ક્રિમિનલ કેસમાં કસૂરવાર ઠરનારા પહેલા અમેરિકી ભૂતપૂર્વ પ્રેસિડન્ટ
ડૉનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના નેતા ડૉનલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા છે. હશ મની એટલે એવા પૈસા જે રહસ્ય બહાર નહીં પાડવા કે મોં બંધ રાખવા માટે કોઈને ચૂકવવામાં આવ્યા હોય. ટ્રમ્પ સામે પૉર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે પૈસા ચૂકવવાનો આરોપ હતો. આ કેસના તમામ ૩૪ આરોપોમાં ટ્રમ્પને દોષી જાહેર કરવામાં આવ્યા છે. ચુકાદા બાદ અમેરિકાના પ્રમુખ જો બાઇડને કહ્યું કે કાયદાની ઉપર કોઈ નથી. જ્યારે ટ્રમ્પે કોર્ટ-કાર્યવાહીને નાટક ગણાવતાં કહ્યું હતું કે સાચો ચુકાદો મતદારો આપશે. અમેરિકામાં પહેલી વાર કોઈ ભૂતપૂર્વ પ્રમુખને ક્રિમિનલ કેસમાં કસૂરવાર જાહેર કરવામાં આવ્યા છે. ટ્રમ્પ સામે પૉર્નસ્ટારને પૈસા ચૂકવવા ઉપરાંત ઇલેક્શન કૅમ્પેન દરમ્યાન બિઝનેસના રેકૉર્ડમાં હેરાફેરી કરવાનો પણ આરોપ છે. અમેરિકી મીડિયાના રિપોર્ટ્સ અનુસાર ૬ અઠવાડિયાં સુધી ચાલેલી કોર્ટ-કાર્યવાહીમાં સ્ટૉર્મી ડેનિયલ્સ ઉપરાંત ૨૨ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. ૧૨ સભ્યોની જ્યુરીએ બે દિવસ ચર્ચા કર્યા બાદ ટ્રમ્પને દોષી ઠેરવતો ચુકાદો આપ્યો હતો.
શું દોષી ઠર્યા પછી ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી લડી શકશે?
ADVERTISEMENT
ન્યુ યૉર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ડૉનલ્ડ ટ્રમ્પ દોષી પુરવાર થયા પછી પણ ચૂંટણી લડી શકશે એટલું જ નહીં, જીત્યા તો ફરી પ્રમુખ બની શકશે. અમેરિકાના બંધારણમાં પ્રમુખ બનવા માટેની લાયકાતો ઘણી ઓછી છે. ઓછામાં ઓછાં ૧૪ વર્ષથી અમેરિકામાં રહેતી હોય તેવી ૩૫ વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યક્તિ પ્રમુખ બની શકે છે. બંધારણમાં અમેરિકી પ્રમુખ માટે ક્રિમિનલ રેકૉર્ડની કોઈ પાબંદી નથી. જે કેસમાં ટ્રમ્પ દોષી ઠર્યા છે એમાં વધુમાં વધુ ચાર વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે તેમને જેલ નહીં, પણ ઘરમાં કે અન્ય સ્થળે કેદ રાખવામાં આવે એવું પણ બની શકે છે અને સજા દરમ્યાન તેઓ જામીન પણ મેળવી શકે છે.