સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ક્યાં છે એની કોઈને જાણ નથી
મોજતબા ખામેનેઈ
ઈરાન ઇન્ટરનૅશનલના એક અહેવાલ મુજબ શક્તિશાળી ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)એ ઈરાનના પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાન સાથે સત્તાના સંઘર્ષ વચ્ચે અસરકારક રીતે નિયંત્રણ સંભાળી લીધું છે. સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ક્યાં છે એ સ્પષ્ટ ન હોવાથી પાવરફુલ IRGCએ ઈરાન પર એની પકડ વધુ મજબૂત કરી છે. એણે ઈરાની પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાનને પણ બાજુ પર મૂકી દીધા છે અને મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ નેતૃત્વના નિર્ણયો એના દ્વારા લેવામાં આવે છે. અમેરિકા દ્વારા ઈરાન પર જે હુમલાઓ કરવામાં આવે છે એનો જવાબ IRGC અને ઈરાની લશ્કર આપી રહ્યું છે. IRGC હવે રાજ્યનાં મુખ્ય કાર્યો પર નિયંત્રણ ધરાવે છે.
સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને જોવામાં કે સાંભળવામાં આવ્યા નથી. તેમના મેસેજ ફક્ત લાઇવ ટીવી પર જ વાંચવામાં આવે છે. એને કારણે એવી અટકળો શરૂ થઈ છે કે મોજતબાનું મૃત્યુ થયું હશે. જોકે તાજેતરના અહેવાલો દાવો કરે છે કે તેઓ કોમામાં હતા. ટ્રમ્પે સૂચવ્યું છે કે મોજતબા ગંભીર સ્થિતિમાં હોઈ શકે છે.
ADVERTISEMENT
આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે વાટાઘાટો વધુ મધ્યમ અને વધુ વાજબી નેતાઓ સાથે ચાલી રહી છે. જોકે ઈરાને એનો ઇનકાર કર્યો છે. તેણે ઈરાનમાં કોણ જવાબદાર છે એ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. હકીકતમાં મધ્યમ નેતા તરીકે જાણીતા પેઝેશ્કિયાનને રાજકીય મડાગાંઠમાં પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
ટ્રમ્પની નાટો છોડવાની ધમકી પર બ્રિટનના વડા પ્રધાને કહ્યું... યુદ્ધ અમારું નથી, અમે સામેલ નહીં થઈએ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે નાટોમાંથી બહાર નીકળવાની ધમકી આપી છે એ મુદ્દે પૂછવામાં આવતાં બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘ઈરાન સામેના અમેરિકા-ઇઝરાયલના યુદ્ધમાં બ્રિટન સામેલ નહીં થાય. આ યુદ્ધ અમારું નથી. હું મારા દેશના હિતમાં કાર્ય કરીશ; પછી ભલે ગમે એટલો ઘોંઘાટ હોય, મારા અને અન્ય લોકો પર ગમે એટલું દબાણ હોય, ગમે એટલો ઊંચો અવાજ હોય. હું જે નિર્ણયો લઈશ એમાં બ્રિટિશ રાષ્ટ્રીય હિતમાં કાર્ય કરીશ. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે વૈશ્વિક શિખર સંમેલન યોજવામાં આવે.’
ઈરાન ઓછામાં ઓછા ૬ મહિના સુધી અમેરિકા અને ઇઝરાયલ સામે યુદ્ધ માટે તૈયાર : વિદેશપ્રધાન અબ્બાસ અરાગચી
ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચીએ કહ્યું હતું કે ઈરાન ઓછામાં ઓછા ૬ મહિના સુધી અમેરિકા અને ઇઝરાયલ સાથે યુદ્ધ માટે તૈયાર છે. ઈરાનમાં અમેરિકાની સંભવિત ભૂમિકાર્યવાહીના અહેવાલોનો જવાબ આપતાં અરાગચીએ કહ્યું હતું કે ‘અમે ગમે એટલી હદ સુધી અમારા દેશનું રક્ષણ કરીશું. અમે અમેરિકાની રાહ જોઈ રહ્યા છીએ. મને નથી લાગતું કે તેઓ આવું કંઈક દુ:સાહસ કરવાની હિંમત કરે.’
