ઈરાનના રાજદૂતની જાહેરાત : ભારતનાં જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલમુક્તિ, કોઈ જહાજ પાસેથી ચાર્જ લેવામાં આવ્યો નથી
ગઈ કાલે ૨૦,૪૦૦ ટન LPG લઈને હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને ‘જગ વિક્રમ’ જહાજ ગુજરાતના કંડલા બંદરે પહોંચ્યું હતું.
ઈરાને એવા આરોપોને ફગાવી દીધા હતા કે તેહરાન ભારતીય જહાજો પાસેથી ટોલની વસૂલી કરે છે. ઈરાને આવી ચુકવણીઓને ગેરકાયદે વૈશ્વિક ખંડણી ગણાવી હતી. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ કહ્યું હતું કે ‘ભારતને હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે અને કોઈ જહાજ પાસેથી ચાર્જ વસૂલવામાં આવતો નથી. તમે ભારત સરકારને પૂછી શકો છો કે શું અમે અત્યાર સુધી કંઈ વસૂલ્યું છે?’
ઈરાન દ્વારા આ સ્પષ્ટતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં પસાર થતાં જાહોજા પાસેથી ટ્રાન્ઝિટ-ફી વસૂલ કરે છે એવી જાહેરાત બાદ આવી હતી.
ADVERTISEMENT
ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીની આ કમેન્ટ્સ નવી દિલ્હીના એ વલણને પ્રતિબિંબિત કરે છે જેણે સંઘર્ષ ફાટી નીકળ્યા પછી ૯ LPG કૅરિયર્સના સુરક્ષિત માર્ગને સુનિશ્ચિત કરવા માટે કોઈ પણ ફી ચૂકવવાનો સતત ઇનકાર કર્યો છે.
ફતાલીએ ભારતીય નાગરિકો અને સરકારનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારતે મુશ્કેલ સમયમાં તેહરાનને ટેકો આપ્યો હતો. તેમણે ભારતને વિશ્વસનીય અને સારો ભાગીદાર ગણાવ્યું હતું. જોકે શિપિંગ પ્રતિબંધોને કારણે લગભગ ૧૫ ભારતીય જહાજો પર્સિયન ગલ્ફમાં ફસાયેલાં છે.
ઇઝરાયલ અને લેબૅનન વચ્ચે દાયકાઓ વીત્યા પછી અમેરિકામાં શરૂ થઈ સીધી વાતચીત
અમેરિકાના વૉશિંગ્ટનમાં વિદેશપ્રધાન માર્કો રુબિયોની મધ્યસ્થતામાં ઇઝરાયલ અને લેબૅનન વચ્ચે દાયકાઓ પછી મંગળવારે પહેલી વાર સીધી વાતચીત શરૂ થઈ હતી. બન્ને દેશોના રાજદૂત આ બેઠકમાં સામેલ છે. ૧૯૯૩ પછી આ બે દેશો વચ્ચે પહેલી વાર ઉચ્ચ સ્તરનો વાર્તાલાપ થયો છે. લેબૅનનની સરકારે આ વાર્તાલાપને યુદ્ધ પૂરું કરવા અને ક્ષેત્રીય સ્થિરતા લાવવાનો મોકો ગણાવ્યો છે, જ્યારે ઇઝરાયલે ઉત્તરની સીમા પાસે સુરક્ષા અને હિઝબુલ્લાને ખતમ કરવા પર જોર આપ્યું છે.
