એનઆઇએ દ્વારા ખાલિસ્તાન અને કૅનેડા સાથે લિન્ક્સ ધરાવતા ગૅન્ગસ્ટર્સના રિલીઝ કરવામાં આવેલા લિસ્ટમાં તે સામેલ હતો
સુખા દુનેકે
સુખા દુનેકે તરીકે જાણીતો ખાલિસ્તાની આતંકવાદી સુખદૂલ સિંહ ગઈ કાલે કૅનેડામાં ગૅન્ગવૉરમાં માર્યો ગયો હતો. દુનેકે કૅનેડામાં ખાલિસ્તાની મૂવમેન્ટનો ભાગ હતો. દુનેકે પંજાબના મોગાનો ‘કૅટેગરી-એ’ ગૅન્ગસ્ટર હતો, જે ૨૦૧૭માં ફેક પાસપોર્ટ પર કૅનેડા ભાગી ગયો હતો. તે આતંકવાદી અર્શદીપ ડલ્લાનો ખાસ સાથી હતો અને એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા ખાલિસ્તાન અને કૅનેડા સાથે લિન્ક્સ ધરાવતા ગૅન્ગસ્ટર્સના બુધવારે રિલીઝ કરવામાં આવેલા લિસ્ટમાં તે સામેલ હતો.
દુનેકેની હત્યા એવા સમયે થઈ છે કે જ્યારે ભારત અને કૅનેડાની વચ્ચે ખૂબ જ ડિપ્લૉમેટિક લડાઈ ચાલી રહી છે. કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ અઠવાડિયાની શરૂઆતમાં હાઉસ ઑફ કોમન્સમાં કૅનેડાની ધરતી પર જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટ્સની સંડોવણીનો આરોપ મૂક્યો હતો. પંજાબ અને એની આસપાસના પ્રદેશોમાંથી ૨૯ જેટલા ગૅન્ગસ્ટર્સ ભારતમાં સજાથી બચવા માટે વિદેશોમાં જતા રહ્યા છે, જેમાં કૅનેડાનો પણ સમાવેશ થાય છે. મોગાનો અર્શદીપ સિંહ, બરનાલાનો ચરણજિત સિંહ, લુધિયાનાનો ગુરપિન્દર સિંહ, તર્ણતારણનો લખબીર સિંહ, ફિરોઝપુરનો રમનદીપ સિંહ, ફઝિલિકાનો સતવીર સિંહ, અમ્રિતસરનો સ્નોવેર ઢિલ્લોં કૅનેડામાં જતા રહ્યા છે.
ADVERTISEMENT
બિશ્નોઈએ હત્યા કરાવી?
જેલમાં કેદ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ ગઈ કાલે સુખદૂલ સિંહની હત્યાની જવાબદારી સ્વીકારી છે. બિશ્નોઈ ગૅન્ગે એક ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો હતો કે દુનેકેએ ગૅન્ગસ્ટર્સ ગુરલાલ બ્રાર અને વિકી મિદ્દુખેરાની હત્યાઓમાં ભૂમિકા ભજવી હતી. આ ગૅન્ગે દુનેકેને ડ્રગ ઍડિક્ટ ગણાવી કહ્યું હતું કે તેને તેનાં પાપોની સજા મળી છે. આ ગૅન્ગે એવી ચેતવણી આપી છે કે તેમના દુશ્મનો ભારતમાં કે બીજા કોઈ પણ દેશમાં ટકી નહીં શકે.


