અમેરિકા દ્વારા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ૩૦ દિવસની છૂટ આપવાની જાહેરાત બાદ વિપક્ષ મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા દ્વારા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ૩૦ દિવસની છૂટ આપવાની જાહેરાત બાદ વિપક્ષ મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે ભારત રાષ્ટ્રીય હિતમાં જ્યાંથી યોગ્ય લાગશે ત્યાંથી તેલ ખરીદશે.
આ મુદ્દે સરકારે જણાવ્યું હતું કે ‘ઈરાન-અમેરિકા-ઇઝરાયલ સંઘર્ષને કારણે હોર્મુઝની ખાડીમાં ચાલી રહેલા તનાવને ધ્યાનમાં રાખીને ભારત જે પણ દેશ શ્રેષ્ઠ ભાવે ક્રૂડ ઑઇલ ઑફર કરશે એની પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદવાનું ચાલુ રાખશે. હોર્મુઝની ખાડીમાં વધતા તનાવ છતાં ભારતનો ઊર્જાપુરવઠો સુરક્ષિત અને સ્થિર રહે છે. ભારતે કાચા તેલના સ્રોત ૨૭થી વધારીને ૪૦ કર્યા છે અને એ દેશોમાંથી ક્રૂડ ઑઇલને ભારત લાવવા માટે બહુવિધ વૈકલ્પિક સપ્લાય-રૂટ સુનિશ્ચિત કર્યા છે. રાષ્ટ્રીય હિતમાં ભારત ત્યાંથી જ તેલ ખરીદે છે જ્યાં સૌથી વધુ સ્પર્ધાત્મક અને ઓછા દરો ઉપલબ્ધ છે. અદ્યતન રિફાઇનરી ક્ષમતા વિવિધ ગ્રેડના ક્રૂડ ઑઇલની પ્રક્રિયા કરવાનું શક્ય બનાવે છે, જે અવિરત પુરવઠો સુનિશ્ચિત કરે છે.’
ADVERTISEMENT
ભારતે પણ ગઈ કાલે પુષ્ટિ કરી હતી કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકા દ્વારા આપવામાં આવેલી કામચલાઉ છૂટ છતાં એ રશિયા પાસેથી તેલ આયાત કરવાનું ચાલુ રાખશે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે નવી દિલ્હીને આવી ખરીદી માટે કોઈ પણ દેશની પરવાનગીની જરૂર નથી. વધુમાં સરકારે જણાવ્યું હતું કે ‘ભારતે ક્યારેય રશિયન તેલ ખરીદવા માટે કોઈ પણ દેશની પરવાનગી પર આધાર રાખ્યો નથી. ભારત ૨૦૨૬માં પણ રશિયન તેલ આયાત કરવાનું ચાલુ રાખશે અને રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ ઑઇલ સપ્લાયર રહેશે. રશિયા-યુક્રેન યુદ્ધનાં ૩ વર્ષ દરમ્યાન અમેરિકા અને યુરોપિયન યુનિયનના વાંધાઓ છતાં ભારતે રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. ડિસ્કાઉન્ટેડ ભાવ અને રિફાઇનરીની ડિમાન્ડને કારણે ૨૦૨૨ પછી આયાતમાં વધારો થયો હતો.’
રશિયા ભારતને થતી ક્રૂડ-નિકાસ વિશેનો ડેટા જાહેર નહીં કરે
રશિયાએ ભારતને કેટલું ક્રૂડ તેલ નિકાસ કર્યું એ અંગેનો ડેટા જાહેર કરવામાં નહીં આવે. ભારતનું ખરાબ ઇચ્છતા લોકોથી આ જાણકારી ગુપ્ત રાખવામાં આવશે એવી જાહેરાત ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે સ્પષ્ટ કારણોસર કોઈ ડેટા જાહેર કરવાના નથી. વેસ્ટ એશિયા સંઘર્ષ વચ્ચે અમેરિકાએ ભારતીય રિફાઇનરોને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપવા માટે ૩૦ દિવસની કામચલાઉ છૂટ આપી હોવાની જાહેરાતના કલાકો પછી ક્રેમલિને ઉપરોક્ત વાત જણાવી હતી.
ઈરાન પર હુમલો કરવાનો નિર્ણય નરેન્દ્ર મોદીની મુલાકાત પછી લેવામાં આવ્યો : ઇઝરાયલ
ઇઝરાયલના વિદેશપ્રધાન ગિડીઓન સાઆરે દિલ્હીમાં આયોજિત વૈશ્વિક પરિસંવાદમાં વર્ચ્યુઅલી ભાગ લેતાં કહ્યું હતું કે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાન હુમલા વિશે માહિતી આપી શક્યા નહીં, કારણ કે આ નિર્ણય શનિવારે વહેલી સવારે લેવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીની ઇઝરાયલની બે દિવસની મુલાકાત ૨૬ ફેબ્રુઆરીએ પૂરી થઈ હતી. એના બે દિવસ પછી ૨૮ ફેબ્રુઆરીએ ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો.
