વિશ્વભરના નેતાઓ ટ્રમ્પ માટે પહેલાં જે છાને ખૂણે બોલતા હતા એ હવે ખુલ્લેઆમ કહેવાઈ રહ્યું છે
માર્ક કાર્ની
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જો ઈરાન મારી હત્યા કરાવશે તો અમેરિકા ઈરાનનું નામોનિશાન મિટાવી દેશે. ઈરાનમાં છેલ્લાં ૪૦ વર્ષથી સત્તામાં રહેલા સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈના શાસનને ખતમ કરવા માટે ટ્રમ્પે આહવાન કર્યું એ પછી ઈરાનનાં સશસ્ત્ર દળોના પ્રવક્તા જનરલ અબુફઝલ શેકારતીએ કહ્યું હતું કે ટ્રમ્પ જાણે છે કે જો અમારા નેતા સામે કાર્યવાહી કરવામાં આવી તો અમે માત્ર તેમનો હાથ નહીં કાપીએ, દુનિયામાં આગ લગાવી દઈશું. આ પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે મેં મારા સલાહકારોને નિર્દેશ આપ્યો છે કે જો ઈરાન મારી હત્યા કરાવે તો ઈરાનને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવવું જોઈએ.
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ ટ્રમ્પનું નામ લીધા વિના વેસ્ટર્ન વર્લ્ડના દંભ પર કર્યા પ્રહાર
ADVERTISEMENT
દાવોસમાં અમેરિકાની ડાઇનોસૉર ડિપ્લોમસીની ખુલ્લેઆમ ટીકા કરીને માર્ક કાર્નીએ કહ્યું કે ટૅરિફ, ધમકીઓ અને દબાણના રાજકારણ વચ્ચે મધ્યમ સ્તરના દેશો જો પોતાને બદલશે નહીં તો બરબાદ થશે
દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની બેઠકમાં મંગળવારે કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીનું ભાષણ ગ્લોબલ ડિપ્લોમસીમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ સાબિત થયું છે. આ દિવસને ઇતિહાસમાં એ રીતે યાદ રાખવામાં આવશે કે G7 દેશના નેતાએ પશ્ચિમી નેતૃત્વ હેઠળના શાસનના પ્રણાલીગત દંભ પર આખરે બિલાડીના ગળે ઘંટ બાંધ્યો હતો. અમેરિકાની ડાયનાસૉર ડિપ્લોમસીની વાતો જે ગઈ કાલ સુધી વિશ્વના નેતાઓ બંધબારણે કરતા હતા એ હવે સાર્વજનિક મંચ પરથી કરવા લાગ્યા છે.
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દુશ્મનો, હરીફો અને સાથીઓ પર ખુલ્લેઆમ ગુંડાગીરી કરી રહ્યા છે એ વિશે વૉશિંગ્ટનના દંભનો પર્દાફાશ કર્યો છે. વિશ્વભરમાં ટૅરિફ લગાવી દીધા પછી ટ્રમ્પ હવે ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની અને ફ્રાન્સ જેવા NATO સાથીઓ સહિત જે કોઈ પણ માર્ગમાં આવશે તેને સજા કરવાની ધમકી આપી રહ્યા છે.
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના દાવોસ ભાષણે એ ધારણાને તોડી નાખી છે કે વેસ્ટર્ન ઑર્ડર નિષ્પક્ષ અને નિયમો-આધારિત છે. તેમણે કહ્યું હતું કે ‘આંતરરાષ્ટ્રીય નિયમો-આધારિત વ્યવસ્થાની વાર્તા ક્યારેય સંપૂર્ણ રીતે સાચી નહોતી. શક્તિશાળી દેશો પોતાની સુવિધા મુજબ પોતાને છૂટ આપતા રહ્યા છે. વેપારના નિયમો અસમાન રીતે લાગુ કરવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય કાયદાની ગંભીરતા આરોપી અથવા પીડિતના આધારે બદલાઈ છે.’
કાર્નીએ સ્પષ્ટપણે સૂચવ્યું કે અમેરિકા હવે વૈશ્વિક વ્યવસ્થાનું સંચાલન કરતી શક્તિ નથી, પરંતુ એને વિક્ષેપિત કરતી શક્તિ છે. ટ્રમ્પની ટૅરિફ, ધમકીઓ અને દબાણના રાજકારણ વચ્ચે તેમણે મધ્યમ સ્તરના દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો : પોતાને બદલો, નહીં તો તમે બરબાદ થઈ જશો.
લગભગ ૭૦ વર્ષથી પશ્ચિમી દેશો એવું બતાવતા રહ્યા છે કે બધા દેશો માટે નિયમો સમાન છે. એવું ઠસાવી દેવામાં આવ્યું કે અમેરિકા એક મહાસત્તા છે જે બીજાઓ પર પોતાના જેવા જ નિયમો લાદે છે. જોકે કૅનેડાના વડા પ્રધાન કાર્નીએ આ કપટનો પર્દાફાશ કર્યો હતો.
નોબેલ શાંતિ પુરસ્કાર ન મળ્યો એનું વારંવાર ગાણું ગાતા ટ્રમ્પની અમેરિકાનાં જ કૉન્ગ્રેસવુમને ટીકા કરી, કહ્યું ટ્રમ્પ માનસિક રીતે બીમાર છે, સત્તા વાઇસ-પ્રેસિડન્ટને સોંપો
અમેરિકન કૉન્ગ્રેસવુમન યાસ્મિન અન્સારીએ નોબેલ પીસ પ્રાઇઝ વિશે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે નૉર્વેના વડા પ્રધાનને લખેલો પત્ર શૅર કરીને લખ્યું છે કે અમેરિકાના પ્રેસિડન્ટ માનસિક રીતે અત્યંત બીમાર છે અને તે આપણા બધાના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. યાસ્મિન અન્સારીએ અમેરિકન નેતાઓને દેશના બંધારણમાં જ અપાયેલા સુધારાની જોગવાઈનો ઉપયોગ કરવા પણ કહ્યું છે જે પ્રેસિડન્ટની સત્તાઓ અને ડ્યુટીઓને વાઇસ-પ્રેસિડન્ટને કામચલાઉ રીતે ટ્રાન્સફર કરવાની જોગવાઈ કરે છે.
ડોનલ્ડ ટ્રમ્પ ટી-રૅક્સ ડાયનોસૉર જેવા છે: કૅલિફૉર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમ
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની નીતિઓના ટીકાકાર એવા કૅલિફૉર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે મંગળવારે દાવોસમાં જણાવ્યું હતું કે વિશ્વના ઘણા નેતાઓ જાહેરમાં ટ્રમ્પની પ્રશંસા કરે છે અને તેમની પીઠ પાછળ હસે છે. ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પની ધમકીઓમાં સંડોવણી બદલ વિશ્વના નેતાઓની તેમણે ટીકા કરી હતી. ગ્રીનલૅન્ડ મુદ્દે ગેવિન ન્યુસમે યુરોપના દેશોને એક રહેવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘દરેક નેતા ટ્રમ્પની પીઠ પાછળ હસી રહ્યો છે અને સામે તેમની પ્રશંસા કરે છે એ શરમજનક છે. મારે વિશ્વના ઘણા દેશોના નેતાઓ માટે ની-પૅડ્સ લાવવાની જરૂર હતી જેથી તેઓ ટ્રમ્પ સામે ટટ્ટાર ઊભા રહીને વાત કરી શકે. વિશ્વસ્તરે આ નેતાઓ વામણા દેખાય છે. ટ્રમ્પ એક ટી-રૅક્સ છે. તમે તેમની સાથે મિત્રતા કરો છો કે સામે થાઓ તે તમને ખાઈ જાય છે. તેમની પાસે જંગલનો કાયદો છે, ડૉનનો નિયમ છે.
ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય ગુંડાની જેમ વર્તી રહ્યા છે : UKના સંસદસભ્ય એડ ડેવી
ગ્રીનલૅન્ડને અમેરિકામાં જોડી દેવાની ટ્રમ્પની ધમકીના મુદ્દે બોલતાં યુનાઇટેડ કિંગડમ (UK)ના સંસદસભ્ય એડ ડેવીએ કહ્યું હતું કે ‘ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય ગુંડાની જેમ વર્તી રહ્યા છે, એક સાથીના સાર્વભૌમત્વને કચડી નાખવાની ધમકી આપી રહ્યા છે અને NATOના સંપૂર્ણ અંતની ધમકી આપી રહ્યા છે. તેમનાં વખાણ કરનારા લોકો ફક્ત રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ છે. દેશના વડા પ્રધાને ૧૨ મહિનાથી તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે અને તેઓ નિષ્ફળ ગયા છે. હવે સમય આવી ગયો છે કે આપણે આખરે તેમની સામે ઊભા રહીએ અને આપણા યુરોપિયન સાથીઓ સાથે મળીને તેમને પાછા હટાવીએ.’ નોંધનીય છે કે ગ્રીનલૅન્ડને ટેકો આપવા બદલ UK સહિત ૮ દેશો પર અમેરિકાએ ૧૦ ટકા ટૅરિફ લગાવી દીધી છે.
ડોનલ્ડ ટ્રમ્પ અસુરક્ષિત સરમુખત્યારની જેમ વર્તી રહ્યા છે : ભૂતપૂર્વ ઍટર્ની જનરલ
માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડેના ભાષણમાં પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓની ટીકા કરતાં અમેરિકાના ભૂતપૂર્વ ઍટર્ની જનરલ એરિક હોલ્ડરે કહ્યું હતું કે ‘અમેરિકાને ફરીથી અલગ કરવાનો એક સંકલિત પ્રયાસ થઈ રહ્યો છે. અમે કાળા અને બ્રાઉન મતદારોને અપ્રમાણસર રીતે મતાધિકારથી વંચિત રાખવાના અભૂતપૂર્વ મધ્ય દાયકાના ગેરીમૅન્ડરિંગ પ્રયાસોનો અનુભવ કરી રહ્યા છીએ, કારણ કે પ્રેસિડન્ટ ટ્રમ્પ અસુરક્ષિત સરમુખત્યારની જેમ સત્તાને વળગી રહ્યા છે.’


