ફોર્મન્સને જોઈને તેઓ ખુશ થઈ ગયા હતા.
ADVERTISEMENT
ભારત-જૉર્ડનના રાજકીય સંબંધોને ૭૫ વર્ષ પૂરાં થયાં હોવાથી કિંગ અબદુલ્લાના નિમંત્રણ પર નરેન્દ્ર મોદી જૉર્ડનની યાત્રા પર છે. ૭ વર્ષ પહેલાં તેઓ એક ટ્રાન્ઝિટ વિઝિટ દરમ્યાન જૉર્ડનમાં રોકાયા હતા.
ગઈ કાલે કિંગ અબદુલ્લાએ હુસૈનિયા મહેલમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું અને દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. હુસૈનિયા મહેલ અમ્માનનો શાહી મહેલ છે. આજે નરેન્દ્ર મોદી ઇથિયોપિયા જશે અને કાલે બપારે ત્યાંથી નીકળીને ઓમાનની મુલાકાત લેશે.


