સેનાએ સુકાન સંભાળ્યા પછી સ્થિતિ સામાન્ય થઈ રહી છે, પણ વચગાળાની સરકારના નેતૃત્વને લઈને સહમતીની આશા હજી ધૂંધળી: આર્મીના હેડક્વૉર્ટરની આસપાસ ભારેલો અગ્નિ
બે દિવસની હિંસા પછી નેપાલમાં સેનાએ શાસન સંભાળતાં સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. નેપાલમાં આર્મીના હેડક્વૉર્ટરની બહાર ભેગા થયેલા પ્રદર્શનકારી યુવાનોનાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી., બે દિવસની હિંસા પછી નેપાલમાં સેનાએ શાસન સંભાળતાં સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. નેપાલમાં આર્મીના હેડક્વૉર્ટરની બહાર ભેગા થયેલા પ્રદર્શનકારી યુવાનોનાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.
બે દિવસની ભારે હિંસા પછી નેપાલમાં સેનાના શાસન હેઠળ સ્થિતિ સામાન્ય થઈ રહી છે. કે. પી. ઓલીની સરકાર ઊથલાવી દીધા પછી જેન-ઝી સંગઠનોના પ્રતિનિધિઓ વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે હજી એક નામ નક્કી નથી કરી શક્યા. અસમંજસની સ્થિતિને લીધે જેન-ઝી યુવાનોમાં પણ તિરાડો પડી ગયેલી સ્પષ્ટ દેખાઈ આવી હતી અને આર્મીના હેડક્વૉર્ટરની બહાર ભેગા થયેલા યુવાનોનાં બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.
વચગાળાની સરકારના નેતૃત્વ માટે બાલેન્દ્ર શાહ અને સુશીલા કાર્કીનાં નામ સામે આવ્યાં હતાં, પણ બન્ને રેસમાંથી બહાર નીકળી જતાં હવે કુલમાન ઘિસિંગના નામ પર ચર્ચા ચાલી રહી છે. જોકે આ દરમ્યાન મેડિકલ કારોબારી અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના નેતા દુર્ગા પ્રસાઈનું નામ સામે આવતાં યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. દુર્ગા પ્રસાઈ રાજકીય નેતા ઉપરાંત ઉદ્યોગપતિ પણ છે અને વાતાવરણ જોઈને પક્ષપલટો કરવા માટે જાણીતા છે એ કારણે યુવાનોમાં તેમની સામે ભારે વિરોધ છે. આર્મીના હેડક્વૉર્ટરની બહાર ભેગા થયેલા યુવાનોએ એવી માગણી કરી હતી કે અંદર ચાલતી વાતચીત સાર્વજનિક કરવામાં આવે. તેમણે ‘સૈન્યનું શાસન હટાવો’ના નારા લગાવ્યા હતા.
ADVERTISEMENT
રામ ભારતમાં નહીં, નેપાલમાં જન્મ્યા હતા એવી ઘોષણા કરી એટલે મારી સત્તા જતી રહી : પદભ્રષ્ટ વડા પ્રધાન કે. પી. ઓલી
નેપાલમાં જેન-ઝીએ હિંસક પ્રદર્શન કરીને કે. પી. ઓલીની સરકાર ઊથલાવી દીધી છે. જીવ બચાવીને નાસી ગયેલા ભૂતપૂર્વ વડા પ્રધાનનું પલાયન પછી પ્રથમ નિવેદન સામે આવ્યું હતું. તેમણે જેન-ઝીને સંબોધીને લખેલા એક ઇમોશનલ લેટરમાં એવું પણ જણાવ્યું હતું કે તેઓ હજી નેપાલમાં જ સૈનિકોની સુરક્ષામાં એક સ્થાને છે. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે ‘મેં લિપુલેખા, કાલાપાની, લિમ્પિયાધુરા નેપાલ જેવા મુદ્દા ન ઉપાડ્યા હોત તો મને ઘણો ફાયદો મળ્યો હોત. મેં શાસ્ત્રો પ્રમાણે ઘોષણા કરી કે ભગવાન રામ તો નેપાલમાં જન્મ્યા હતા, ભારતમાં નહીં. જો મારા આવા મતોથી પાછળ હટી જાત તો મને ઘણો લાભ મળત. મને ઘણી અડચણો આવી, પણ હું પાછળ ન હટ્યો. મારી આવી જીદને કારણે મારી સત્તા ગઈ.’
જીવ બચાવવા હેલિકૉપ્ટરની રસ્સી પર લટકીને ભાગ્યા નેપાલના મિનિસ્ટર
નેપાલમાં જેન-ઝીના આંદોલનને કારણે જે હિંસા અને અરાજકતા ફેલાઈ હતી એના અનેક વિડિયો સામે આવ્યા હતા. વિફરેલા પ્રદર્શનકારીઓએ અનેક રાજકારણીઓ, પ્રધાનો અને ઉદ્યોગપતિઓને નિશાન બનાવ્યા હતા. જોકે આ પરિસ્થિતિમાંથી કેટલાક લોકો નીકળવામાં સફળ થયા હતા. એવા જ એક પ્રધાનનો વિડિયો સામે આવ્યો હતો જેમાં તેમના ઘરને પ્રદર્શનકારીઓએ ઘેરી લીધેલું જોવા મળે છે અને જીવ બચાવવા પ્રધાન અને તેમના પરિવારજનો સેનાના હેલિકૉપ્ટરની રસ્સી પર લટકીને ત્યાંથી નાસી છૂટે છે.
જેન-ઝીનાં બે જૂથ ઝઘડી પડ્યાં
આર્મીના હેડક્વૉર્ટરની બહાર ભેગા થયેલા જેન-ઝી યુવાનોમાં અંદરોઅંદર પણ મારામારી થઈ હોવાના સમાચાર આવ્યા હતા. એનું એક મોટું કારણ એવું કહેવામાં આવ્યું હતું કે જેન-ઝીનો એક વર્ગ રાજાશાહી પદ્ધતિની શાસનવ્યવસ્થાને ફરી સ્થાપવા માગે છે. થોડા મહિના પહેલાં જ નેપાલમાં ફરી રાજાશાહીની માગણી સાથે થયેલા આંદોલનનું નેતૃત્વ દુર્ગા પ્રસાઈએ કર્યું હતું.
રાજાશાહીના સમર્થકો પણ જેન-ઝીમાં હતા, જેમનો વિરોધ લોકશાહી પદ્ધતિની શાસન-વ્યવસ્થા માટે લડી રહેલા યુવાનોએ કર્યો હતો. આર્મીના હેડક્વૉર્ટરમાં થઈ રહેલી ગુપ્ત ચર્ચાઓથી ગુસ્સે ભરાયેલા યુવાનો અંતે અંદરોઅંદર ઝઘડી પડ્યા હતા.
સુશીલા કાર્કી PMની રેસમાંથી બહાર, કુલમાન ઘિસિંગ સૌથી આગળ
નેપાલમાં ભારે હિંસા અને વ્યાપક વિરોધ-પ્રદર્શન પછી તખ્તો પલટાઈ ગયો છે. સેનાએ સુકાન સંભાળ્યા પછી પ્રદર્શનકારીઓના પ્રતિનિધિઓ, રાષ્ટ્રપતિ અને સૈન્યના વડા વચ્ચે વાતચીત ચાલી રહી છે. વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે જેન-ઝી તરફથી એક નામ પસંદ કરવાની કવાયતો ચાલી રહી છે. પ્રાઇમ મિનિસ્ટર (PM)ના પદની રેસમાં રૅપરમાંથી મેયર બનેલા બાલેન્દ્ર શાહ અને નેપાલનાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીનાં નામ સૌથી આગળ હતાં. જોકે બાલેન્દ્ર શાહે આ પદ માટે મનાઈ કરી હતી અને નેપાલના સંવિધાન પ્રમાણે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસને PM બનવાની પરવાનગી નથી. આ કારણે હવે નેપાલ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર કુલમાન ઘિસિંગનું નામ સૌથી આગળ છે. કુલમાન નેપાલની વીજકટોકટીને દૂર કરનારા એન્જિનિયર તરીકે પ્રસિદ્ધ છે અને સમગ્ર નેપાલમાં લોકચાહના ધરાવે છે.
કરફ્યુ અને ભયંકર તનાવભરી સ્થિતિમાં પણ નેપાલમાં જીવતીજાગતી દેવીનો ઇન્દ્ર જાત્રા ફેસ્ટિવલ આટોપાયો

દર વર્ષે મૉન્સૂન સીઝન પૂરી થાય એ વખતે નેપાલમાં ઇન્દ્ર જાત્રા ઉત્સવ ઊજવાય છે. એમાં નેપાલની જીવતીજાગતી દેવીનું સરઘસ કાઢવામાં આવે છે. જોકે ગયા અઠવાડિયે સરકારવિરોધી પ્રદર્શનોને કારણે દેવીનું નગરભ્રમણ શક્ય નહોતું બન્યું. ગઈ કાલે નેપાલની આર્મીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બસંતપુર દરબાર સ્ક્વેર પર ઇન્દ્ર જાત્રા ફેસ્ટિવલનું રાઇફલ સૅલ્યુટથી સમાપન કર્યું હતું.


