ડોનલ્ડ ટ્રમ્પ અને ઈલાૉન મસ્ક રાતોરાત જિગરી દોસ્ત મટીને એકમેકના જાની દુશ્મન બની ગયા : ઘણાં ડર્ટી સીક્રેટ્સ બહાર આવવાની આશંકા
ડોનલ્ડ ટ્રમ્પ અને ઈલાૉન મસ્ક
અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી વખતે ગાઢ મિત્રો બનેલા ડોનલ્ડ ટ્રમ્પ અને ટેક જાયન્ટ ઈલૉન મસ્ક વચ્ચે હવે દુશ્મનાવટ થઈ છે અને આ બે ગાઢ મિત્રો એકમેકના દુશ્મન બનતાં એની વ્યાપક અસર અમેરિકાના રાજકારણમાં અને દુનિયાભરમાં થવાની ધારણા છે. મસ્કના સહારાને કારણે ટ્રમ્પ ચૂંટણી જીત્યા હતા, પણ હવે તેમની વચ્ચે બ્રેક-અપ થતાં બેઉ જૂના દુશ્મનોની જેમ લડી રહ્યા છે. મસ્ક હવે ટ્રમ્પનાં સીક્રેટ્સ ખોલવા લાગ્યા છે તો ટ્રમ્પ હવે મસ્કની કંપનીઓ સાથેના સરકારી કૉન્ટ્રૅક્ટ રદ કરવા લાગ્યા છે.
ટ્રમ્પે જાન્યુઆરીમાં સરકાર બનાવ્યા બાદ મસ્કને સરકારમાં સામેલ કર્યા હતા અને સરકારી ખર્ચમાં કાપ મૂકનારા ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશ્યન્સી (DOGE)ના હેડ બનાવ્યા હતા. જોકે બન્ને વચ્ચે નાનો-મોટો વિવાદ થતો રહ્યો હતો અને છેવટે મસ્કે સરકારથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. મસ્કે ટ્રમ્પ સરકાર દ્વારા લાવવામાં આવેલા બિગ બ્યુટિફુલ બિલનો વિરોધ કર્યો, જે પછી બન્ને વચ્ચે તનાવ શરૂ થયો અને ભારતીય સમય મુજબ ગુરુવારે મધરાત બાદ બેઉ વચ્ચે સોશ્યલ મીડિયા વૉર થયું હતું. ભારતના લોકો ગુરુવારે રાત્રે મીઠી નીંદર લઈ રહ્યા હતા ત્યારે અમેરિકામાં સોશ્યલ મીડિયા પર અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને ટેક જાયન્ટ અને ટેસ્લા કંપનીના માલિક ઈલૉન મસ્ક વચ્ચે યુદ્ધ થયું હતું. આ વૉર એટલું વધી ગયું કે મસ્કે ટ્રમ્પને પ્રેસિડન્ટપદ પરથી હટાવવાની વાત કરી દીધી હતી.
ADVERTISEMENT
ઘટનાક્રમ કેવી રીતે આગળ વધ્યો?
ટ્રમ્પે મીડિયાને કહ્યું : બિગ બ્યુટિફુલ બિલ સામે મસ્કને વાંધો નહોતો
ભારતીય સમય મુજબ ગુરુવારે રાત્રે લગભગ ૯.૩૫ વાગ્યે ટ્રમ્પ મીડિયા સાથે વાતચીત કરતા હતા ત્યારે પત્રકારોએ પૂછ્યું કે ઈલૉન મસ્કે તમારા બિગ બ્યુટિફુલ બિલની ટીકા કરી છે, આ વિશે તમારું શું કહેવું છે?
આ સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘મને હંમેશાં ઈલૉન ગમ્યો છે. તમે જોયું હશે કે તેણે મારા માટે શું કહ્યું. તેણે મારા વિશે કંઈ ખરાબ કહ્યું નથી. હું ઇચ્છું છું કે તે બિલને બદલે મારી ટીકા કરે, કારણ કે બિલ શાનદાર છે. આ આપણા દેશના ઇતિહાસમાં સૌથી મોટો કાપ છે. ઈલૉન આ બિલથી સંપૂર્ણપણે વાકેફ હતો. તેને બિલથી કોઈ સમસ્યા નહોતી. તે સરકારમાંથી અલગ થયો એ પછી તેનો અભિપ્રાય બદલાઈ ગયો. તેને સમસ્યા ત્યારે થઈ જ્યારે તેને ખબર પડી કે અમે ઇલેક્ટ્રિક વેહિકલ (EV)ની સબસિડીમાં કાપ મૂકવાના છીએ, કારણ કે એની કિંમત અબજો ડૉલર છે. હું તેનો મુદ્દો સમજી શકું છું, હું ઈલૉનથી ખૂબ નિરાશ છું. મેં તેને ઘણી મદદ કરી છે.’
આ સિવાય ડોનલ્ડ ટ્રમ્પે મસ્કની માલિકીના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર મસ્ક વિરુદ્ધની પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું કે તે (મસ્ક) હજી પણ વાઇટ હાઉસને યાદ કરે છે, મસ્કને ટ્રમ્પ ડિરેન્જમેન્ટ સિન્ડ્રૉમ છે.
મસ્કે કહ્યું : ટ્રમ્પનો દાવો ખોટો, મારા વિના ચૂંટણી હારી ગયા હોત
બિગ બ્યુટિફુલ બિલ વિશે ટ્રમ્પના દાવાને મસ્કે ખોટો ગણાવીને કહ્યું હતું કે મને આ બિલ વિશે કંઈ ખબર નહોતી, ટ્રમ્પનો દાવો ખોટો છે. મસ્કે ઍક્સ પર લખ્યું કે ‘આ ખોટું છે. મને ક્યારેય આ બિલ બતાવવામાં આવ્યું નહોતું અને એ મધ્યરાત્રિએ એટલી ઝડપથી પસાર થઈ ગયું કે કૉન્ગ્રેસ (સંસદ)ના કોઈ સંસદસભ્યને એ વાંચવાનો મોકો પણ મળ્યો નહીં.’
આ સિવાય મસ્કે ટ્રમ્પ પર વળતો પ્રહાર કરતાં ટ્રમ્પને કૃતઘ્ન ગણાવીને કહ્યું કે ‘મારા વિના ટ્રમ્પ ૨૦૨૪ની પ્રેસિડન્ટની ચૂંટણી હારી ગયા હોત. ડેમોક્રૅટ્સે હાઉસ પર કબજો કર્યો હોત અને રિપબ્લિકન્સ સેનેટમાં ફક્ત ૫૧-૪૯ મતોથી જીત્યા હોત.’
ટ્રમ્પે સબસિડી સમાપ્ત કરવાની ધમકી આપી
મસ્કના જવાબ બાદ ટ્રમ્પે પણ તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર મસ્ક પર નિશાન સાધીને EV પરની સબસિડી સમાપ્ત કરવાની ધમકી આપી હતી. ટ્રમ્પે લખ્યું હતું કે ‘ઈલૉન મારા માટે સમસ્યા બની રહ્યો હતો. મેં તેને સરકાર છોડી દેવાનું કહ્યું. મેં EV મૅન્ડેટ ખતમ કરી દીધો જેને કારણે લોકોને એવી ઇલેક્ટ્રિક કાર ખરીદવાની ફરજ પડતી હતી જે કોઈ ઇચ્છતું નહોતું. તે મહિનાઓથી જાણતો હતો કે હું આ કરીશ, છતાં તે પાગલ થઈ ગયો.’
ત્યાર બાદ બીજી પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે ‘આપણા બજેટમાં અબજો ડૉલર બચાવવાનો સૌથી સહેલો રસ્તો ઈલૉનની સરકારી સબસિડી અને કૉન્ટ્રૅક્ટ રદ કરવાનો છે. મને હંમેશાં આશ્ચર્ય થતું હતું કે બાઇડને આ કેમ ન કર્યું.’
ટ્રમ્પે કહ્યું કે તેઓ મસ્કની કંપનીઓ સાથે અમેરિકન સરકારના તમામ કરારો સમાપ્ત કરવાનું વિચારી રહ્યા છે.
મસ્કે ડ્રૅગન અવકાશયાનને બંધ કરવાની ધમકી આપીને પાછી ખેંચી લીધી
EVની સબસિડી સમાપ્ત કરવાની ધમકી પર મસ્કે કહ્યું હતું કે મારા સરકારી કરાર રદ કરવાના પ્રેસિડન્ટના નિવેદનને ધ્યાનમાં રાખીને સ્પેસએક્સ તાત્કાલિક એના ડ્રૅગન અવકાશયાનને બંધ કરવા પર કામ કરશે. જોકે થોડા સમય પછી મસ્કે કહ્યું હતું કે તેઓ આવું નહીં કરે.
ડ્રૅગન અવકાશયાન અમેરિકાની સ્પેસ એજન્સી નાસા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એ અવકાશયાત્રીઓ અને ઘણી આવશ્યક વસ્તુઓને ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં પહોંચાડે છે. જો મસ્કે ખરેખર એને બંધ કરી દીધું હોત તો ISSનું ભવિષ્ય વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે કારણ કે એની સ્થિતિ પહેલેથી જ ખરાબ છે અને નાસા પાસે ઘણા વિકલ્પો નથી.
બિગ બ્યુટિફુલ બિલ નહીં, બિગ અગ્લી બિલ
મસ્કે ટ્રમ્પના બિગ બ્યુટિફુલ બિલને બિગ અગ્લી બિલ ગણાવીને કહ્યું હતું કે આ બિલ સરકારી ખાધને ૨.૫ ટ્રિલ્યન અમેરિકી ડૉલર સુધી વધારી દેશે. આ સંદર્ભમાં મસ્કે તેની પોસ્ટમાં લખ્યું હતું કે ‘સરકારે EV અને સોલર એનર્જી માટે સબસિડી ઘટાડી, પરંતુ તેલ-ગૅસ કંપનીઓને આપવામાં આવતી મદદને એમ જ રહેવા દીધી જે ખૂબ જ ખોટું છે. આ સાથે આ બિલમાં ઘણા બધા બિનજરૂરી ખર્ચ ઉમેરવામાં આવ્યા છે જેને દૂર કરવા જોઈએ. ઇતિહાસમાં આવો કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી.’
આ સિવાય મસ્કે સોશ્યલ મીડિયા પર ટ્રમ્પ અને તેમના સહયોગીઓની જૂની કમેન્ટ્સ શૅર કરવાનું શરૂ કર્યું, જેમાં તેમણે અમેરિકન સરકારના વધતા ખર્ચ અને ખાધ પર ચિંતા વ્યક્ત કરી હતી. આનાથી મામલો વધુ વકર્યો હતો.
મસ્કની પોસ્ટ : ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવો, વૅન્સને પ્રેસિડન્ટ બનાવો
ઈલૉન મસ્કે એક પોસ્ટમાં લખ્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવામાં આવવો જોઈએ અને તેમની જગ્યાએ વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સને પ્રેસિડન્ટ બનાવવા જોઈએ.
ટ્રમ્પે કહ્યું : મસ્ક મારી વિરુદ્ધ હોય તો કોઈ વાંધો નથી
ટ્રમ્પ અને મસ્ક વચ્ચે મૌખિક હુમલાઓ વધતા રહ્યા એ પછી ટ્રમ્પે કહ્યું હતું કે મસ્કે મહિનાઓ પહેલાં મારી વિરુદ્ધ થઈ જવું જોઈતું હતું. આ મુદ્દે ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘જો મસ્ક મારી વિરુદ્ધ થાય તો મને કોઈ વાંધો નથી, પરંતુ તેણે આ કામ મહિનાઓ પહેલાં કરવું જોઈતું હતું. આ બિલ કૉન્ગ્રેસમાં રજૂ કરાયેલાં સૌથી મોટાં બિલોમાંનું એક છે. મેં આ ગરબડ ઊભી કરી નથી. હું એને સુધારવા માટે અહીં છું. આ બિલ આપણા દેશને મહાનતાના માર્ગ પર લઈ જશે અને મેક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA)નો નારો બુલંદ થશે.’
મસ્કે એપ્સટીન સેક્સ કૌભાંડમાં ટ્રમ્પનું નામ ઉછાળ્યું
ટ્રમ્પ અને મસ્ક વચ્ચે આ મૌખિક યુદ્ધ ચાલતું હતું ત્યારે મસ્કે એક સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે ડોનલ્ડ ટ્રમ્પનું નામ જેફરી એપ્સટીનની ફાઇલોમાં સામેલ છે. આ મુદ્દે મસ્કે ઍક્સ પર લખ્યું કે ‘હવે મોટો ખુલાસો કરવાનો સમય આવી ગયો છે. ડોનલ્ડ ટ્રમ્પનું નામ એપ્સટીન ફાઇલોમાં છે. આ જ કારણ છે કે એને જાહેર કરવામાં આવ્યું નથી. ડોનલ્ડ ટ્રમ્પ, શુભ દિવસ.’
આ પછી બીજી એક પોસ્ટમાં મસ્કે લખ્યું કે ભવિષ્ય માટે આ પોસ્ટની નોંધ લો, સત્ય બહાર આવશે.
સગીર છોકરીઓનું શોષણ કરવાનો જેના પર આરોપ મુકાયો હતો એવા એપ્સટીન સાથેનો ટ્રમ્પનો વિડિયો મસ્કે પોસ્ટ કર્યો
જેના પર સગીર છોકરીઓનું શોષણ કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો એવા અમેરિકન અબજોપતિ જેફરી એપ્સટીન સાથે યુવાન ડોનલ્ડ ટ્રમ્પ એક પાર્ટીમાં છોકરીઓની સાથે છે એવો એક વિડિયો મસ્કે પોસ્ટ કર્યો હતો. અમેરિકામાં એપ્સટીન કેસ એક હાઈ-પ્રોફાઇલ ફોજદારી કેસ છે. જેફરી એપ્સટીન પર સગીર છોકરીઓનું જાતીય શોષણ અને દાણચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં વિશ્વભરના ઘણા હાઈ-પ્રોફાઇલ લોકોનાં નામ પ્રકાશમાં આવ્યાં હતાં.
આ કેસ ત્યારે વધુ ખૂલ્યો હતો જ્યારે વર્જિનિયા જિફ્રી નામની એક મહિલા આગળ આવી હતી અને તેણે ઘણા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે એપ્સટીને તેને ૧૯૯૯થી ૨૦૦૨ની વચ્ચે ઘણી મોટી હસ્તીઓ પાસે મોકલી હતી. તે એપ્સટીન દ્વારા ઘણી વખત ડોનલ્ડ ટ્રમ્પને મળી હતી.
એપ્સટીનને દેહવેપાર અને સગીર છોકરીઓને લલચાવવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. જોકે થોડી સોદાબાજી પછી તેને ફક્ત ૧૩ મહિનાની કસ્ટડી મળી હતી, જેમાં કામ પર છૂટવાની મંજૂરી આપવામાં આવી.
એપ્સટીનની ૨૦૧૯માં ફ્લૉરિડા અને ન્યુ યૉર્કમાં સગીરોની જાતીય દાણચોરીના આરોપમાં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૧૯ની ૧૦ ઑગસ્ટે એપ્સટીને જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેણે આત્મહત્યા કરી ત્યારે ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ હતા.
એ જ વર્ષે ૨૦૧૯માં વર્જિનિયા જિફ્રીનું પણ ૨૫ એપ્રિલે મૃત્યુ થયું હતું. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તેણે આત્મહત્યા કરી હતી.
મસ્કને બિચારો ગણાવીને ટ્રમ્પે કહ્યું, હું તેની સાથે વાત નહીં કરું
ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાના સમય મુજબ શુક્રવારે સવારે (ભારતીય સમય મુજબ રાતે) મસ્કને બિચારો ગણાવ્યો અને કહ્યું કે ‘હું ઈલૉન મસ્કની બાબતમાં વિચાર નથી કરી રહ્યો, બિચારાને કોઈ સમસ્યા છે. હું તેની સાથે થોડો સમય વાતચીત નહીં કરું, પણ હું તેને શુભકામના આપું છું.’
મસ્ક પાસેથી ખરીદેલી ટેસ્લા કાર વેચવી છે
એક ન્યુઝપેપર સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે હું મારી ટેસ્લા કાર વેચવા માગું છું. આ વર્ષની શરૂઆતમાં ટેસ્લાના વિરોધમાં થઈ રહેલાં પ્રદર્શનો અને કંપનીના શૅરના ભાવમાં ઘટાડો થયાના પગલે ટેસ્લાના માલિક ઈલૉન મસ્કના સમર્થનમાં ટ્રમ્પે લાલ રંગની ટેસ્લા કાર ખરીદી હતી.
ઈલૉન મસ્કને એક જ દિવસમાં ત્રણ લાખ કરોડનું નુકસાન
ડોનલ્ડ ટ્રમ્પ સાથેની લડાઈમાં ઈલૉન મસ્કને એક જ દિવસમાં આશરે ૩૪ બિલ્યન ડૉલર (આશરે ત્રણ લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. ગુરુવારે ટેસ્લાના શૅરના ભાવ ૧૪.૨૬ ટકા ઘટીને ૨૮૪.૭૦ ડૉલર થયા હતા. આમ કંપનીના શૅરમાં એક દિવસમાં ૪૭.૩૫ ડૉલરનો કડાકો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ અનુસાર નવેમ્બર ૨૦૨૧ પછી મસ્કને એક દિવસમાં આ સૌથી મોટું નુકસાન થયું છે. ઈલૉન મસ્કની નેટવર્થ ઘટીને ૩૩૫ બિલ્યન ડૉલર થઈ ગઈ છે.
ઈલૉન મસ્ક બનાવવા માગે છે નવી પાર્ટી, તેમના આહ્વાનને ૮૦ ટકા લોકોનું સમર્થન
ઈલૉન મસ્કે ડોનલ્ડ ટ્રમ્પ પરના હુમલા બાદ હવે અમેરિકાની બે-પક્ષીય રાજકીય પ્રણાલીનો અંત લાવવાનું આહ્વાન કર્યું છે. અમેરિકામાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન એમ બે જ પક્ષ છે. મસ્કે તેના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક મતદાનમાં સવાલ કર્યો હતો કે શું અમેરિકામાં એક નવો રાજકીય પક્ષ બનાવવાનો સમય આવી ગયો છે જે ખરેખર મધ્યમ માર્ગના ૮૦ ટકા લોકોનું પ્રતિનિધિત્વ કરે?
૨૪ કલાક ચાલેલા મતદાનમાં પંચાવન લાખથી વધુ લોકોએ મત આપ્યા હતા અને ૮૦ ટકાથી વધારે લોકોએ ‘હા’માં જવાબ આપ્યો હતો.
શું હતી જો બાઇડન સરકારની નીતિ : પ્રદૂષણ ઘટાડવા EV બનાવો
હકીકતમાં અગાઉની જો બાઇડન સરકારે એક નીતિ બનાવી હતી જેમાં કારકંપનીઓને શક્ય એટલાં ઇલેક્ટ્રિક વાહનો બનાવવાનું કહેવામાં આવ્યું હતું. એનો હેતુ પેટ્રોલ અને ડીઝલ પર ચાલતાં વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવાનો હતો. ટ્રમ્પ અને તેમના સમર્થકો આની વિરુદ્ધ છે. તેઓ માને છે કે લોકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે દબાણ ન કરવું જોઈએ, કારણ કે ઇલેક્ટ્રિક વાહનો મોંઘાં છે. ટ્રમ્પે બિગ બ્યુટિફુલ બિલને મંજૂર કર્યા બાદ દાવો કર્યો હતો કે તેમણે ઇલેક્ટ્રિક વેહિકલ મૅન્ડેટ નાબૂદ કરી દીધો છે જેનાથી લોકોને ફરીથી તેમની પસંદગીનું વાહન ખરીદવાની સ્વતંત્રતા મળી છે. ટ્રમ્પના આ નિર્ણયની સીધી અસર મસ્ક અને તેમની કંપની ટેસ્લા પર પડવાની છે, કારણ કે મસ્કનું બિઝનેસ મૉડલ ઇલેક્ટ્રિક વાહનો (EV) પર આધારિત છે.

