ઈરાન સાથે શાંતિકરાર પર ડિજિટલ હસ્તાક્ષર થઈ ગયા પછી ટ્રમ્પે ઇઝરાયલને ખરીખોટી સંભળાવતાં કહ્યું...
ડોનલ્ડ ટ્રમ્પ
ઈરાન સાથેના સમાધાન પછી ફ્રાન્સની મુલાકાતે ગયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કતરના શેખ તમીમ હમદ અલ-થાની સાથે મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. એ પછી સમાધાન કરાર પર ડિજિટલ હસ્તાક્ષર થઈ ચૂક્યા હોવાનું જણાવતાં ડોનલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના લેબૅનન પરના હુમલા માટે નારાજગી જતાવી હતી. ઈરાન સાથેની ડીલમાં લેબૅનનમાં પણ ઇઝરાયલ દ્વારા શાંતિ થશે કે નહીં એ મુદ્દે હજી અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે મતભેદ છે. આ મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું, ‘જો તમે મને બીબી (નેતન્યાહુ) વિશે પૂછતા હો તો કહીશ કે અમારી વચ્ચે ખૂબ વિશ્વસનીય સંબંધો છે, પણ જો હું આ યુદ્ધમાં સામેલ ન થયો હોત તો ઇઝરાયલ બહુ પહેલાં જ તબાહ થઈ ગયું હોત. આ ડીલ પરમાણુ હથિયાર બનાવતા રોકવા માટે દીવાલ ઊભી કરવા માટે હતું. મને યાદ છે નેત ન્યાહુ અમેરિકા ઓબામાને વિનંતી કરવા આવ્યા હતા. હાથ જોડીને વિનંતી કરી હતી કે તેઓ સાથ આપે. જોકે ઓબામા ઇઝરાયલ નહીં, ઈરાનના પક્ષમાં હતા. મેં જો પદ સંભાળ્યા પછી ઇઝરાયલને સાથ ન આપ્યો હોત તો એનું અસ્તિત્વ જ આજે ન હોત.’
ઈરાનને ૨૮ લાખ કરોડ રૂપિયા નથી આપવાના
અમેરિકા-ઈરાનના સમાધાનમાં એક મુદ્દો ઈરાનને ૨૮ લાખ કરોડ રૂપિયા અમેરિકા આપશે એ વિશે ન્યુ યૉર્ક ટાઇમ્સના એક રિપોર્ટમાં દાવો થયો હતો. એ વાતને રદિયો આપતાં ટ્રમ્પે કહ્યું હતું, ‘અમેરિકા ઈરાનમાં કોઈ નાણાકીય રોકાણ કરવાનું નથી. પણ અમે ભવિષ્યમાં ક્યારેક ઈરાનમાં રોકાણ જરૂર કરીશું.’
