અમેરિકાથી લઈને યુરોપના રાજનેતાઓ, અબજોપતિઓ અને શાહી પરિવારોના ૮૦થી વધુ લોકોની તપાસ શરૂ
૨૦૧૯ની ૧૦ ઑગસ્ટે જેફરી એપ્સ્ટીનના મૃત્યુ પછી તેને સેલમાંથી કાઢવામાં આવ્યો એ વખતની તસવીર અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ગઈ કાલે જાહેર કરી હતી.
અમેરિકામાં જાતીય સતામણીના જેફ્રી એપ્સટીન સાથે જોડાયેલા સીક્રેટ દસ્તાવેજો સામે આવતાં જ દુનિયાભરમાં ધમધમાટી બોલી ગઈ છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે લગભગ ૩૦ લાખ પાનાંના ડૉક્યુમેન્ટ્સ જાહેર કરતાં ૧૦ દેશોમાંથી ૧૫થી વધુ મોટા અધિકારીઓએ પદ છોડવું પડ્યું હતું. ૮૦થી વધુ પાવરફુલ લોકો પર તપાસ ચાલી રહી છે. આ ફાઇલોમાં નેતા, રાજદૂત, અબજોપતિ અને શાહી પરિવારોનાં નામ સામેલ છે. ઈ-મેઇલ, ફ્લાઇટ લૉગ અને કૉન્ટૅક્ટ રેકૉર્ડ્સમાં ૭૦૦થી ૧૦૦૦ મોટા અને શક્તિશાળી લોકોનો ઉલ્લેખ છે.
સૌથી મોટો આંચકો યુરોપમાં આવ્યો છે. સૌથી વધુ બ્રિટનમાં ૩ અધિકારીઓએ હોદ્દો છોડવો પડ્યો છે. બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરના ચીફ ઑફ સ્ટાફ મૉર્ગન મૅકસ્વીની, ભૂતપૂર્વ રાજદૂત પીટર મૅન્ડેલસન, ઍડ્વાઇઝર ઍડમ પૅરીએ રાજીનામાં આપ્યાં છે. સ્લોવાનિયામાં ભૂતપૂર્વ વિદેશમંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મીરોસ્લાવ લાઇચાકની ૩૦૦થી વધુ ઈ-મેઇલ અને ચૅટ સામે આવતાં તેમણે રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત સ્વીડન, નૉર્વે અને અમેરિકાના પાવરફુલ લોકોએ પણ હોદ્દો છોડવો પડ્યો હતો.


