ભારતીયોને બહાર કાઢવા ઈરાને ઍરસ્પેસ ખોલી દીધી, ૧૦૦૦ નાગરિકો દિલ્હી પહોંચશે
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે, પરંતુ ભારતીય નાગરિકોને બહાર કાઢવા ભારતીય ફ્લાઇટ્સ માટે એક અસાધારણ પગલામાં એણે ઍરસ્પેસ ખોલી દેતાં લગભગ ૧૦૦૦ ભારતીય નાગરિકો નવી દિલ્હી પહોંચે એવી અપેક્ષા છે.
ભારતના સ્થળાંતર કાર્યક્રમ ‘ઑપરેશન સિંધુ’ હેઠળ મશહદથી મહાન ઍરની ચાર્ટર્ડ ફ્લાઇટ્સ આશરે ૧૦૦૦ ભારતીયને પાછા લાવવા માટે તહેનાત કરવામાં આવી છે. આ કામગીરીનો હેતુ વધતા પ્રાદેશિક તનાવ વચ્ચે ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે.
ADVERTISEMENT
ઈરાનમાં લગભગ ૧૦,૦૦૦ ભારતીય રહે છે, જેમાં આશરે ૧૫૦૦થી ૨૦૦૦ સ્ટુડન્ટ્સ છે અને ૬૦૦૦ લોકો ત્યાં કામ કરે છે. જે ભારતીયોએ ભારત પાછા ફરવું હોય તેમના માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે ભારતે ઈરાનથી એના નાગરિકોને બહાર કાઢવા માટે ઑપરેશન સિંધુ શરૂ કર્યાના બે દિવસ પછી આ ઘટના બની છે.
સ્થળાંતરના પ્રયાસના પ્રથમ પગલા તરીકે ૧૧૦ ભારતીય સ્ટુડન્ટ્સને નૉર્થ ઈરાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને સરહદ પાર કરીને આર્મેનિયામાં લઈ જવામાં આવ્યા હતા. આ સ્ટુડન્ટ્સને આર્મેનિયાની રાજધાની યેરેવનથી એક ખાસ ફ્લાઇટમાં ગુરુવારે વહેલી સવારે નવી દિલ્હીમાં સુરક્ષિત લાવવામાં આવ્યા હતા. આ સફળ સ્થળાંતરના એક દિવસ પછી સરકારે ઇઝરાયલ છોડવા માગતા ભારતીયો માટે પણ સ્થળાંતર શરૂ કર્યું છે. ભારતીય નાગરિકોને ઇઝરાયલથી જમીન-સરહદો દ્વારા સ્થળાંતર કરવામાં આવશે, ત્યાર બાદ હવાઈ માર્ગે ભારત પાછા ફરવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેલ અવિવમાં ભારતીય દૂતાવાસ આ કામગીરીના લૉજિસ્ટિક્સ અને સંકલનની દેખરેખ રાખશે.

